Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વાહન અકસ્માતમાં ભોગ બનનારા હતભાગીઓને શહેર પોલીસે આપી શ્રધ્ધાંજલિઃ ૫૦ કુટુંબોની હાજરી

સદ્દગતોની તસ્વીરોને પુષ્પગુચ્છ અર્પણ કરાયાઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ વાહન અકસ્માતો ન સર્જાય તે માટે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા આહવાન કર્યુ

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડકવાર્ટર ખાતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા સદ્દગતો માટે વિશ્વ શ્રધ્ધાંજલિત દિન નિમીતે શ્રધ્ધાંજલિ પાઠવવા એક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વાહન અકસ્માતમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા ૫૦થી વધુ કુટુંબોએ હાજરી આપી હતી. સદ્દગતોની તસ્વીરોને પુષ્પાંજલી અપાઇ હતી. ચિત્રનગરીના જીતેન્દ્ર ગોટેચાની ટીમના સહયોગથી શહેર પોલીસે આ કાર્યક્રમ યોજ્યો હતો.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રીએ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવાથી અકસ્માતો નિવારી શકાય તે બાબતે વિસ્તૃત સમજ આપી હતી. તેમજ અકસ્માતમાં ભોગ બનેલા હતભાગીઓના કુટુંબીજનોને દિલસોજી પાઠવી હતી. આ સ્વજનોને પી.એમ. નોટ, ઇન્કવેસ્ટ પંચનામાની નકલોની જરૂર હોય તો તે માટે પોલીસ કમિશ્નર કચેરીમાં સંપર્ક કરવા જણાવાયું હતું. આરટીઓ ઇન્સ. જે. વી. શાહ તરફથી માર્ગ અકસ્માતના વાહનો માટે પ્રમાણપત્રની જરૂર હોય તે પણ તાકીદે મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ સદ્દગતોના આત્માની શાંતિ માટે બે મિનીટ મોૈન પાળવામાં આવ્યું હતું. ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક જે. કે. ઝાલા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:38 pm IST)