Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભારતે હાલ જે દિશા પકડી છે તેનાથી શેરબજાર અને કેપિટલ માર્કેટને મોટો ફાયદો : વિજય કેડીયા

સીએ માત્ર એડવાઇઝર જ નહીં ઇન્‍ટરપ્રેન્‍યોર પણ બની શકે : પુરૂષોતમ ખંડેલવાલ * ICAI ભવન રાજકોટ ખાતે રાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સને તજજ્ઞોનું સંબોધન

રાજકોટ તા. ૨૦ : ભારતના આંગળીના ટેરવે ગણી શકાય તેવા મોટા રોકાણકારોમાના એક એવા વિજય કેડીયાએ રાજકોટ ખાતે કેપીટલ માર્કેટ અંગે યોજાયેલ રાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સને સંબોધતા જણાવ્‍યુ હતુ કે શેર બજારમાંથી નફો ત્‍યારે જ મેળવી શકાય, જયારે રોકાણકારો દ્વારા લોંગ ટર્મ રોકાણ કરવામાં આવે. હાલ ભારત જે દિશામાં આગળ વધી રહ્યુ છે તેનાથી શેરબજાર અને કેપીટલ માર્કેટને ઘણો ફાયદો પહોંચશે. હાલ સમગ્ર વિશ્વમાં ઉથલ પાથલ થઇ રહી છે તેનાથી ભારતને અનેક ફાયદા પણ છે.

તેઓએ વધુમાં જણાવેલ કે દેશની અર્થવ્‍યવસ્‍થાને વિકસિત કરવા કેપિટલ માર્કેટનો સિંહ ફાળો રહેશે. કેન્‍દ્ર સરકાર દ્વારા જે અમૃતકાળ બજેટ જાહેર કરવામાં આવ્‍યુ એનાથી મૂડી બજારને ઘણો ફાયદો પણ પહોંચશે. સમગ્ર વિશ્વની નજર હાલ ભારત દેશ ઉપર જોવા મળી રહી છે. મુડી બજાર રૂપિયા બનાવવા માટેનું ઉત્તમ પ્‍લેટ ફોર્મ છે. જે કોઇ રોકાણકાર શેર બજારમાં રોકાણ કરતા હોય તેઓએ લાંબા ગાળાના રોકાણ સાથે આગળ વધવુ જોઇએ.

રાજકોટ આઇસીએઆઇ ભવનના ચેરમેન સી.એ. સંજય લાખાણીએ જણાવેલ કે રાજકોટ કેપિટલ માર્કેટનું હબ છે. ત્‍યારે ભવન દ્વારા બે દિવસીય રાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સનું જે આયોજન કરાયુ છે તેનાથી ચાર્ટડ એકાઉન્‍ટ અને રોકાણકારોને ઘણો ફાયદો પહોંચશે. કેપિટલ માર્કેટમાં ટોપ પાંચ શહેરોનું જો મૂલ્‍યાંકન કરવામાં આવે તો તેમાં રાજકોટ પણ આવે છે. ત્‍યારે નિષ્‍ણાંતોએ આજે રોકાણકારોને રોકાણ કરતા પહેલાં શું ધ્‍યાન રાખવુ તેની તલસ્‍પર્શી માહીતી પુરી પાડી હતી.

આઇસીએઆઇના સેન્‍ટ્રલ કાઉન્‍સિલ મેમ્‍બર સી.એ. પુરૂષોતમ ખંડેલવાલે જણાવ્‍યુ હતુ કે સી.એ.નો રોલ હવે વધુ વિકસીત થયો છે. ઉદ્યોગકારોને કઇ રીતે આગળ લઇ જવા એટલુ જ નહીં તેમની મૂડીને કઇ રીતે વધારવી અને વેલ્‍થે કઇ રીતે વધુ કરી શકાય તે માટે પણ ચાર્ર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટનો રોલ મહત્‍વપૂર્ણ સાબિત થઇ રહ્યો છ.ે હવે સી.એ. માત્ર એડવાઇઝર નહી, ઇન્‍ટરપ્રેન્‍યોર પણ બની શકે છે.

શેર બજારના તજજ્ઞ પ્રકાશ દિવાને જણાવ્‍યુ હતુ કે વિશ્વની ટોપ ત્રીજી અર્થવ્‍યવસ્‍થા બનવા માટે ભારત માટે કેપિટલ માર્કેટ આશીર્વાદરૂપ નીવડે છે. રાજકોટ આઇસીએઆઇ ભવન દ્વારા જે પહેલ હાથ ધરાઇ છે તે ઉતમ પગલું છે.

સમગ્ર અધિવેશનને સફળ બનાવવા રાજકોટ બ્રાન્‍ચના પૂર્વ ચેરમેન સી.એ. જીજ્ઞેશ રાઠોડ અને ગાંધીધામના સી.એ. જીતુભાઇ ખંડોલના માર્ગદર્શન હેઠળ સી.એ. સંજય લાખાણી (રાજકોટ), સી.એ. પ્રતિક ચંદ્રા (જામનગર), સી.એ. વિજય ઠકકર (ભુજ), સી.એ. ચાંદની તોલાણી (ગાંધીધામ), સી.એ. શૈલેષ દવે (ભાવનગર) તથા રાજકોટ બ્રાન્‍ચના સી.એ. મૌલીક ટોલીયા, સી.એ. મિતુલ મહેતા, સી.એ. રાજ મારવાણીયા, સી.એ. ભાવિન દોશી, સી.એ. તેજશ દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(5:22 pm IST)