Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

બરડા ડુંગરે શ્રુતપ્રજ્ઞજી દ્વારા ‘ઝિંદગી વન્‍સ મોર' શિબિર

૧૧ થી ૧૫ એપ્રિલ આયોજનઃ રજિસ્‍ટ્રેશન પ્રક્રિયા શરૂઃ ૧૪ વર્ષથી ઉપરના ભાગ લઇ શકશે

રાજકોટ તા.૨૦: વેકેશનમાં શું કરવું એ એક મોટો પ્રશ્ન છે. આ સમય ખરેખર શરીરથી રીફ્રેશ, મનથી ઊર્જાવાન અને બુદ્ધિથી જ્ઞાનની ઉપાસના કરવા માટેનો છે, એના બદલે વિદ્યાર્થીઓ પ્રયોજન શૂન્‍ય પ્રવૃત્તિઓ કરી ઊર્જા અને સમયને વેડફે છે. વાલીઓ પોતાના બાળકોને લાખો રૂપિયાની ફી ભરીને ડિગ્રી અપાવે છે પણ સંસ્‍કાર સંવર્ધન કરતી શિબિરોમાં મોકલવાની તક ચૂકી જતા હોય છે. જો કે આજકાલ હવેના ઘણા વાલી અને વિદ્યાર્થીઓ પોતાના અને બાળકોના જીવન પ્રયોજન પ્રત્‍યે સજાગ હોય છે. તેવો આ વેકેશનમાં ક્‍યાં સારું શીખવા અને સમજવા મળે એની શોધમાં હોય છે અને તે માટે બધું જ કરવા તત્‍પર હોય છે.

વેકેશનમાં અનેક સંસ્‍થાઓ આવી પ્રવૃત્તિઓલક્ષી શિબિરોનું આયોજન કરતી હોય છે. આવી જ એક શિબિર પીસ ઓફ માઈન્‍ડ ફાઉન્‍ડેશનના પ્રેરક સમણ શ્રુતપ્રજ્ઞજીના સાનિધ્‍યમાં યોજવા જઈ રહી છે. ઘુમલી સ્‍થિત બરડા ડુંગરની છત્રછાયામાં આવેલા તપોવનની પાવન ઓરામાં આગામી તા. ૧૧ થી ૧૫ એપ્રિલ ૨૦૨૩ ના માત્ર ૧૪ વર્ષથી ઉપરના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે પંચ દિવસીય આવાસિય શિબિર યોજાઈ રહી છે. આ શિબિરનું ઓનલાઇન રજીસ્‍ટ્રેશન ફોર્મ ભરી પોતાનું સ્‍થાનને આરક્ષિત કરી લેવા વિનંતી છે.

‘ઝીંદગી વન્‍સ મોર'  વિષય પર યોજનારી આ શિબિરમાં છાત્રોને એક અલગ જ દૃષ્ટિકોણ શીખવશે. આ શિબિરમાં જાણવા મળશે કે ઝીંદગી એક પ્રકારની જ નથી હોતી. મારે ફરીથી આવી જ જિંદગી જીવવી છે, જે હું હજુ સુધી જીવ્‍યો છું કે પછી બીજી વ્‍યક્‍તિ જેવી જિંદગી જીવવી છે. અન્‍ય વ્‍યક્‍તિ સારું જીવે છે એવું કેમ લાગે છે?શું એ ઝાંઝવાના નીર નથી? તો પછી શ્રેષ્ઠ જિંદગી કોને કહેવાય? જિંદગીમાં શું જોવું અને જે જોવું તે કેવી રીતે જોવું? આ આપણને કોઈ શીખવતું નથી. આપણને જે દેખાય છે, એ બહુ ઓછું હોય છે અને જે નથી દેખાતું એવું ઘણું હોય છે. જે છે પણ દેખાતું નથી, તેને કેવી રીતે જોવું? આ બધું શીખવા જેવું છે. ઉર્જા છે, તમે જોઈ છે ખરી?, સંવેદના છે, તમે જોઈ છે ખરી? વાયબ્રેશન છે, તમે ક્‍યારેય જોયા છે? ઓરા છે, તમે તેને  ક્‍યારેય જોયો છે ખરાં? ચેતના છે, તમે જોઈ છે ખરી? આ શિબિરમાં આ બધાને જોવાની કળા શીખવા મળશે.

આ ઉપરાંત આ શિબિરમાં વાલી અને બાળકોને મુંઝવતા સાત પ્રશ્નો પર ગહન અને ઓપન ચર્ચા થશે, મહાનુભાવોનું જ્ઞાનગર્ભિત માર્ગદર્શન મળશે, આભાપરા પર બાળકોને ટ્રેકિંગનો લાભ મળશે, રાત્રિના વિવિધ સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ થશે, ખગોળીય વિદ્વાનો દ્વારા આકાશ દર્શન અને ટેલિસ્‍કોપ દ્વારા તેનું પ્રાયોગિક નિદર્શન કરાવવામાં આવશે, ઉપવન ભોજન શું કહેવાય એની અનુભૂતિ કરાવવામાં આવશે. આ ઉપરાંત પણ ન કલ્‍પ્‍યું હોય એવા ધ્‍યાન યોગના અનેક પ્રેરક પ્રયોગો કરવામાં આવશે. આ શિબિર પછી દર વર્ષના ક્રમ મુજબ સમણજી એપ્રિલ ૨૩ ના ત્રણ મહિના માટે દુબઈ, અમેરિકા, કેનેડા અને લંડનના આધ્‍યાત્‍મિક પ્રવાસે જવા રવાના થશે.

શિબિરમાં ૧૧ એપ્રિલના નાસ્‍તો કરીને સવારે ૯ વાગે શિબિર સ્‍થળ પર પહોંચવાનું રહેશે અને ૧૫ એપ્રિલના સાંજે ૪ વાગે શિબિર પૂર્ણ થશે. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ પૂરા કોર્સમાં ભાગ લેવો અનિવાર્ય રહેશે.

વધુ વિગત માટે અને રજીસ્‍ટ્રેશન ફોર્મની વિગત માટે ૯૮૨૪૭ ૧૩૦૪૦ ( હાર્દિક સોલંકી) ઉપર ફોનથી કે વોટ્‍સ એપથી સંપર્ક કરવા જણાવાયું છે.

(5:21 pm IST)