Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સહકારી મંડળીના ચેક રિટર્ન કેસમાં માતા-પુત્રને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ, તા. ૨૧ :. સહકારી મંડળીમાંથી લોન મેળવી, લોનની રકમ પેટે આપેલ ચેક રીટર્ન થતા માતા તથા પુત્રને એક વર્ષની સજા ફટકારતી નેગોશીયેબલ કોર્ટ હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ શહેરમાં આવેલ પ્રસિદ્ધ શ્રી રૂદ્રા ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીમાંથી ઉષાંત દલસુખભાઈ ગોસાઈ તથા તેઓના માતુશ્રી મીનાબેન દલસુખભાઈ ગોસાઈએ અલગ અલગ રૂ. ૧,૦૦,૦૦૦ની જાત - જામીનગીરીની લોન મેળવેલ જે લોનની પરત ચુકવણી પેટે આરોપી ઉષાંતભાઈ ગોસાઈએ ફરીયાદી મંડળીને રૂ. ૭૯,૫૦૦નો ચેક આપેલ અને તેઓના માતુશ્રીએ રૂ. ૭૮,૧૦૦નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ વસુલ થવા રજુ કરેલ પરંતુ આરોપી ઉષાંતભાઈએ આપેલ ચેક 'એકાઉન્ટ કલોઝડ'ના શેરાથી અને આરોપી મીનાબેને આપેલ ચેક 'ફંડ ઈનસફીસીયન્ટ'ના શેરાથી પરત કરેલ આથી ફરીયાદી મંડળીએ તેઓના વકીલનશ્રી મારફત બન્ને આરોપીઓને નોટીસ મોકલેલ જે નોટીસ આરોપીએ સ્વીકારેલ નથી જેથી ફરીયાદી મંડળીએ બન્ને આરોપી વિરૂદ્ધ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષ તરફથી રજુ રાખવામાં આવેલ દસ્તાવેજો ધ્યાને લઈ તેમજ ફરીયાદીના વકીલશ્રીની દલીલો ધ્યાનમાં લઈ રેકર્ડ ઉપરનો પુરાવો ધ્યાને રાખી ફરીયાદીની ફરીયાદ કોર્ટ સાબિત થયેલાનું માનેલ અને આરોપી દ્વારા સિકયુરીટી પેટેના ચેકનો દુરૂપયોગ કરેલ હોવાની તકરાર કરવામાં આવેલ અને અન્ય બચાવ લેવામાં આવેલ જે તમામ બચાવ અંગે વ્યાજબી પુરાવો રજુ કરી શકેલ ન હોય આરોપી ફરીયાદીની ફરીયાદ હકીકતોનું વિરૂદ્ધનું કામ પુરવાર કરી સકેલ ન હોવાનું માનીને કોર્ટ બન્ને આરોપીઓને અલગ અલગ કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફરમાવાનો હુકમ કરેલ અને ચેકની રકમ વળતર તરીકે ચુકવવા હુકમ કરેલ જો વળતર ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી મંડળી વતી વકીલશ્રી કિરણભાઈ રૂપારેલીયા, અનિરૂદ્ધ નથવાણી, અજય ચાંપાનેરી, અતુલ ચેખલીયા, શિવાની ચાંપાનેરી, તન્વી શેઠ, ક્રિષ્ના મારડીયા રોકાયેલા હતા.

(4:15 pm IST)