Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કણકોટના પાટીયા પાસે ઇલેક્‍ટ્રીક બાઇક દિવાલમાં ભટકાતાં જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારીનું મોત

અજમેરા શાસ્ત્રીનગરમાં રહેતાં ગુર્જર રાજપૂત જીલુભા વાળાના મૃત્‍યુથી પરિવારજનોમાં શોક : સૂરાપુરાના દર્શન કરી નગર પીપળીયાથી પરત આવતી વખતે બનાવ બન્‍યો

રાજકોટ તા. ૨૧: કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે ઇલેક્‍ટ્રીક બાઇક વિજ થાંભલા સાથે ભટકાતાં ચાલક નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગરમાં રહેતાં જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી વૃધ્‍ધનું મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. નગર પીપળીયા ગામે સૂરાપુરાના દર્શન કરીને પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ સવારે અગિયારેક વાગ્‍યે કણકોટના પાટીયા નજીક પંજાબી ધાબાની સામે ઇલેક્‍ટ્રીક બાઇક દિવાલમાં અથડાતાં તેના ચાલક અજાણ્‍યા વૃધ્‍ધને ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ નિપજ્‍યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી. પી. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

તપાસ દરમિયાન મૃતકની ઓળખ થઇ હતી. તેઓ નાના મવા રોડ અજમેરા શાષાી નગર બ્‍લોક નં. ડી-૯૯માં રહેતાં જીલુભા વશરામભા વાળા (ગુર્જર રાજપૂત) (ઉ.વ.૬૮) હોવાનું ખુલ્‍યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. મૃત્‍યુ પામનાર જીલુભા વાળા જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી હતાં. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પુત્ર શ્‍યામ એ.જી. ઓફિસમાં નોકરી કરે છે અને ફૂટબોલ પ્‍લેયર છે. હાલમાં નેશનલ કક્ષાએ ફૂટબોલ રમવા માટે તે ઓરિસ્‍સા ગયો છે.  

આ બનાવમાં ઇલેક્‍ટ્રીક બાઇક દિવાલમાં કઇ રીતે અથડાયું? કોઇ વાહનની ઠોકર લાગી કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. મોભીના મોતથી વાળા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(4:34 pm IST)