Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

તમામ પ્રકારના અત્‍યાચારો સામે મહિલાઓને રક્ષણ આપતું રાજકોટ પોલિસનું મહિલા સહાયતા કેન્‍દ્ર

નાની ઉંમરે લગ્ન અને બાળકની જવાબદારી સંભાળવામાં મુશ્‍કેલી અનુભવતી મહિલાને મદદ કરે છે

રાજકોટ, તા. ૨૦ : રાજયસરકાર દ્વારા હિંસા અને અત્‍યાચારોથી પીડિત મહિલાઓને સહાય, માર્ગદર્શન તેમજ કાઉન્‍સેલિંગ પુરૂં પાડવા માટે ગુજરાત રાજયના નિયત કરેલા પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર (મહિલા સહાયતા કેન્‍દ્ર) શરૂ કરાયા છે, જે પૈકી રાજકોટ શહેરમાં રેસકોર્સ ખાતે આવેલ મહિલા પોલિસ સ્‍ટેશન તથા બી ડિવિઝન પોલિસ સ્‍ટેશન અને જિલ્લાના ધોરાજી ખાતે મહિલાઓ માટે મહિલા સહાયતા કેન્‍દ્ર કાર્યરત કરાયું છે.

આ કેન્‍દ્ર ખાતે તાજેતરમાં નિરાકરણ લાવવામાં આવેલ કિસ્‍સાની વિગતો આ મુજબ છે. એક વર્ષ પહેલાં સામાજીક રીત-રિવાજ મુજબ લગ્ન કરેલ રાજકોટની મહિલાને સંતાનમાં ત્રણ માસનો પુત્ર છે. નબળી આર્થિક સ્‍થિતિ ધરાવતી મહિલાને ઘરકામ અને બાળઉછેર બાબતે મેણાં-ટોણાં  દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો, અને ઘણી વાર તેની સાથે શારીરિક હિંસા પણ આચરવામાં આવતી હતી. આથી, લગ્નજીવનના એક વર્ષ થતાં જ પીડિતાને માનસિક અને શારીરિક ત્રાસના કારણે કંટાળીને પિયર જતી રહી હતી. અને રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટરનો સંપર્ક સાધતાં કાઉન્‍સેલર ભાવનાબેન બાબરીયા અને કિરણબેન વાઘેલાએ પીડિતાની તમામ મુશ્‍કેલીઓને ધીરજપૂર્વક સાંભળી હતી. અને પીડિતાના ઘરનાં સભ્‍યોનું કાઉન્‍સેલીંગ કરી લગ્નને હજુ એક જ વર્ષ થયું હોવાથી નવા પરિવાર અને નવા વાતાવરણમાં ગોઠવાઇ રહેલી મહિલાને પ્રેમપૂર્વકનો સહકાર આપવા સમજાવ્‍યા હતા. વહુ સાથે દીકરીની જેમ વર્તી ઘરકામ અને બાળકને સંભાળવામાં મદદરૂપ થવા ઉપરાંત, સાસરિયાને ઘરેલું હિંસા વિરુધ્‍ધ કાયદાઓ અંગે જણાવ્‍યું હતું. અને પીડિતાનું લગ્નજીવનમાં પુનઃસ્‍થાપન કરાવ્‍યું હતું. પોલીસ સ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર દ્વારા સેન્‍ટર પર આવનાર પીડિત મહિલાને ફક્‍ત કાઉન્‍સેલિંગ જ નહિ પરંતુ સમયાંતરે પીડિતાને ફોન કરીને ફોલોઅપ લેવામાં આવે છે અને પીડિતાના ઘરની મુલાકાત લઈને પુરતી ચકાસણી પણ કરવામાં આવે છે.

(4:46 pm IST)