Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લોધેશ્વર સોસાયટીના વજેસીંગભાઇની લાશ પીડીએમ કોલેજ સામેના વંડામાંથી મળી

બિમારીથી દમ તોડી દીધાનું તારણઃ સવારે ઘરેથી નીકળ્યા'તાઃ પરિવારજનોને સાંજે મૃતદેહ મળ્યોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવતાં લોધા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ સામેના વંડામાં અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાણ થતાં રાત્રે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસ તપાસમાં આ લાશ લોધેશ્વર સોસાયટીમાં રહેતાં વજેસીંગભાઇ બાબુલાલ ઝરીયા (લોધા) (ઉ.૪૪)ની હોવાનું અને બિમારીથી મોત નિપજ્યાનું ખુલ્યું હતું.

એક પુરૂષની લાશ વંડામાં પડી હોવાની અને લોકોના ટોળા ભેગા થયાની જાણ થતાં માલવીયાનગરના પીએસઆઇ એ.આર. મલેક અને અરૂણભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરતાં મૃતકના સગા ત્યાં પહોંચ્યા હતાં અને લાશ વજેસીંગભાઇ ઝરીયાની હોવાનું ખુલ્યું હતું. તે ચાર ભાઇ અને પાંચ બહેનમાં બીજા હતાં અને છૂટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં એક પુત્રી પરિણીત છે. મૃતકને લાંબા સમયથી મગજની બિમારીની દવા ચાલુ હતી. ગઇકાલે સવારે કામે જવાનું કહીને નીકળ્યા બાદ રાત્રે પરિવારજનોને મૃતદેહ મળતાં ગમગીની છવાઇ ગઇ હતી. બિમારીથી મોત નિપજ્યાનું તારણ નીકળ્યું છે.

લાશ મળ્યાની વાતે લોકોના ટોળા મોટી સંખ્યામાં ભેગા થઇ જતાં પોલીસને ટોળા વિખેરવામાં ભારે જહેમત લેવી પડી હતી.

(1:32 pm IST)