Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

૨૭મી સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી

૩ થી ૪ દિવસમાં ચોમાસુ ફરી સક્રિય બનશે, બાકી રહી ગયેલા વિસ્તારોને આવરી લેશે : હવે વાતાવરણ સુધરશે, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડશે : ૨૨મીથી વાદળો છવાશે : નીચલા લેવલે ભેજનું પ્રમાણ વધશે : ૨૩મીથી પારો ગગડશે : બે દિવસ પવન ફરી વધશે : અશોકભાઈ પટેલ : ૨૨મીના શુક્રવારે વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલ આગોતરૂ એંધાણ આપશે

રાજકોટ, તા.૨૦ : ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહેલા લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે આંશિક રાહત મળે તેવા સમાચાર છે. આગામી ૩ થી ૪ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરી સક્રિય બનશે અને દેશના બાકીના રહી ગયેલા વિસ્તારોને આવરી લેશે. ૨૭મી જૂન સુધીમાં ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કરી લ્યે તેવી સંભાવના છે. હવે ધીમે ધીમે વાતાવરણ સુધરતુ જશે. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા ચાલુ થઈ જશે. બે-એક દિવસમાં વાદળો પણ છવાવા લાગશે. નીચલા લેવલે ભેજનું પ્રમાણ પણ વધવા લાગશે. જયારે બે દિવસ પવનનું જોર ફરી વધશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

 

તેઓએ જણાવેલ કે ચોમાસુ ઘણા સમયથી સ્થગિત રહેલ છે. એમજેઓ (મેડન જુલિયન્ટ ઓસીલેશન) જે ટૂંકા નામથી ઓળખાય છે. જેની પ્રક્રિયા પૃથ્વીના ગોળા સમાન પશ્ચિમથી પૂર્વ તરફ ચાલતુ હોય છે. આ પ્રક્રિયા પૈકી ગોળાર્ધના ૮ ભાગ થાય છે જેમાં બે ભાગ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તેમજ અન્ય ભાગો થાઈલેન્ડ, ફીલીપાઈન્સ વિગેરે તથા પ્રશાંત મહાસાગર અને ત્યારબાદ સમગ્ર પશ્ચિમ ગોળાર્ધ અને આફ્રિકાના ભાગો છે. જે સમગ્ર ચક્કર લગાવવામાં આશરે દોઢેક મહિનાનો સમય લાગે છે. હાલમાં આ ચક્કર આફ્રિકાથી અરબી સમુદ્રમાં તા.૨૩-૨૪ જૂને દાખલ થશે અને તેનું મહત્વ એ છે કે તે ચોમાસાની સિસ્ટમ્સને વેગ આપે.

ત્રણથી ચાર દિવસમાં ચોમાસુ ફરી સક્રિય બનશે અને પહેલા બંગાળની પાંખ આગળ આવશે જેથી તા.૨૫-૨૬ જૂન સુધીમાં આસામના વધ-ઘટના ભાગો, મહારાષ્ટ્ર, ઓડીસ્સા, છત્તીસગઢમાં આગળ વધશે. તેમજ ઝારખંડ, બિહાર અને એમપીમાં પણ દાખલ થશે.

અરબીવાળી પાંખ પણ આગળ ચાલશે. જે ૨૭મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશે. આ ઉપરાંત હરિયાણા ઉપર અપરએર સાયકલોનીક સરકયુલેશન ૧.૫ કિલોમીટરની ઉંચાઈએ છે. મોન્સૂનટ્રફ કોંકણથી કેરાલા સુધી છે. તેથી સાથે ગોવા તેમજ દક્ષિણ કોંકણ નજીક ૪.૫ કિલોમીટરની ઉંચાઈએ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે અને આ અપરએર સાયકલોનીક સરકયુલેશન ૧.૫ કિ.મી.ની ઉંચાઈએથી બિહારથી એક ટ્રફ જે આ સિસ્ટમ સુધી પહોંચે છે.

અશોકભાઈ વધુમાં કહે છે કે સૌરાષ્ટ્રમાં  ૧.૫ કિ.મી.ની ઉંચાઈ સુધી ભેજ છે પણ ૩.૧ કિ.મી.ની લેવલના હજુ ભેજ નથી. આવતા ત્રણ - ચાર દિવસમાં ભેજમાં ફરક પડશે પણ ઉપલા લેવલનું ભેજ ગુજરાત બાજુ રહેશે. તા.૨૦થી ૨૭ જૂનની આગાહી કરતા અશોકભાઈ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં ૨૨મી સુધી પવનો ફરી વધી જશે. બાદમાં પવનમાં ઘટાડો આવશે તેમજ ૨૩મીથી તાપમાન ક્રમશઃ નીચુ રહેશે.  હાલ પવન દક્ષિણ પશ્ચિમના છે અને એ જ રહેશે. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડશે. ૨૨મીથી વાદળાઓ પણ વધશે.

(3:26 pm IST)