Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના પ્રજાલક્ષી ૯ જાહેરનામાઃ કડક અમલ કરવા તાકીદ

હથીયારબંધી, સરઘસ પ્રતિબંધ, અવાજના પ્રદુષણ સંદર્ભે, કર્કશ અને એર હોર્નનો ઉપયોગ નહિ કરવા બાબતે, પોલીસ અને ફોૈજી જેવા કપડા નહિ પહેરવા બાબતે, સરકારી કચેરીઓ-હોસ્પિટલમાં અનઅધિકૃતોના પ્રવેશ પર પ્રતિબંધ, વાહન લે-વેંચની નોંધ રાખવા બાબતે, આઇડી પ્રુફ વગર હોટેલ-ગેસ્ટ હાઉસમાં એન્ટ્રી પર પ્રતિબંધ-સીસીટીવી કેમેરા રાખવા બાબતે અને ગ્લેન્ડર રોગ સામે તકેદારી રાખવા બાબતના જાહેરનામા બહાર પડ્યા

રાજકોટ તા. ૨૧: શહેરીજનોની સલામતિ અને કાયદો વ્યવસ્થાની તથા સુલેહ શાંતિની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી અગાઉથી અમલમાં રહેલા ૯ જાહેરનામા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફરીથી બહાર પાડ્યા છે. તા. ૧-૯ થી તા. ૩૧-૧૦ સુધી આ જાહેરનામાનો કડક અમલ કરવા, કરાવવા તાકીદ કરવામાં આવી છે.

જે જાહેરનામા રિન્યુ કરવામાં આવ્યા છે તેમાં આગામી તહેવારોને અનુલક્ષીને હથીયારબંધી ફરમાવી છે. કોઇપણ જાહેર સ્થળોએ કે સભા-મેળા-સરઘસમાં કોઇપણ પ્રકારના હથીયારો સાથે લઇ જવા, રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોઇના પણ પુતળા બાળવા, લટકાવવા કે ફાંસી આપવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

જન્માષ્ટમી, સવંતસરી, ગણેશ ચતુર્થી, મહોર્રમ, ગાંધી જયંતિ, દશેરા સહિતના તહેાવરો આવતાં હોઇ કોઇપણ જગ્યાએ ચારથી વધુ માણસો ભેગા થવા પર કે સભા સરઘસ પર પ્રતિબંધ ફરમાવાયો છે.

સુલેહ શાંતિ ભંગ ન થાય અને નગરજનોને મુશ્કેલી ન પડે તે માટે અવાજના પ્રદુષણને અટકાવવા બાબતનું જાહેરનામુ પણ બહાર પડાયું છે. ઓદ્યોગિક, વાણિજ્ય, રહેણાંક અને શાંત વિસ્તારમાં નક્કી કરેલા ડેસીબલથી વધુ અવાજે વાજીંત્રો, લાઉડ સ્પીકર વગાડવા પર અને ફટાકડાઓ ફોડવા પર અને અવાજનું પ્રદુષણ ફેલાય તેવા કોઇપણ કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

વાહનોમાં કર્કશ અને અરે હોર્ન ફીટ કરાવવા પર તેમજ આવા હાઇટનો હોર્ન વેંચવા ઉપર, ફીટીંગ કરાવવા-કરી આપવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

આ ઉપરાંત પોલીસ કે સૈન્ય જેવા કપડા પહેરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.અગાઉ સૈન્યના ગણવેશ ધારણ કરી આતંકવાદીઓએ પઠાણકોટ, પંજાબ સહિતના સ્થળોએ હુમલો કર્યો હોઇ આ જાહેરનામુ ફરમાવાયું છે. આ પ્રકારના કપડા વેંચવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

સરકારી કચેરીઓ જેમ કે પોલીસ કમિશ્નર કચેરી, જીલ્લા કલેકટર, જીલ્લા ન્યાયાલય, રૂરલ એસપી ઓફિસ, સિવિલહ ોસ્પિટલ, મહાનગર પાલિકા કચેરી સહિતની કચેરીઓમાં અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. કેટલાક તત્વો આ કચેરીઓમાં આવતાં લોકોને ભોળવીને છેતરી જતાં હોવાનું અગાઉ સામે આવ્યું હોઇ આવું ન બને તે માટે જાહેરનામુ બહાર પડાયું છે.

સાઇકલ કે બીજા કોઇપણ વાહનોની લે-વેંચનું લિસ્ટ અને નામ-સરનામા-મોબાઇલ નંબર સહિતની વિગતોની નોંધ રાખવા પણ જણાવાયું છે. આ માટે બીલનો પણ આગ્રહ રાખવો. વેંચાણ-ખરીદીની ચેસીસ-એન્જીન નંબરની પણ નોંધ રાખવી અવશ્ય છે.

હોટેલો, ગેસ્ટ હાઉસો, બોર્ડિંગમાં રોકાણ કરનાર યાત્રી-પ્રવાસીના પુરા નામ-સરનામા-આઇડી પ્રુફ રાખવા અને આ સ્થળોએ સીસીટીવી કેમેરા પણ ફરજીયાત રાખવા જાહેરનામુ બહાર પડાયું છે. તાજેતરમાં ભગવતીપરામાં એક ઘોડાને ગ્લેડર નામનો રોગ જોવા મળ્યો હતો. જીવલેણ એવો આ રોગ ચેપી હોઇ ઘોડા, ખચ્ચર, ગદર્ભ જેણે પાળ્યા હોઇ તેણે તેના પશુઓની પશુ ચિકીત્સા કેન્દ્રમાં ચકાસણી કરાવી લેવા પણ જાહેરનામાથી હુકમ કરાયો છે. આમ કુલ નવ જાહેરનામાનો અમલ કરવા તાકીદ કરવામાં આવી છે.

(3:58 pm IST)