Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ગીતાનગરમાં ભાવેશભાઇ રાચ્છ અને ભીમરાવનગરમાં જેન્તીભાઇ પરમારે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

ભાવેશભાઇ ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા હતાં: જેન્તીભાઇ કેટલાક દિવસથી ડિપ્રેશનમાં આવી ગયા'તા

રાજકોટ તા. ૧૯: બે જુદી-જુદી ઘટનામાં બે આધેડે ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

ભકિતનગર સર્કલ નજીક ગીતાનગર-૧માં રહેતાં ભાવેશભાઇ પ્રવિણભાઇ રાચ્છ (ઉ.૪૮)એ મોડી રાત્રે પંખાના હુકમાં શાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. ૧૦૮ના ઇએમટી મનુભાઇએ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ ભકિતનગર પોલીસને વાકેફ કરતાં પીએસઆઇ બી. બી. કોડીયાતર અને રાઇટર નિલેષભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ભાવેશભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા તથા અપરિણીત હતાં. તેમને ગંભીર પ્રકારની બિમારી લાગુ પડી હતી. તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

બીજા બનાવમાં આજીડેમ ચોકડી માંડા ડુંગર નજીક ભીમરાવનગર-૬માં રહેતાં જેન્તીભાઇ વજુભાઇ પરમાર (ઉ.૪૫) નામના આધેડે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. જે. પી. નિમાવત અને ભીખુભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જેન્તીભાઇ છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બે મહિના પહેલા જેન્તીભાઇ કોઇ કારણોસર ડિપ્રેશનમાં આવી ગયા હતાં. બાદમાં સારુ થઇ ગયુ હતું. ફરીથી કેટલાક દિવસથી ગુમસુમ રહેવા માંડ્યા હતાં અને ગત રાત્રે અચાનક આ પગલું ભરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(3:36 pm IST)