Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

શ્યામ શ્વેત સિનેયુગની તારીકાઓઃ મુંબઇમાં પુસ્તક વિમોચન

ગુજરાતી ભાષાના અખબારો અને સામયિકોનું ગુજરાતી ભાષાનું મહત્વ જાળવી રાખવા શ્રેષ્ઠ યોગદાનઃ સુરેશ કોટક :પ્રવિણભાઇ ઠકકરની સાડા પાંચ દાયકાની સફરનો નિચોડઃ આ પુસ્તક સિને જગત માટે રેફરન્સરૂપ બની રહેશેઃ મૌલિક કોટક

રાજકોટ તા.૨૧: ભુજ (કચ્છ) થી પ્રસિધ્ધ થતાં '' કચ્છ મિત્ર'' માં છેલ્લા ૫૬ વર્ષથી કોલમ લખતા શ્રી પ્રવિણભાઇ ઠકકર(મો. ૯૮રપ૧ રપ૪૦૭)ના પુસ્તક ''શ્યામ શ્વેત સિનેયુગની તારીકાઓ'' નો વિમોચન કાર્યક્રમ મુંબઇ મધ્યે ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ મધ્યે રાજકોટ કેળવણી મંડળના પ્રમુખ અને 'ફીક્કી'ના પુર્વ પ્રમુખ શ્રી સુરેશભાઇ કોટકના પ્રમુખપદે યોજાયેલ.

'જન્મભુમી' ગ્રુપ ઓફ ન્યુઝપેપર્સના સીઇઓ શ્રી કુંદનભાઇ વ્યાસે પ્રેરક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે 'કચ્છમિત્ર'માં સતત ૫૬ વર્ષથી કોલમ લખનાર શ્રી પ્રવિણભાઇની આ અનોખી સિદ્ધિ છે અને જન્મભુમિ પરિવારનું સોૈભાગ્ય છે. અખબારમાં દાયકાઓ સુધી સતત કોલમ લખવી એ અખબારી જગત માટે ગોૈરવપ્રદ છે.

ચિત્રલેખાનાં ચેરમેન શ્રી મોૈલિકભાઇ કોટકે શ્રી પ્રવિણભાઇ ઠક્કરને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે તેમનું પુસ્તક સિનેજગત માટે રેફરન્સ બુક જેવું બની રહેશે.

મુંબઇના વિખ્યાત પબ્લિશર એન.એમ. ઠક્કર એન્ડ કંપનીનાં શ્રી હેમંતભાઇ ઠક્કરે 'શ્યામ શ્વેત સિનેયુગની તારીકાઓ' પુસ્તક અંગે જણાવ્યું હતું કે આ પુસ્તક અદ્દભુત છે અને જુની ફિલ્મોના ચાહકો માટે અમુલ્ય બની રહેશે. 'કોકટેલ - એક ઝિંદગી'ના તંત્રીશ્રી આશુભાઇ પટેલે જણાવ્યું હતું કે કોલમલેખક તરીકે શ્રી પ્રવિણભાઇ ઠક્કરની લેખનયાત્રા અત્યંત પ્રશંસનિય છે.

સાહિત્યક્ષેત્રે જાણીતા શ્રી સ્નેહલભાઇ મજુમદાર, મીડિયા રીલેશનનાં હેડ શ્રી ચંદ્રકાંતભાઇ જાની, જાણીતા એડ્વોકેટશ્રી હિરાલાલભાઇ ઠક્કર, શ્રી સુભાષભાઇ છેડા તથા શ્રી મધુભાઇ કોટકે પ્રવચનો કર્યાં હતા.

પ્રમુખસ્થાનેથી શ્રી સુરેશભાઇ કોટકે શ્યામ શ્વેત સિનેયુગની તારીકાઓ'નું વિમોચન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતી અખબારો તથા સામયિકો ગુજરાતી ભાષાનું મહત્વ જાળવી રાખવાનું શ્રેષ્ઠતમ યોગદાન આપતાં રહયા છેે. ગુજરાતી ભાષાનું મહત્વ જળવાવું જોઇએ. નવી પેઢીમાં પોતાની માતૃભાષા પ્રત્યે રૂચી ઘટતી જાય છે તથા વિદેશી ભાષા પ્રત્યે મોહ વધતો જાય છે. અખબારમાં કોઇપણ કોલમ ત્યારે જ ગતિશીલ રહે છે જયારે સર્જક અને વાંચકોની જુગલબંધી હોય. શબ્દોની સાધના કરી હોય એ જ વ્યકિત આવું કરી શકે. જન્મભુમિ ગ્રુપ ઓફ ન્યુઝપેપરનાં સીઇઓ  શ્રી કુંદનભાઇ વ્યાસને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે તેમના ગ્રુપનાં 'કચ્છમિત્ર' માંં શ્રી પ્રવિણભાઇ ઠક્કરની કોલમ ૫૬ વર્ષથી પ્રસિદ્ધ થાય છે તે નોંધનીય છે.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તથા સંચાલન શ્રી નવીનભાઇ ઠક્કરે (મો. ૯૮૯૮૩ ૪પ૮૦૦) કર્યુ હતું. બહોળી સંખ્યામાં સાહિત્યકારો તેમજ મુંબઇના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:44 pm IST)