Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ખંઢેરીથી મેચ જોઇ પરત આવી રહેલા દરજી ભાઇઓને બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા

મિલન ગોહેલ અને ઉમંગ ગોહેલને બેડી બાયપાસ પુલ પાસે અકસ્માત નડ્યો

રાજકોટ તા. ૨૧: માધાપર ચોકડીથી બેડી બાયપાસ પુલ ઉતરતાં બાઇક સ્લીપ થઇ જતાં બે દરજી ભાઇઓને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બંને ખંઢેરી સ્ટેડિયમમાં રમાઇ રહેલા એસપીએલ ટૂર્નામેન્ટનો મેચ જોઇને પરત આવી રહ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ રણુજા મંદિર પાસે સોમનાથ-૨માં રહેતો મિલન બાબુભાઇ ગોહેલ (ઉ.૨૫) અને રેલનગર પાસે કવાર્ટરમાં રહેતો તેનો પિત્રાઇ ભાઇ ઉમંગ મનસુખભાઇ ગોહેલ (ઉ.૨૮) સાંજે બાઇક લઇને ખંઢેરી મેચ જોવા ગયા હતાં. ત્યાંથી રાત્રે સવા બારેક વાગ્યે પરત આવતી વખતે માધાપરથી બેડી ચોકડી તરફ પુલ પાસે પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં બંને ભાઇઓ ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. કોઇએ ૧૦૮ને જાણ કરતાં ઇએમટી જયદિપભાઇએ બંનેને સિવિલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ જે.એસ. હુંબલે જરૂરી કાર્યવાહી કરી હતી. ઘવાયેલા બંને ભાઇઓ સિલાઇ કામ કરી ગુજરાન ચલાવે છે.

(10:40 am IST)