Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

વકિલ અને કલાર્ક પર વકિલ સહિત ચારનો હોકીથી હુમલો

ગઇકાલે ડિસ્ટ્રીકટ કોર્ટમાં ખુરશીમાં બેસવા વકિલ મોકાઇલભાઇ સુરૈયાને વકિલ શૈલેષ ભટ્ટ સાથે બોલાચાલી થઇ'તી...આજે વાત વણસી : સરકિટ હાઉસ પાસે મોકાઇલભાઇ અને તેના કલાર્ક મહેશભાઇનું બાઇક ઉભુ રખાવી શૈલેષ ભટ્ટ અને ત્રણ અજાણ્યા શખ્સો તૂટી પડ્યાઃ બાઇકમાં પણ તોડફોડઃ પાંચ હજારનું નુકસાનઃ લોકો ભેગા થતાં ચારેય કારમાં જતાં રહ્યાઃ પોલીસ ફરિયાદ

તસ્વીરમાં બઘડાટીના સ્થળે હોકી સાથે વકિલ અને જેને માર મારવામાં આવ્યો તે વકિલ શર્ટ ઉંચો કરી મારના નિશાન બતાવી રહેલા દેખાય છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં તે અને ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી તે પણ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ખુરશીમાં બેસવા પ્રશ્ને ગઇકાલે નિર્મલા રોડ પર રહેતાં વકિલને બીજા વકિલ સાથે બોલાચાલી થતાં આ બાબતનો ખાર રાખી આ વકિલે આજે બીજા ત્રણ જણા સાથે મળી પ્રૌઢ વયના વકિલ અને તેમના કલાર્કના બાઇકને સરકિટ હાઉસ નજીક ઉભુ રખાવી હોકીથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં અને બાઇકમાં તોડફોડ કરતાં ચકચાર મચી ગઇ છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બનાવથી જાહેરમાં થોડીવાર માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે.

ઘટના અંગે પ્ર.નગર પોલીસે નિર્મલા રોડ પર બાલમુકુંદ પ્લોટ, મધુવન એપાર્ટમેન્ટ બી-૧૨માં રહેતાં એડવોકેટ મિકાઇલભાઇ અબ્દુલગની સુરૈયા (ઉ.૫૩)ની ફરિયાદ પરથી એડવોકેટ શૈલેષભાઇ મહેશભાઇ ભટ્ટ તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૪૨૭, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

વકિલ મિકાઇલભાઇ સુરૈયાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું રાજકોટ કોર્ટમાં વકિલાત કરુ છું. મારી ઓફિસ ગિરનાર સિનેમાની બાજુમાં સનસાઇન બિલ્ડીંગમાં આવેલી છે. મારી માલિકીનું બાઇક જીજે૩જેપી-૭૦૧૬ છે, જે હું કોર્ટમાં આવવા-જવા માટે ઉપયોગમાં લઉ છું. ગઇકાલે ૨૦મીએ બપોરે હું ડિસ્ટ્રીકટ કોર્ટમાં હતો ત્યારે મારે ખુરશીમાં બેસવા મામલે વકિલ શૈલેષભાઇ ભટ્ટ સાથે બોલાચાલી થઇ હતી. ત્યારે બીજા વકિલો આવી જતાં અમને બંનેને છુટા પાડી દીધા હતાં.

દરમિયાન આજે સવારે અગિયારેક વાગ્યે હું મારી ઓફિસેથી મારુ ટુવ્હીલર લઇને કોર્ટ જવા નીકળ્યો હતો. ત્યારે મારી સાથે મારા કલાર્ક મહેશભાઇ સિંધવ પણ પાછળ બેઠા હતાં. અમે બંને સરદારબાગ સરકિટ હાઉસવાળા રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે સરકિટ હાઉસ્ના ગેઇટ પાસે શૈલેષભાઇએ અમને ઉભા રહેવા ઇશારો કરતાં મેં મારું બાઇક ઉભુ રાખી દીધું હતું. તે સાથે જ શૈલેષભાઇએ ગઇકાલની વાતનો ખાર રાખી હોકીથી માર મારવાનું શરૂ કર્યુ હતું. તેની સાથેના અજાણ્યા શખસોએ પણ જેમફાવે તેમ ગાળો દઇ ઢીકા-પાટુ મારવા માંડ્યા હતાં. તેમજ એક શખ્સે મારા કલાર્ક મહેશભાઇને પણ માર મારી ગાળો દીધી હતી. તેમજ મારા બાઇકમાં હોકીના ઘા ફટકારી પાંચેક હજારનું નુકસાન કર્યુ હતું.

મને ઢીકા-પાટુ અને હોકીથી માર મારતાં પીઠમાં અને શરીરે ઇજાઓ થઇ છે. રાહદારીઓ મને બચાવવા વચ્ચે પડ્યા હતાં. ત્યારે આ ચારેયા તેની કાર જીજે૩કેપી-૪૪૭૦માં બેસી જતાં રહ્યા હતાં. મને મારી નાંખવાના ઇરાદાથી આવ્યાનું મને જણાય છે. જેથી મેં ફરિયાદ કરી છે.

મોકાઇલભાઇની ઉપરોકત ફરિયાદ પરથી પીઆઇ બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)