Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

વૈશાલીનગર દેરાસરમાં અંકિતાબેનની દીક્ષા નિમિત્તે અનોખુ અનુકંપા દાનઃ વૃધ્ધાશ્રમ- અનાથાશ્રમના માતા- પિતાઓનું ભકિત સાથે સન્માન

ગુજરાતમાં પ્રથમ વખત વૃધ્ધાશ્રમના માતા- પિતાની ભકિતનો કાર્યક્રમ યોજાશેઃ ૧૪ બસો દ્વારા લાવવા- લઈ જવાની વ્યવસ્થા

રાજકોટ,તા.૨૧: વૈશાલીનગર દેરાસરના આંગણે પ્રથમવાર દિક્ષા મહોત્સવનો રૂડો અવસર આવ્યો છે. મુમુક્ષ અંકિતાબેન સુરતમાં દિક્ષા અંગીકાર કરનાર છે. તેમની અનુમોદના અર્થે વૈશાલીનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં ત્રિ- દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવ અંતર્ગત રાજકોટ અને તેની ભાગોળે આવેલ તમામ વૃધ્ધાશ્રમો તથા અનાથાશ્રમમાં રહેતા ૨૪૦ માતા ૨૨૫ પિતાનો ભકિત સાથે સ્વાગત-સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ ગુરૂવાર તા. ૨૩ના રોજ યોજાયો છે.

શહેરના વૈશાલીનગર દેરાસરને ૩૦ વર્ષ પૂરા થાય છે અને શિક્ષિત ઇલેકટ્રોનિક એન્જિનીયર એવા સંઘના અંકિતાબેન સુરત ખાતે સંસાર ત્યાગી સાધ્વી બનવા જઇ રહ્યા છે. ત્યારે ૩ દિવસનો મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાશે. જેમાં આ અનોખો અનુકંપા દાનનો કાર્યક્રમ યોજાયો છે.

સ્પેશ્યલ બસો દ્વારા આ માતા-પિતાને વૃધ્ધાશ્રમ-અનાથાશ્રમ લઇ આવી માનભેર તેમનું પહેલાં વૈશાલીનગર દેરાસર શ્રાવિકા બહેનો અને ભાઈઓ તેમનું આરતી-કપાળે તિલક કરી પગે લાગી સન્માન કરશે, જેમણે સગા પુત્ર-પુત્રીઓએ ત્યાગ્યા છે તેમના માટે આ દિવસ યાદગાર બની રહેશે. સન્માન બાદ આ તમામ માતા-પિતાઓને વૈશાલીનગર દેરાસરમાં દર્શન કરવાશે ત્યાં શાસ્ત્રોકતવધિથી દર્શન કરાવી તેમના કર્મોની નિર્જળા થાય અને સુખશાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરાશે, ત્યારબાદ તેમને રસ-પૂરીથી માંડી લગ્નપ્રસંગ જેવા મેનુથી જમણવાર યોજાશે.

જમાડયા બાદ આ તમામ માતા-પિતાઓને સંઘ વસ્ત્રોની ભેટ અને અનુકંપા દાન, આ દિવસની યાદગીરી નિમિત્તે આ તમામ માતા પિતાઓને વસ્ત્રો ભેટ અપાશે, સાથોસાથ દેરાસરના શ્રાવક-શ્રાવિકાઓ પોતાની યથાશકિત પ્રમાણે યોગ્ય રીતે આ માતા-પિતાઓને દાન આપશે, દીક્ષાર્થી અંકિતાબેન પણ આ માતા-પિતાઓનું સન્માન કરી પોતાની વરસીદાન છે તેની સાથોસાથે છેલ્લી ભેટો અર્પણ કરશે.

