Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ટી.પી.-ખાદ્ય પદાર્થોના ચેકીંગની કામગીરી બાબતે તંત્ર પર તુટી પડતા કોર્પોરેટરો

વોર્ડ નં. ૧૪ ના ભાજપના કોર્પોરેટર કેતન પટેલના ટી.પી. સ્‍કીમ તથા ફુડ વિભાગની કામગીરીના પ્રશ્ને પેટા પ્રશ્નોનો ધોધઃ દર ૧૦ દિવસે ટીપીમાં દબાણોનું ડીમોલેશન કરવામાં આવતું હોવાનું જણાવતા અમિત અરોરા

રાજકોટ તા. ર૦ :.. આજરોજ મનપાની મળેલ સામાન્‍ય સભામાં ભાજપના કોર્પોરેટરોએ શહેરમાં ટીપી અને ફુડ શાખાના પ્રશ્નો અને પેટા પ્રશ્નોની ઝડી અધિકારીઓ ઉપર વરસાવી હતી. સભ્‍યોએ શહેરીજનોના સ્‍વાસ્‍થ્‍ય અને શહેરીકરણ સુદ્રઢ બને તે માટે અધિકારીઓને પ્રશ્નોના જવાબ માટે ભીડવ્‍યા હતાં.

આજે સવારે ૧૧ વાગ્‍યે મનપાના સ્‍વ. રમેશભાઇ છાયા સભા ગૃહમાં જનરલ બોર્ડ મેયર પ્રદિપ ડવની અધ્‍યક્ષતા યોજાય હતું. આ બોર્ડમાં ભાજપના  ૧૧ અને કુલ ૧ર કોર્પોરેટરોએ ફુડ, ટી. પી. તથા સ્‍માર્ટ સીટીની કામગીરીનાં કુલ ૩પ પ્રશ્નો મુકવામાં આવ્‍યા હતાં.

પ્રથમ પ્રશ્ન ટીપી અંગેનો કોર્પોરેટર કેતન પટેલે પૂછયો હતો. જેમાં ટીપી સંબંધીત પ્રશ્નોની તડાપીટ બોલાવી હતી. જેમાં કપાત અંગેના નિયમો, કેટલા ટકા કપાત, કઇ રીતે કરવામાં આવે છે. વગેરે અંગે માહિતી માંગી હતી.

આ પ્રશ્નનનાં જવાબમાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ  વિગતો આપતા જણાવ્‍યું હતું કે જવાબ આપવામાં આવ્‍યા જેમાં જણાવાયેલ કે, હાલ ટીપી અન્‍વયે ૪૦ ટકા કપાત કરવામાં આવે છે. જે ર૦૧પ સુધી ૩પ ટકા હતી અને ત્‍યારબાદ તેમાં પ ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. ટીપીમાં રસ્‍તા અને કોમન પ્‍લોટ અંગે કપાત કરવામાં આવે છે. અને જગ્‍યાના માલીકને જે રોડ પરની જગ્‍યા હોય તેટલાના જ રોડ ઉપર જગ્‍યા ફાળવવાની સાથે નિયમિત આકારના પ્‍લોટની ફાળવણી કરાય છે. જેથી તેમને પ્‍લાનમાં કોઇ મુશ્‍કેલી ન આવે.

શહેરમાં હાલ ર૭ ટી. પી. સ્‍કીમો કાર્યરત છે. નવી સ્‍માર્ટ સીટીની ૩ર નંબરની સ્‍કીમ રાજયની સૌથી મોટી છે. જેમાં એક પણ પ્રકારનું દબાણ નથી. શહેરનો વિસ્‍તાર ર૬૧.૮૩ ચો. મી. છે. જે મુજબ ૧૦૦ થી પ૦૦ એકરની જગ્‍યા હોય ત્‍યાં ટીપી સ્‍કીમ લાગુ કરવામાં આવે છે. રાજય સરકારમાંથી મંજૂરી આવ્‍યે બે વર્ષની અંદર કબજા રોજકામ પુરૂ કરવામાં આવે છે. મનપા માત્ર અમલીકરણની જ જવાબદારી નિભાવતુ હોવાનું અધિકારીઓએ માહિતી આપતા જણાવેલ.

