Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રાજકોટમાં મૃતક વ્‍યકિતના નામે દારૂની પરમીટઃ રાજ્ય સરકાર દ્વારા પરમીટની ચકાસણી કરવા આદેશ

રાજકોટઃ રાજ્યમાં દારૂબંધી અમલમાં મુકવામાં આવી છે ત્‍યારે દારૂની પરમીટવાળી વ્‍યકિતનું મોત થઇ ગયું હોવા છતાં પણ તેની પરમીટ ચાલુ રહેતા ભારે ચર્ચા જાગી છે. આ અંગે રાજ્ય સરકારે તપાસનો આદેશો કર્યા છે.

એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, હેલ્થ પરમિટ માટેના પર્સનલ વેરિફિકેશનની લાંબી પ્રક્રિયાને રાજ્ય સરકાર દ્વારા માર્ચ, 2017માં રદ કરી દેવાઈ હતી. જોકે હવે તે ફરીથી શરૂ કરવામાં આવી છે, જેનું કારણ રાજકોટનો એક કેસ છે. રાજકોટનાડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો હતો, જે મુજબ સિકંદર મામરી નામની એક વ્યક્તિને 2016માં લિકર પરમિટ આપવામાં આવી હતી, જેનું માર્ચ 2017માં મૃત્યુ થઈ ગયું હતું. આ કેસ નોંધાયા બાદ ગૃહ મંત્રાલયે આ નિર્દેશ આપ્યો છે.

અધિકારીના જણાવ્યાનુસાર, આ ભૂતિયા લીકર પરમિટ કથિત રીતે પ્રોહિબિશન એન્ડ એક્સર્સાઇઝના સુપરિન્ટેન્ડેન્ટ આર. બી. ભટ્ટની જાણ હેઠળ ઇશ્યૂ કરાઈ હતી, જેમની હજી સુધી ધરપકડ થઈ નથી. આ સિવાય રાજકોટની મામલતદાર કચેરીના અધિકારી એમ. જી. પટેલ (એમડી)એ કથિત રીતે અરજદારને આવક પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યાં હતાં, જ્યારે ગોંડલ હોસ્પિટલના ડોક્ટર ભાણજી બગડાએ લિકર પરમિટ માટેની ભલામણ કરી હતી. આ મામલે બગડાને આગોતરા જામીન મળી ગયા હતા, જ્યારે ધરપકડ કરાયેલો અન્ય આરોપી હાલ જામીન પર મુક્ત છે.

પોલીસના જણાવ્યાનુસાર, આરોપીઓ સામે IPCની કલમ 456 (સરકારી ઓફિસના રેકોર્ડ સાથે છેડછાડ), 468, 471, 114 હેઠળ બનાવટી દસ્તાવેજો બનાવવા અને મૃત વ્યક્તિના નામે હેલ્થ લિકર પરમિટ પ્રાપ્ત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. એક તપાસ અધિકારીએ કહ્યું છે કે, એક મૃત વ્યક્તિના નામે હેલ્થ લિકર પરમિટ લેવામાં આવી હતી, પણ તેનાથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, 2011માં આ પરમિટ આપવામાં આવ્યા બાદ 2015 સુધી તેને ચાર વાર રિન્યુ કરાવવામાં આવી હતી.

નશાબંધી ખાતાનાં સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યના ગૃહ મંત્રાલયે 70 વર્ષથી વધુની ઉંમરના લોકોની હેલ્થ લીકર પરમિટ વેરિફાય કરવાનો આદેશ આપ્યો છે. એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, ‘રાજકોટનો કેસ જોતા લાગે છે કે, આવી ઘણી બનાવટી પરમિટ્સ હોઈ શકે છે. અમે કેટલાક લીકર પરમિટ હોલ્ડર પાસેથી વિગતોની ચકાસણી કરી રહ્યા છીએ.

(5:14 pm IST)