આ કાર્યક્રમના પ્રેરણાદાતા દિલીપભાઈ વસાએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં વૃધ્ધાશ્રમના માતા-પિતાના ભકિતનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે, અને આ માટે અમોને મુંબઈનાં દાતા વાલજીભાઈ શાહ, રાજકોટના રમણીકભાઈ મહેતા અને કાંતિભાઈ શાહનો સહયોગ મળ્યો છે. આ દાતાઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે ગુજરાતના ગામેગામ આવી જ રીતના કાર્યક્રમો કરવા દિલીપભાઈને પ્રેરણા આપી અને કહ્યું કે કાર્યક્રમ કરો અમારો સંપૂર્ણ સહકાર છે. દિલીપભાઈ વસા જૈન સાધુ-સાધ્વીજીઓની વય્યાવચ્ચ માટે ગુજરાતભરમાં સેવા આપે છે, તેઓ અનાયસે એક અનાથાશ્રમમાં ગયા ત્યાં વૃધ્ધ માતા-પિતાની વ્યથા જોઇ સંકલ્પ કર્યો કે જે માન તેમને નથી મળ્યું તે ફૂલ નહીં તો ફૂલની પાંદડી આપવા પ્રયત્ન કરવો.૧૪ બસો સાથે જયેશભાઈ નડીયાદી વૃધ્ધાશ્રમના માતા-પિતાને લઇ આવવાની સેવા આપશે, મોદી સ્કુલના રશ્મીકાંતભાઈ મોદી બસ પૂરી પાડશે, નેસ્ટ સ્કુલના અજયભાઈ પટેલે પણ સ્કુલમાં આ પ્રસંગ રાખી સહકાર આપેલ છે.

વૈશાલીનગર દેરાસરને પણ ૩૦ વર્ષ પૂરા થાય છે ત્યારે આચાર્યદેવ વિજયહર્ષશીલ સૂરિશ્વરજી મુનિરાજ અને પ્રદીપચંદ્ર સૂરિશ્વરજીની નિશ્રામાં ત્રિદિવસીય મહોત્સવમાં ત્રણેય દિવસ સંઘના શ્રાવકોને બપોરે રંગેચંગે રસ-પૂરીનું જમણથી લઇ પૂજા અને રાત્રે પ્રવચનના કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

દીકરીના લગ્ન વખતે જેમ મા-બાપનું હૈયુ હિલોળે ચડે અને કાર્યકમ હોય તેવા જ કાર્યક્રમો વૈશાલીનગરની દીકરી અંકિતાબેનના દીક્ષા ગ્રહણ પ્રસંગે વૈશાલીનગર દેરાસરના સમગ્ર ટ્રસ્ટી મંડળનું હૈયું ઉછળે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના પ્રમુખ દિલીપભાઈ વસા, વિમલેશભાઈ વસા, રાજુભાઈ દોશી, પ્રદીપભાઈ પાટડીયા, નવીનભાઈ ચોકસી, દેવેનભાઈ દોશી અને કાંતિભાઈ ગઢેચા જહેમત ઉઠાવી રહ્યા છે. અંકિતાબેનનો દીક્ષા મહોત્સવ તા.૩૦ના રોજ સુરતમાં યોજાનાર છે.

(3:53 pm IST)
  • દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહ્યું આ શું બકવાસ છે? : દિલ્હીમાં ઇવીએમ સાથે વીવીપેટની ૧૦૦ ટકા રસીદો સરખાવવાનો મામલોઃ સુપ્રિમે કડક શબ્દોમાં કહયું આ શું બકવાશ છે? સુપ્રિમકોર્ટે અરજી ફગાવીઃ ચેન્નાઇના કેટલાક ટેકનોક્રેટે કરી હતી માગઃ વીવીપેટના ૧૦૦ ટકા કાઉન્ટીંગની હતી માગ access_time 12:43 pm IST

  • જોધપુર જિલ્લાના મેલાણા ગામે બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ :બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે : ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ મદદે પહોંચી :મોટી સંખ્યામાં બચાવકર્મીઓ બાળકીને બહાર કાઢવા મહેનત access_time 12:48 am IST

  • નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોઃ ડેમના ઇતિહાસમાં પહેલીવાર મે માસમાં ૧૧૯.૪૭ મીટર સપાટીઃ છેલ્લા બે દિવસમાં ત્રણ સે.મી.નો વધારો નોંધાયોઃ ડેમના ઉપરવાસમાંથી ૪૦૦૦ કયુસેક પાણીની આવક access_time 3:10 pm IST