Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બીજા બધા ધંધા કરે છે, એને ત્યાં રેઇડ નથી કરતાં...જંગલેશ્વરમાં સલમા ઉર્ફ ચીનુડી અને તેની દિકરીની પોલીસ સાથે ધમાલ

શું અમારા ઘર પાસે આવ્યા?...પોલીસનું ફોનમાં શુટીંગ શરૂ કરી ગાળાગાળી કરી, દેકારો કરી માણસો ભેગા કરવા પ્રયાસ કર્યોઃ ભકિતનગર પોલીસની ટીમ દારૂની બાતમી પરથી તપાસમાં જતાં ફરજમાં રૂકાવટ કરીઃ બંને સામે ગુનો

રાજકોટ તા. ૨૧: જંગલેશ્વર શેરી નં. ૨૮માં રહેતી અને પોલીસ સામે અવાર-નવાર ખોટા આક્ષેપો કરવાની ટેવ ધરાવતી સલમા ઉર્ફ ચીનુડી બસીરભાઇ સંધી પોતાના મકાનમાં દારૂ વેંચતી હોવાની બાતમી મળતાં  ભકિતનગર પોલીસનો સ્ટાફ ત્યાં તપાસ માટે જતાં સલમા અને તેની દિકરીએ 'બીજા બધા ધંધા કરે છે, ત્યાં રેઇડ નથી કરતાં...અમારા ઘરે રેઇડ કરવા આવો છો' તેવું બોલી પોલીસ સાથે તુંકારા કરી પોલીસનું પોતાના મોબાઇલમાં શુટીંગ કરવા માંડતાં  અને ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરતાં બંને સામે ગુનો નોંધી આજે સવારે અટકાયતની કાર્યવાહી કરી હતી.

આ અંગે પીએસઆઇ પી. બી. જેબલીયાએ ફરિયાદી બની જંગલેશ્વર-૨૮ની સલમા ઉર્ફ ચિનુડી બસીરભાઇ સંધી તથા તેની દિકરી સામે આઇપીસી ૧૮૬, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. પીએસઆઇ જેબલીયાએ જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાંજે સાતેક વાગ્યે બાતમી મળી હતી કે સલમા ઉર્ફ ચિનુડી પોતાના ઘરમાં દારૂ રાખી વેંચાણ કરે છે. આ મહિલા પોલીસ વિરૂધ્ધ આક્ષેપો કરવાની ટેવ ધરાવતી હોઇ જેથી મહિલા પોલીસ સ્ટાફને પણ ત્યાં પહોંચવા જાણ કરી હતી.

સલમાના ઘરે પહોંચતા છાપરા નીચે બહાર ઉભા રહેતાં તે બહાર આવી હતી અને 'શું મારા ઘર પાસે આવ્યા છો?' તેમ કહી ગાળાગાળી કરવા માંડી હતી. એ દરમિયાન પોલીસ સ્ટેશનેથી એએસઆઇ જયુભા પરમાર, મહિલા કોન્સ. હિરલબેન ભટ્ટ, મહેન્દ્રસિંહ ડોડીયા, મનિષભાઇ સારડીયા પણ આવી જતાં સલમા ઉર્ફ ચીનુડીએ વધુ દેકારો અને ગાળાગાળી ચાલુ કર્યા હતાં. ત્યાં તેની દિકરી આવી ગઇ હતી અને તેના મોબાઇલથી પોલીસનું શુટીંગ કરવા માંડી હતી. પુરાવા રહે એ માટે કોન્સ. ભાવેશભાઇએ આ બંને મા-દિકરીનું પોતાના ફોનમાં શુટીંગ શરૂ કર્યુ હતું.

આ વખતે બંનેએ જોર-જોરથી દેકારો કરી માણસો ભેગા કરવા પ્રયાસ કરી હાથ લાંબા કરી તુંતારી કરવા માંડી હતી. બંને મહિલા હોઇ જેથી પોલીસ ટીમે સંયમ જાળવ્યો હતો. છતાં બંનેએ ગાળાગાળી ચાલુ રાખી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ બીજા બધા ધંધા કરે છે ત્યાં જતા નથી અને અમારા ઘરે દરોડા પાડવા આવો છો...તેમ કહી માથાકુટ કરતાં બંને સામે ગુનો નોંધાયો હતો. રાતનો સમય હોઇ બંનેની રાતે અટકાયત બાકી રાખી સવારે કાર્યવાહી કરી હતી. પીએસઆઇ આર. એન. સાકરીયા વધુ તપાસ કરે છે.

(1:12 pm IST)