Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જંગલેશ્વરમાં ભરવાડ મહિલાના ઘરે આહિર શખ્સોની ધમાલઃ દરવાજા-બારીમાં તોડફોડ

રાહુલ ડાંગરના સગા સાથે કિશોરીબેન ભરવાડના પુત્ર પારસે માથાકુટ કર્યાની શંકા પરથી બઘડાટી

રાજકોટ તા. ૨૦: જંગલેશ્વરમાં રહેતાં ભરવાડ મહિલાને આહિર શખ્સોએ 'અમારા સગા સાથે તારા દિકરાએ ઝઘડો કર્યો છે...' તેમ કહી ગાળાગાળી કરી મકાનની ડેલીમાં અને બારીમાં તોડફોડ કરી ધમાલ મચાવતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે જંગલેશ્વર-૧૨ વેલનાથ મંદિર સામે રહેતાં કિશોરીબેન નારણભાઇ ચાવડીયા (ઉ.૩૨) નામના ભરવાડ મહિલાની ફરિયાદ પરથી ન્યુ કેદારનાથ-૯માં રહેતાં રાહુલ પ્રભાતભાઇ ડાંગર, રવિ લાવડીયા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૪૨૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. કિશોરીબેનના કહેવા મુજબ અગાઉ રાહુલ ડાંગરના કોઇ સગા સાથે કોઇને માથાકુટ થઇ હતી. એ ઝઘડામાં મારો પુત્ર પારસ સામેલ હોવાની શંકા કરી રાહુલ સહિતના રાત્રે સાડા અગિયારેક વાગ્યે મારા ઘરે આવ્યા હતાં અને પારસ કયાં છે? તેમ કહી બૂમ બરાડા પાડી ડેલીમાં અને કાચની બારીઓમાં ધોકા-પાઇપ ફટકારી તોડફોડ કરી રૂ.એકાદ હજારનું નુકસાન કર્યુ હતું. લોકો ભેગા થઇ જતાં આ તમામ ભાગી ગયા હતાં.

હેડકોન્સ. હિરેનભાઇ પરમારે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:51 pm IST)