Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કુલપતિ પેથાણીના નિર્ણયથી નારાજ પ્રોફેસરો પદવીદાન સમારોહ વેળાએ પીએચડી ગાઈડશીપ ગર્વનરને પરત કરશે

કુલપતિને અનેક રજૂઆત છતાં અંગ્રેજીમાં થીસીસ લખવાની વિરૂદ્ધમાં કોંગ્રેસના ડો.નિદત બારોટનો ખુલ્લો લલકાર

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડો.નીતિન પેથાણીએ અન્ય સત્તામંડળના સભ્યોને પૂછયા વિના અંગ્રેજીમાં થીસીસ લખવાના નિયમ કરી આપતા અધ્યાપકોમાં ભારે રોષ ફેલાયો છે. કોંગ્રેસના પ્રવકતા ડો.નિદત બારોટે આજે લલકાર કર્યો હતો કે આગામી માસમાં યોજાનાર પદવીદાન સમારોહ વખતે અંગ્રેજીમાં થીસીસ લખવાની વિરૂદ્ધમાં માર્ગદર્શકશ્રીઓ પોતાની પીએચડી ગાઈડશીપ ગર્વનરને પરત કરશે.

આ અંગે શ્રી નિદત બારોટે જણાવેલ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય વખતથી કોઈપણ સતામંડળને વિશ્વાસમાં લીધા વગર જુદા જુદા નિર્ણયો થઈ રહયા છે. અનુસ્નાતક ભવનમાં પ્રવેશની કાર્યવાહી કઈ રીતે કરવી ? ભવનમાં એમ.ફીલ. ની બેઠકો કેટલી હશે ? પીએચ.ડી. માં પ્રવેશ કેવી રીતે આપવા ? પીએચ.ડી. ની પરીક્ષા કેવી રીતે લેવાશે ? પ્રવેશ માટેનું મેરીટનું ધોરણ શું છે ? એકસર્ટનલનો અભ્યાસક્રમ બંધ કરવો અને પીએચ.ડી. ની થીસીસ અંગ્રેજીમાં લખવી. આવા અનેક નિર્ણયો યોગ્ય સતામંડળ સમક્ષ મુકવાને બદલે કુલપતિ કક્ષાએથી પોતાની અનુકૂળતા મુજબ નિર્ણયો લેવાયા છે.

પરીક્ષાના સમયપત્રકમાં પણ અનેક વખત ફેરફાર કરવા પડયા છે. હાલમાં જ લેવાયેલો એ નિર્ણય કે જેમાં ર૦૧૭ પછી નોંધાયેલા પીએચ.ડી. માટેના વિદ્યાર્થીઓએ પોતાનું થીસીસ અંગ્રેજી ભાષામાં આપવું પડશે તેવી ફરજ પાડવામાં આવી રહી છે. દેશના અનેક રાજયોમાં માતૃભાષા અને રાષ્ટ્રભાષામાં સંશોધક થીસીસ જમા કરાવી શકે છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માત્ર અંગ્રેજી ભાષામાં સંશોધન કાર્યની થીસીસ જમા કરવાની ફરજ યુનિવર્સિટી પાડે તે યોગ્ય જણાતું નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનના અને સંલગ્ન કોલેજોના અસંખ્ય અધ્યાપકો પોતાનો અભ્યાસક્રમ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં કરાવતા હોય ત્યારે તેઓએ પીએચ.ડી. ના માર્ગદર્શક તરીકે અંગ્રેજી ભાષામાં સંશોધન કરાવવું શકય નથી.

થોડા દિવસ પહેલા કુલપતિશ્રીને આ સંદર્ભે રજુઆત કરી બી.યુ.ટી. ની બેઠક બોલાવવાનું અને આ મુદે ચર્ચા કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કુલપતિશ્રીએ આ સૂચનને ધ્યાને ન લેતા ન છુટકે આગામી પદવીદાન સમારંભ વખતે જયારે સૌરાષ્ટ્રયુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ઉપસ્થિત હશે ત્યારે પીએચ.ડી. ના માર્ગદર્શકશ્રીઓ કુલાધિપતિને રૂબરૂ મળી પોતાની પીએચ.ડી. ગાઈડશીપ પરત કરશે તેમ નિદત બારોટે યાદીના અંતમાં જણાવેલ.

(4:14 pm IST)