Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કોરોના ઇફેકટ : કાલથી કલેકટરમાં બેડ અંગે કન્ટ્રોલ રૂમ

હોસ્પિટલની પણ માહિતી મળશે : બુધવાર સુધીમાં કેન્સર હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરાશે : સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે સમરસમાં કોવીડ કેર સેન્ટર શરૂ : બે દિ'માં ગોંડલ-જસદણ-ધોરાજીમાં પણ હોસ્પિટલો

રાજકોટ, તા. રર :  કોરોનાના કેસો શહેર-જીલ્લામાં વધતા કલેકટર તંત્ર દ્વારા ધડાધડ પગલા લેવાઇ રહ્યા છે, આજે સાંજે ૪ વાગ્યે રાજકોટના આઇએમએના ડોકટરો અને અન્ય ખાનગી ડોકટરો સાથે કલેકટરે વેકસીનેશન, કોરોના દર્દી બેડ અંગે મહત્વની મીટીંગ બોલાવી છે.  દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આવતીકાલથી ફરી કોરોના સંદભે કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, અને હોસ્પિટલ કઇ જગ્યાએ આવેલી છે, કોણ ડોકટર, કયાં પ્રકારની સેવા, ફી અંગે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરાઇ રહ્યો છે, જેના નંબરો હવે જાહેર કરાશે.

તેમણે ઉમેર્યુ હતું કે ૧ થી ર દિવસમાં રાજકોટની જુની કેન્સર હોસ્પિટલમાં ફરીથી ૧૯ર બેડ સાથેની હોસ્પિટલ શરૂ થશે, તો બે દિ'માં ગોંડલ-જસદણ-ધોરાજીમાં પણ કોવીડ-૧૯ હોસ્પિટલો શરૂ કરી દેવાશે, જયારે રાજકોટની સમરસ હોસ્ટેલ કે જયાં હોસ્પિટલ-ઓકસીજન પાઇપ લાઇન સાથે ઉભી કરાઇ હતી. ત્યાં હળવા લક્ષણવાળા દર્દીઓ માટે સીસીસી એટલે કે કોવીડ કેર સેન્ટર હાલ એક વ્હીંગમાં શરૂ કરી દેવાશે.

(3:17 pm IST)