લોકોના સ્‍વાસ્‍થ્‍ય અંગે પણ કેતન પટેલે પ્રશ્ન પુછતા શહેરમાં પેકેજડ ડ્રીકીંગ વોટરના ઉત્‍પાદકો અંગે માહિતી માંગી હતી. જેમાં નોંધાયેલ કેટલા ઉત્‍પાદકો અને વિતરકો છે, ઉપરાંત પ્‍લાન્‍ટ માટે જરૂરી સર્ટીફીકેટ અંગે પણ સવાલો કર્યા હતાં.

જેના જવાબમાં અધિકારીઓએ જણાવેલ કે શહેરમાં કુલ પ ઉત્‍પાદકો પેકેજડ ડ્રીકીંગ વોટરના ઉત્‍પાદન માટે નોંધાયેલા છે, જયારે ૮ વિતરકોની પણ મનપાના ચોપડે નોંધણી થયેલ છે. છેલ્લા ૧ વર્ષમાં કુલ ૧૧ સેમ્‍પલો લેવામાં આવ્‍યા હતાં, જેમાંથી ર સબ સ્‍ટાર્ન્‍ડડ જાહેર થતા રર લાખ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્‍યો હોવાનું મ્‍યુ. કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

આ પ્રશ્નના પેટા પ્રશ્નમાં ઓફીસે તથા અન્‍ય જગ્‍યાએ મુકવામાં આવતા પાણીના કેરબા (જગ) વિતરકો કેટલા હોવાનું કોર્પોરેટરો દ્વારા પુછવામાં આવતા અધિકારીઓ દ્વારા એક પણ આ પ્રકારના ઉત્‍પાદક કે વિતરક નોંધાયેલ ન હોવાનું જણાવતા ભારે હોબાળો મચી જવા પામ્‍યો હતો.

શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવાએ અધિકારીઓનો ઉઘડો લેતા જણાવેલ કે, ગમે ત્‍યાં પાણીના કેરબા સામાન્‍ય ઉપયોગમાં આવી ગયા છે, ત્‍યારે મનપા કંઇ રીતે ચકાસણી કરે છે, અધિકારીઓએ જણાવેલ કે પ્‍લાન્‍ટની ફરીયાદ બાદ ચકાસણી કરતાી હોવાનો જવાબ આપતા જ વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર પ્રિતીબેન દ્વારા અધિકારીઓ સામેથી લોકોના સ્‍વાસ્‍થ્‍ય માટે ન હોયનું જણાવ્‍યું હતું.

દંડક સુરેન્‍દ્રસિંહ વાળાએ પણ લોકોના સ્‍વાસ્‍થ્‍ય મુદે સીઝનમાં વેચાતા કેરી અને ચીકુ કાર્બનથી પકવવામાં આવતા હોય અધિકારીઓને કડકાઇથી કામ લેવા તથા કોઇની શેહ-શરમ વિના કાર્યવાહી કરવાનું જણાવ્‍યું હતું.

આ પ્રશ્નની ચર્ચા દરમિયાન કોર્પોરેટરો મનિષ રાડીયા, વિનુભાઇ ધવા, નેહલ શુકલ, પરેશ પીપળીયા (વોર્ડ નં. ૪), સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રીતીબેન દોશી, નરેન્‍દ્રસિંહ વાઘેલા (નિરૂભા) એ ટી. પી. અને ફુડ મુદ્‌્‌ે પેટા પ્રશ્નો પુછી અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી.

ડેપ્‍યુટી મેયર તરીકે મહિલા જ

વર્તમાન ટર્મની બાકીની છ મહિનાની મુદત માટે ડેપ્‍યુટી મેયરની જગ્‍યા ખાલી પડી હતી. આથી નવા ડેપ્‍યુટી મેયર તરીકે કંચનબેનની નિમણુંક છ માસ માટે કરવામાં આવી છે. રાજકોટમાં મહિલા ડે.મેયરની જગ્‍યાએ ફરી મહિલા કોર્પોરેટર જ પદ સંભાળશે. ચાર પુરૂષ અને એક મહિલા પદાધિકારીની વ્‍યવસ્‍થા ચાલુ રહેશે.

