Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વહેલી સવારે જાહેર શૌચાલયોનું સ્વચ્છતા સર્વેક્ષણ કરતા ઉદય કાનગડઃ સદર વોંકળાની સફાઈ માટે સૂચના

રાજકોટ :. નવનિયુકત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે વહેલી સવારે શહેરના જાહેર શૌચાલયોમાં સ્વચ્છતા અંગે ઓચિંતુ ચેકીંગ કર્યુ હતું. તે વખતની તસ્વીરમાં તેઓની સાથે સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણિયા તથા પર્યાવરણ ઈજનેર નિલેષભાઈ પરમાર દર્શાય છે. આ તકે ચેરમેન શ્રી કાનગડે સદર વિસ્તારમાં તાલુકા શાળા સામે આવેલ જાહેર શૌચાલયની સફાઈ કરાવવા તથા સદરના વોંકળામાં દિવાલ તોડી જેસીબી ઉતારી વોંકળો સાફ કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત ઉદયભાઈ તથા અશ્વિનભાઈએ રેસકોર્ષ તેમજ બજાર વિસ્તારમાં લાખાજીરાજ રોડના જાહેર શૌચાલયોમાં ચેકીંગ કરી સફાઈ તેમજ નાનુ-મોટુ રીપેરીંગ કરાવવાની સૂચનાઓ આપી હતી. તેમજ આ શૌચાલયોના સ્વચ્છતા સર્વેક્ષણની ઝુંબેશ ચાલુ જ રાખવા અધિકારીઓને સૂચના આપી હતી. ઉદયભાઇએ જણાવેલ કે તેઓએ રેસકોર્ષ ફનવર્લ્ડની બાજુમાં આવેલ ધરતી સેનિટેશન સંચાલિત પે એન્ડ યુઝ ટોયલેટની મુલાકાત લીધેલ અને સ્થળ નિરીક્ષણ કરતા પે એન્ડ યુઝ ટોયલેટના આગળની સાઇડમાં ગાર્ડનિંગ કરવાની સુચના આપવામાં આવેલ તેમજ સદર તાલુકા શાળા પાસે આવેલ સુલભ ઇન્ટરનેશનલ સંચાલિત પે એન્ડ યુઝ ટોયલેટની મુલાકાત લઇ ત્યાં સફાઇ બરાબર ન જણાતા પે એન્ડ યુઝ ટોયલેટના સંચાલકને રૂબરૂમાં સફાઇનું ધોરણ સારી રીતે જાળવવા સુચના આપવામાં આવેલ અને શહેરના હાર્દસમાં જુના વિસ્તાર લાખાજીરાજ રોડ પર હિંદીભવન પાસે આવેલ પબ્લિક યુરીનલની મુલાકાત લીધેલ. જે યુરીનલમાં જરૂરી રીનોવેશન કરવાની કાર્યવાહી કરાવવા તથા યુરીનલ પાસે આવેલ ન્યુસન્સ પોઇન્ટ દુર કરવા સબંધક અધિકારીને સુચના આપવામાં આવે, આજની આ મુલાકાતમાં સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર નીલેશભાઇ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઇ જીંજાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

(3:43 pm IST)