Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સરકારે સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોના વિકાસને ખાસ પ્રોત્સાહનો આપવાની જરૂર છેઃ ડો.કે.કે ખખ્ખર

કેએસપીસી દ્વારા ''કન્ટેમ્પરરી ટ્રબલ્ડ ઓફ ઈકોનોમી ઓફ ઈન્ડીયા એન્ડ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ'' વિષય માર્ગદર્શન વાર્તાલાપ

રાજકોટ,તા.૨૧: કચ્છ- સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને જીએચસીએલ લી.સુત્રાપાડાના સહયોગથી ''કન્ટેમ્પરરી ટ્રબલ્ડ ઓફ ઈકોનોમી ઓફ ઈન્ડીયા એન્ડ સ્મોલ ઈન્ડસટ્રીઝ'' વિષયે રાજકોટના નિવૃત પ્રોફેસર અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અર્થશાસ્ત્ર ભવનના વડા અને મારવાડી યુનિવર્સીટીના એડવાઈઝરી બોર્ડના સભ્ય ડો.કે.કે ખખ્ખરનો વાર્તાલાપ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ શ્રી ડી.જી.પંચમીયાએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ શ્રી હસુભાઈ દવે તથા માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા ડો.કે.કે ખખ્ખરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતો.

કાર્યક્રમનામ અધ્યક્ષ શ્રી હસુભાઈ દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતુ કે જયારે ભણતા ''ખાડા ખોદો અને બુરો'' એવો ઉપાય લોર્ડ કેઈન્સે કહેલો, કે મંદીનો સમય આવે ત્યારે લોકોને કામ આપી દેવુ કે ખાડા ખોદો અને બુરો અથવા પીરામીડ બનાવાનુ કામ આપો અને લોકોના હાથમા આ રીતે પૈસા મુકો.

કાર્યક્રમના મુખ્ય વકતા ડો.કે.કે. ખખ્ખરે દેશની વર્તમાન આર્થિક સ્થિતિને 'મંદી' નહી પણ 'સુસ્તી' તરીકે ઓળખાવીને કહ્યુ હતુ કે સવાલ માંગની ખાધનો છે. પુરવઠો તો જ, જરૂર છે ઉત્પાદકિય રોજગારી વધારવાનો અને લોકોના હાથમાં વધુ વપરાશપાત્ર આવકો મુકવાનો છે. આ દિશામા નાના ઉદ્યોગનું મહત્વ ખુબ જ ઉંચુ છે. તેમણે સૌરાષ્ટ્રના સંખ્યાબંધ નાના ઉદ્યોગોએ આ અંગે દેશ અને દુનિયામાં બજાવેલી યશસ્વી કામગીરીનો વિસ્તારથી ખ્યાલ આપી કહ્યુ હતુ કે સરકારે સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોના વિકાસને ખાસ પ્રોત્સાહનો આપવાની સાથે જોડવાથી ઓર્ગેનીક વિકાસ થશે. દેશના વિકાસને જમીની વાસ્તવિકતા સાથે જોડવાથી વર્તમાન આર્થિક સંકટોની સામનો સરળતાથી કરી શકાશે એમ તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન શ્રી દિપકભાઈ સચદેએ કરેલ હતુ. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો ઘનશ્યામભાઈ ઢોલરીયા, હીરાભાઈ માણેક, શ્રીમતી ખખ્ખર, નિકેત પોપટ, પરેશભાઈ ગોસાઈ, મનસુખભાઈ જાગાણી અને વિવિધ કંપનીના અધિકારીઓ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા માટે કાઉન્સીલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:56 pm IST)