Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ઋષભદેવ સંઘને આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરૂદેવ રાજેશમુનિ મ.સા.ની શુભ નિશ્રામાં નૂતન દીક્ષિત પૂ.રક્ષિતાજી મ.સ.ની વડી દીક્ષા સંપન્‍ન

પૂ.ગુરૂદેવ રાજેમુનિ મ.સા.આદિ ૫ સંતો, સાધ્‍વી રત્‍ના પૂ.પુષ્‍પાબાઈ મ.સ.આદિ ઠાણા ૧૪, ધર્મદાસ સંપ્રદાયના પૂ.ચંપાબાઈ મ.સ.આદિ ઠાણા-૫ તથા સંઘાણી સંપ્રદાયના પૂ.ચંદનબાઈ મ.સ. તથા આરતીબાઈ મહાસતિજીઓની પ્રેરક ઉપસ્‍થિતિ

રાજકોટ,તા.૨૧: ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરૂદેવ રાજેશ મુનિ મ.સા.ની શુભ નીશ્રાર્માં રાજકોટ ઋષભદેવ સંઘના ઉપક્રમે શાશ્વત એપાર્ટમેન્‍ટના પરિસરમા આજરોજ તા.૨૧ મંગળવારના દિવસે સવારના ૮:૩૦ થી ૧૨ કલાક દરમ્‍યાન નૂતન દીક્ષિત પૂ.રક્ષિતાજી મ.સ.ની વડી દીક્ષા સંપન્‍ન થયેલ.

નૂતન દીક્ષિત આત્‍માને હીતશિક્ષા આપતા પૂ.ગુરુદેવ શ્રી રાજેશમુનિ મ.સાહેબે ફરમાવ્‍યુ કે દેવોને પણ દૂર્લભ એવો સંયમ ધર્મ તમોને મળી ગયેલ છે.સંયમી બન્‍યા પછી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમય જીવન જીવવાનું. ક્ષણે - ક્ષણે જાગૃત રહેવાનું કે રખે ને ! મારા આત્‍માને કોઈ દોષ ન લાગી જાય.તીથઁકર પરમાત્‍માઓની આપણા સૌ ઉપર અનંતી કૃપા રહેલી છે.કારણ કે હિંસાનું સુક્ષમ સ્‍વરૂપ જૈન દર્શન સિવાય કયાંક જોવા મળતું નથી. છકાય જીવોની દયા સાથે ક્ષમા,સરળતા,નમ્રતા આદિ આત્‍મ ગુણોની પણ રક્ષા કરવી એ પણ પ્રભુએ અહિંસા જ કહેલ છે. વધુમાં પૂ.ગુરૂ ભગવંતે ફરમાવ્‍યુ કે ક્રોધ કરવાથી ક્ષમાની હિંસા થાય,માન અને અહંકાર કરવાથી નમ્રતાનો ગુણ ચાલ્‍યો જાય,માયા - કપટ કરવાથી સરળતા નાશ પામે અને લોભ - ઈચ્‍છા વગેરે કરવાથી સંતોષ ગુણનો નાશ થાય છે.જતનામય જીવન જીવવા પુરુષાર્થશીલ બનવું. એક મહાવ્રત દુષિત થાય એટલે પાંચેય મહાવ્રતોમાં દોષ લાગે છે.સાધકે દિવસે નીચે જોયા વગર ડગલુ ન મૂકાય અને રાત્રે પોંજયા વગર પગલું ન મૂકાય.આરંભ - સમારંભ અને પાપના કાર્યોની કદી અનુમોદના ન કરાય.

વડી દીક્ષા પ્રસંગે ઉપસ્‍થિત વિશાળ સતિવ્રંદે ભાવવાહી સ્‍તવન પ્રસ્‍તુત કરેલ.જેના શબ્‍દો હતા. ‘‘ સર્વ જીવ મમ જીવ સમ,એ કદી ભૂલીશ ના,સર્વ જીવને આપું હું અભય દાન રે''

વડી દીક્ષા મધ્‍યે રાજકોટના ૫૮ બહેનો કે જેઓ શાસન માટે અજોડ સેવા પ્રદાન કરી રહેલ છે તેવા સેવાભાવી બહેનોનું સન્‍માન કરવામાં આવેલ.આ પાવન પ્રસંગે જુનાગઢ, જામનગર, જામજોધપુર, ઉપલેટા, કાલાવડ,ગઢડા તથા રાજકોટના વિવિધ સંઘોના અગ્રણીઓ સહિત વિશાળ પ્રમાણમાં શ્રાવક - શ્રાવિકાઓ ઉપસ્‍થિત રહી સંયમ માર્ગની ભૂરી - ભૂરી અનુમોદના કરેલ તેમ મનોજ ડેલીવાળા એ જણાવ્‍યું છે.

(3:54 pm IST)