કોણે-કોણે પેટા પ્રશ્નો કર્યા

* મનીષ રાડીયા

* વિનુભાઇ ધવા

* નેહલ શુકલ

* પરેશ પીપળીયા

        (વોર્ડ નં. ૪)

* સુરેન્‍દ્રસિંહ વાળા

* પ્રીતીબેન દોશી

* નરેન્‍દ્રસિંહ વાઘેલા

ભાજપે ડે.મેયરમાં પણ પરંપરા જાળવી : નવું નામ આપ્‍યું

ગાજ્‍યા મેહ ન વરસ્‍યા

રાજકોટ તા. ૨૦ : કહેવત છે કે, ગાજ્‍યા મેહ ન વરસ્‍યા અને એ મુજબ જ ભાજપ પણ પદાધિકારીઓ હોય કે ટીકીટ વહેંચણી નવા નામ આપવા માટે જાણીતું છે. આ પરંપરાને જાળવતા ડે.મેયરના ચર્ચાતા નામો વચ્‍ચે કંચનબેન સિધ્‍ધપુરાને જવાબદારી સોંપી સ્‍થાનીક નેતાઓ અને કોર્પોરેટરોને પણ ચોંકાવી દીધા હતા.

રાજકોટ મનપાની આજે જનરલ બોર્ડની બેઠક મળી છે. જેમાં નવા ડેપ્‍યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપરા પર કળશ ઢોળવામાં આવ્‍યો છે. ડેપ્‍યુટી મેયરની રેસમાં દર્શનાબેન પંડ્‍યા અને વર્ષાબેન રાણપરાના નામ છેલ્લે સુધી ચર્ચાતા હતા. પરંતુ ભાજપ શાસિત મનપામાં કંચનબેન સિદ્ધપરાને ૬ મહિના સુધી ડેપ્‍યુટી મેયર બનાવ્‍યા છે.

ટી.પી.અને ફુડ શાખા મુદ્દે સામાન્‍ય સભા ગજવતા ભાજપના સભ્‍યો

મનપાની આજની સામાન્‍ય સભામાં શાસ્‍કો દ્વારા ટી.પી. અને ફુડ શાખાના મદદે પ્રશ્નોના મારો ચલાવવામાં આવ્‍યો હતો કોર્પોરેટર કેતન પટેલ દ્વારા પુછવામાં આવેલ મુખ્‍ય પ્રશ્નના પેટા પ્રશ્નના મનીષ રાડીયા, વિનુ ધવા, નેહલ શુકલ, નિરૂભા વાઘેલા, પ્રિતીબેન દોશી, સુરેન્‍દ્રસિંહ વાળાએ પેટા પ્રશ્નોની તડાપીટ બોલાવી હતી. મેયર ડો. પ્રદીપ ડવ દ્વાાર લોકોના સ્‍વાસ્‍થ્‍યને પ્રાથમીકતા આપી કાર્યવાહી કરવા તાકીદ કરાયેલ. મ્‍યુ. કમિશ્નર અમિત અરોરાએ પણ અધિકારીઓને એકશન પ્‍લાન રજુ કરવા જણાવ્‍યું હતું. આજે ડે. મેયરની ખાલી રહેલ જગ્‍યા માટે સામાન્‍ય સભા અગાઉ મળેલ ભાજપની સંકલન સમીતીની બેઠકમાં કંનબેન સિધ્‍ધપુરાનું નામ જાહેર કરાતા તેણે સામાન્‍ય સભા બાદ ચાર્જ લીધો હતો.   તે વખતની તસ્‍વીરમાં ડાયસ પર મેયર પ્રદીપ ડવ તથા મ્‍યુનિસીપલ કમિશ્નર અમિત અરોરા દર્શાય છે. તથા અન્‍ય તસ્‍વીરમાં  બોર્ડમાં ઉપસ્‍થિત ભાજપ અને કોંગ્રેસના સભ્‍યો નજરે પડે છે તે વખતની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:06 pm IST)