Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે રામનવમી અને હનુમાન જયંતિ મહોત્‍સવનું ધામધૂમભર્યુ આયોજન

રાજકોટ તા. ૨૦ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્‍ટ સંચાલિત શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ ખાતે તા. ૨૨ માર્ચથી તા. ૬ એપ્રિલ સુધી શ્રીરામનવમી મહોત્‍સવ અને હનુમાન જયંતિ મહોત્‍સવનું ધર્મમય આયોજન કરાયુ છે.

રામનવમી મહોત્‍સવ અંતર્ગત તા. ૨૨ થી તા. ૩૦ સુધી શ્રીરામચરિત માનસ પાઠ નિજ મંદિર હોલમાં દરરોજ થશે. વ્‍યાસપીઠ પર ચિત્રકુટ નિવાસી શ્રી પ્રભુદાસજી અગ્નિહોત્રી બીરાજી રામાયણજીના પાઠનું અમૃતમય રસપાન કરાવશે. રામચરિત માનસ પાઠ દરમિયના તા. ૨૩ ના ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્‍યે રામ જન્‍મોત્‍સવ, અને તા. ૨૪ ના સવારે ૧૧ વાગ્‍યે શ્રીરામ વિવાહનો પ્રસંગ ઉજવાશે.

તા.૩૦ ના ગુરૂવારે બપોરે ૧૨ વાગ્‍યે નિજ મંદિર હોલમાં રામનવમી રંગે ચંગે ઉજવાશે. બપોરે ૧૨ થી ૨ સદ્દગુરૂ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરાઇ છે. તેમજ સવારે ૮ થી બપોરે ૧ સુધી આ દિવસે લઘુરામ યજ્ઞ થશે.

જયારે તા. ૩૧ થી તા. ૪ એપ્રિલ સુધી શ્રી વિનય પત્રિકા પદનું આયોજન કરાય છે. તા. ૪ ના મંગળવારે ભગવાન શ્રી મહાસમાધિ દિવસ ઉજવાશે. આ નિમિતે સંત ભગવાન ભંડારો અને દક્ષિણા રાખેલ છે. બપોરે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા છે. ચરણ પાદુકાનું પૂજન કરાશે.

તા. ૪ એપ્રિલના સાંજે ૬ વાગ્‍યાથી તા. ૫ એપ્રિલના સાંજે ૪.૩૦ વાગ્‍યા સુધી અખંડ રામચરિત માનસ પાઠ થશે. તા. ૫ ના બુધવારે સાંજે પ થી ૬ હનુમાન બાહુક પાઠ થશે.

તા. ૬ એપ્રિલના ચૈત્રી પુનમે હનુમાન જયંતિ ધામધુમથી ઉજવાશે. સવારે ૧૧ કલાકે અન્નકુટ શ્રી મનોકામના સિધ્‍ધ હનુમાનજીને ધરાવાશે. બપોરે ૧૨ વાગ્‍યે અન્નકુટ આરતી થશે અને ભેળરૂપી પ્રસાદીનું વિતરણ કરાશે. બપોરે સદ્દગુરૂ મહાપ્રસાદ પીરસાશે. સાંજે ૪ થી પ સદ્દગુરૂ ભગવાનશ્રીનું ષોડષોપચાર પુજન અને સાંજે પ થી ૭ સુંદરકાંડના પાઠ થશે.

ધર્મપ્રેમીજનોએ પધારવા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્‍ટ (મો.૯૫૮૬૩ ૦૮૧૭૮) ની યાદીમાં જણાવાયુ છે.

(5:34 pm IST)