Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મેડીકલમાં પૈસાથી પાસ પ્રકરણમાં FIR નોંધાવોઃ તપાસ સમિતિ

સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજના કર્મચારીના કથિત વિડિયો પ્રકરણમાં : વિડિયો સીડીની ફોરેન્સીક તપાસઃ કર્મચારીની ૪ માસની કોલ ડીટેલ કઢાવી મુળ સુધી પહોંચવા તપાસ સમિતિના ડો.નિદત બારોટ, ડો. નંદીની આનંદ, ડો. જતીન ભટ્ટે રીપોર્ટ સોપ્યોઃ સીન્ડીકેટમાં મુકાશે

રાજકોટ, તા., ૨૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પાંચેક વર્ષોથી મેડીકલ ફેકલ્ટીમાં પૈસાથી પાસ થતા હોવાની વ્યાપક ચર્ચા ચાલતી હતી તેવામાં ૪ માસ પુર્વે સુરેન્દ્રનગરની કોલેજમાં વિદ્યાર્થી અને એક કર્મચારી વચ્ચેનો વિડીયો વાઇરલ થયો હતો. આ વિડીયાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન પ્રમાણીક કુલપતિ ડો.કમલ ડોડીયાએ આ શરમજનક કથીત વિડીયાની તપાસ કરવા સમીતી રચી હતી.

ડો.કમલ ડોડીયાએ આ વિડીયોની તપાસ કરવા નિદત બારોટ, પ્રો.ચૌહાણ, ડો.નલીની આનંદ અને ડો.જતીન ભટ્ટની તપાસ સમીતી રચવામાં આવી હતી. આ સમીતીએ ખુબ ઉંડાણથી વિડીયો ચકાસી સમય સ્થળ અને કેટલીક ઉતરવહીઓ તપાસવામાં આવી હતી.

તાજેતરમાં આ તપાસ સમીતીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચોંકાવનારો અહેવાલ સોંપ્યો છે જેમાં પૈસાથી પાસ કરાવવાના કથીત વિડીયાની ફોરેન્સીક તપાસ કરી શંકાસ્પદ વ્યકિતઓના છેલ્લા ૪ માસની કોલ ડીટેઇલ ચકાસીને ફોજદારી નોંધાવવા ભલામણ કરી છે.

મેડીકલ ક્ષેત્રે પૈસાથી પાસ કરાવવાના ચકચારી પ્રકરણમાં તપાસ સમીતીએ આકરૂ વલણ અપનાવી પારદર્શક તપાસ કરવા પર ભાર મુકી અને માનવીઓના જીવ સાથે નજીકથી કામ કરનાર ડોકટર ગુણવતાયુકત હોવો જોઇએ નહિ કે પૈસા ફેંકીને પાસ થાય. તપાસ સમીતીએ કોઇની પણ શેહમાં આવ્યા વગર અહેવાલ યુનિવર્સિટીમાં સોંપ્યો છે. આવનારા દિવસોમાં આ અહેવાલ સીન્ડીકેટમાં મુકાશે.

અગાઉ કૌભાંડો ઉપર પડદો પાડનાર યુનિવર્સિટીના સ્થાપીત હીતો મેડીકલ કોલેજમાં પૈસાથી પાસ થવા પ્રકરણને દબાવી દેવાશે કે મૂળ સુધી પહોંચશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

(4:24 pm IST)