Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

હોળી-ધૂળેટી પર્વ નજીક આવતાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસઃ સવારે મેગા ડ્રાઇવ યોજાતાં નાસભાગઃ મહિલાઓ સહિત ૨૦ પકડાયા

થોરાળા પોલીસ, યુનિવર્સિટી પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને પ્ર.નગર પોલીસની ટીમોએ દરોડા પાડી દારૂ કબ્જે કરી આરોપીઓને પકડ્યાઃ બે હદપાર પણ ઝપટે ચડ્યાઃ ૪૫૦૦ લિટર આથાનો સ્થળ પર નાશ કરાયો

રાજકોટ તા. ૨૨: હોળી-ધૂળેટી પર્વ નજીક આવી રહ્યું હોઇ શહેરમાં દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવા મળેલી સુચના અંતર્ગત આજે વહેલી સવારે થોરાળા પોલીસ, પ્ર.નગર પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમોએ પોતપોતાના વિસ્તારોમાં વહેલી સવારે મેગા ડ્રાઇવ યોજી દેશીના ધંધાર્થીઓને પકડી લીધા હતાં. દેશી દારૂ ઉપરાંત એક શખ્સ વિદેશી દારૂ સાથે પણ પકડાયો હતો. ઓચિંતી પોલીસ ત્રાટકતાં ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે ૧૦ મહિલાઓ સહિત ૨૦ને પકડી લીધા હતાં.

થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે યોજાયેલી મેગા ડ્રાઇવમાં ભકિતનગર અને આજીડેમ પોલીસની ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. કુબલીયાપરાની મંજુબ કરસન રાઠોડ, બાપા સિતારામનગરની જયશ્રી સુનિલ સોલંકી, મયુરનગરની કાંતા મગનભાઇ કોબીયા, ચુનારાવાડની જીણી ચનાભાઇ પાટડીયા અને ખોડિયાપરાની શાંતિ દેવરાજભાઇ પરમારને રૂ. ૧૩૮૦ના ૬૯ લિટર દારૂ સાથે તથા રૂ. ૯૦૦૦નો ૪૫૦૦ લિટર આથો કબ્જે કરાયો હતો. બીનવારસુ મળેલા આ આથોનો સ્થળ પર નાશ કરાયો હતો.

પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડકોન્સ. ભુપતભાઇ, આનંદભાઇ, શૈલેષભાઇ, કોન્સ. વિજયભાઇ, નરસંગભાઇ, સહદેવસિંહ, ધર્મેન્દ્રસિંહ, યુવરાજસિંહ, જયદિપભાઇ, રમેશભાઇ, એસઆરપીની ટીમો, આજીડેમ-ભકિતનગરનો સ્ટાફ જોડાયો હતો.

યુનિવર્સિટી પોલીસની ટીમે રૈયાધાર મફતીયાપરામાં દરોડા પાડી હદપાર જ્યોત્સના રાજેશ સાડમીયા, ગુલાબબેન કમશી સાડમીયાને દેશી દારૂ સાથે પકડી લઇ હદપાર ભંગના કેસ પણ કર્યા હતાં. આ ઉપરાંત ગુરૂજીનગર કવાર્ટરના જીજ્ઞેશ દિલીપભાઇ સિધ્ધપુરાને રૂ. ૧૨૦ના દારૂ સાથે, રૈયાધારની શાયરા મહેબુબ મુનશીને રૂ. ૧૨૦ના, રૈયાધારના વિક્રમ કેશુભાઇ વાજેલીયાને રૂ. ૧૪૦ના, જાનુબેન રમેશ જકશીને રૂ. ૩૦૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં. અન્ય બૂટલેગરોના મકાનો ચેક કરાયા હતાં. પણ કંઇ ન મળતાં ૧૩ નિલ રેઇડ કરવામાં આવી હતી. પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા, એચ. જે. બરવાડીયા તથા ડી. સ્ટાફ અને ચોકીના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી.

જ્યારે ગાંધીગ્રામ પોલીસે અંજલીપાર્ક-૧ના ઘનશ્યામ કાથડભાઇ વીરડાને એક બોટલ વિદેશી દારૂ સાથે તથા ઘંટેશ્વર ૨૫ વારીયાના અશોક ધનજીભાઇ ઉધરેજીયાને રૂ. ૬૦ના, છોટુનગર મફતીયાપરાની લીલા વજુ વાજેલીયાને રૂ. ૧૦૦ના તથા વૈશાલીનગર ફાટક પાસેથી રહેમાન હુશેન હોથીને રૂ. ૧૨૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં. પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એમ. બી. ગઢવી તથા ડી. સ્ટાફની ટીમે આ મેગા ડ્રાઇવ યોજી હતી.

આ ઉપરાંત પ્ર.નગર પોલીસે પાંચ અલગ-અલગ દરોડામાં ૧૯ લિટર દારૂ કબ્જે કર્યો હતો. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, કોન્સ. યુવરાજસિંહ, પ્રદિપસિંહ, મહાવીરસિંહ અને અશોકભાઇ હુંબલ આ ડ્રાઇવમાં જોડાયા હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડ, એસીપી પશ્ચિમ પી. કે. દિયોરા, એસીપી પશ્ચિમ જે. એસ. ગેડમની સુચના મુજબ આ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

(2:50 pm IST)