Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

લાખોની લેણી રકમ અંગે વ્યાજંકવાદની ફરિયાદ કરનાર સામે કોર્ટમાં દાવો

રાજકોટ તા. ર૦: રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર નંદા હોલ પાસે સુભાષનગર મેઇન રોડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા બિપીનભાઇ રત્નાભાઇ વિરાણીએ તેના પાડોશી રાજુભાઇ અરજણભાઇ પાંભર, ઠે. 'હસ્તિ', સુભાષનગર મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટના સામે રાજકોટ કોર્ટમાં રૂા. ૩પ,૦૦,૦૦૦/- લેણા વસુલવા દાવો કરેલ છે.

દાવાની વિગત મુજબ પ્રતિવાદી રાજુભાઇ પાંભર કે જે વાદીના ઘરની સામે રહે છે તેમણે જાન્યુ-ર૦૧૬માં આર્થિક મુશ્કેલી વર્ણવી ધંધાના ઉત્કર્ષ અને વિકાસ માટે વાદી પાસેથી રૂા. ૩પ,૦૦,૦૦૦/- રોકડા હાથ ઉછીના સ્વરૂપે મેળવેલ. ત્યારબાદ અલગ અલગ બહાનાઓ હેઠળ ઓકટોબર-ર૦૧૬ સુધીનો સમય વ્યતીત કરેલ. ત્યારબાદ વાદીને તેની બાકી લેણી રકમ ચુકવવા હૈયાધારણ અને બાંહેધરી આપી તેની તરફેણમાં બેન્ક ઓફ ઇન્ડિયા, સોરઠડીયાવાડી બ્રાંચનો રૂા. ૩પ,૦૦,૦૦૦/-નો તા. ૧પ/પ/૧૮નો ચેક ઇસ્યુ કરી આપેલ.

ચેક બેન્કમાં જમા કરાવવાની તારીખ નજીક આવી તે પહેલા એક માસ પહેલા જે તે રકમ રોકડેથી ચુકવી આપવાનું વચન આપેલ, પરંતુ રકમ ચુકવેલ નહીં અને તા. ર૪/૦પ/૧૮ના રોજ ભકિતનગર પો. સ્ટે.માં ફરીયાદ કરેલ તથા તા. ૦૬/૦૬/૧૮ના રોજ વૃધ્ધ વાદીને ફસાવી દેવા તેની ઘરે ઝઘડો કરવા આવેલ અને રાત્રે પોલીસ બોલાવેલ. ત્યારબાદ રાજકોટમાં ચાલી રહેલ વ્યાજંકવાદ ઝુંબેશનો ગેરફાયદો ઉઠાવી પોલીસ મશીનરીને ગેરમાર્ગે દોરી વાદી બિપીનભાઇ તથા તેના સમગ્ર કુટુંબને આરોપી બનાવી ભકિતનગર પો.સ્ટે.માં તા. ૦૯/૦૬/૧૮ના રોજ મની લેન્ડીંગ એકટ તથા ઇ.પી.કો.ની વિવિધ કલમો દાખલ કરી ફરીયાદ કરેલ. જે ફરીયાદમાં પ્રતિવાદીએ વાદીનું લેણું કબુલ રાખેલ છે. જેમાં સેસન્સ જજ એ આગોતરા જામીન ઉપર મુકત કરવા આદેશ કરેલ છે.

ઉપરોકત તમામ ઘટનાક્રમ શરૂ થતા વાદીને સ્પષ્ટ સમજાય ગયેલ કે, પ્રતિવાદીની દાનતમાં ખોટ છે અને તે વાદીની મરણમુડી હડપ કરી જવા માંગેછે જેથી તેઓ રાજકોટ કોર્ટમાં ચેકના આધારે લેણા વસુલાતનો દાવો કરેલ છે. કેસની વિગતો ધ્યાને લઇ પ્રતિવાદીને ૧૦ દિવસમાં હાજર થવા આદેશ કરેલ છે.

આ કામમાં બિપીનભાઇ રત્નાભાઇ વિરાણી વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ, વિપુલ આર. સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલા છે. (૭.૩ર)

(4:16 pm IST)