Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વાંકાનેરમાં કરોડોની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં રાજકોટના સુચીત જોષીની ધરપકડ

પકડાયેલ સુચિત ર૪ મી સુધી રિમાન્‍ડ ઉપરઃ કૌભાંડમાં સામેલ અન્‍ય શખ્‍સોની શોધખોળ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૨૦:  વાંકાનેરમાં મુંબઇના વૃધ્‍ધાની કરોડોની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં વાંકાનેર પોલીસે રાજકોટના શખ્‍સની ધરપકડ કરી તા.ર૪ મી સુધી રીમાન્‍ડ મેળવ્‍યા છે. જયારે કૌભાંડમાં સામેલ અન્‍ય શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેર શહેરના દીવાનપરામાં રહેતા અને ધંધાર્થે  વર્ષોથી મુંબઇ સ્‍થાયી થયેલા રજનીકાંત શાંતીલાલ સંઘવી ઉ.વ.૯ર રહે. ૩૬/૯ હેમકુંજ એમ-લોટરીકર માર્ગ, અરોરા સીનેમાની પાછળ કીંગ સર્કલ માટુંગા (ઇસ્‍ટ) મુંબઇવાળા વાંકાનેર શહેરના રેવન્‍યુ સર્વે નં. (૧) રે.સ.નં. ૧૦/૨ પૈકી ર તથા (ર) રે.સ. નં. ૧ર પૈકી ૧ તથા (૩) રે.સ.નં. ૧ર પૈકી ર તથા (૪) રે.સ.નં. ૧૮ પૈકી ૧ તથા (પ) રે.સ.નં. ૧૮ પૈકી ર તથા (૬) રે.સ.નં. ૧૯ તથા (૭) રે.સ.નં. ર૦ તથા (૮) રે.સ.નં. રપ/૧ પૈકી ૪ તથા (૯) રે.સ.નં. રપ/૧ પૈકી ૬ ની અંદાજે ૩૦ એકર જેટલી કરોડો રૂપીયાની જમીન ધરાવે છે અને માણસો રાખી ખેતીની આ જમીનની સંભાળ રાખે છે.

થોડા સમય પહેલા તેઓ વાંકાનેર લગ્નપ્રસંગમાં આવતા સબંધીત મારફતે તપાસ કરતા ધ્‍યાને આવ્‍યું હતું કે તેઓ પોતે રજનીકાંતભાઇ અને તેમના પત્‍નીનું સાચુ નામ કુસુમબેન હોવા છતા વર્ષ ર૦૦૦માં કુસુમબેન અને વર્ષ ર૦૦પમાં રજનીકાંતભાઇનું અવસાન થયું હોવાના ખોટા પ્રમાણપત્ર અમદાવાદ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાંથી મેળવી અમદાવાદની ભેજાબાજ મહિલા મોનાબેન રજનીકાંત મહેતા વા/ઓ રાજશેભાઇ મહેતા રહે. બાબુ લઠાની ચાલી કાલુપુર અમદાવાદ (૩) કુસુમબેન રજનીકાંત મહેતા વા/ઓ  રમેશકુમાર દતાણી રહે. ઉર્દુ સ્‍કુલ સામે, કામદાર મેદાન પાસે, ગોમતીપુર અમદાવાદ પોતે રજનીકાંતભાઇની સીધી લીટીના વારસદાર પુત્રી હોવાનું ખોટુ સોગંદનામુ તેમજ વારસાઇ આંબો મેળવી વાંકાનેરની કરોડો રૂપીયાની કિંમતી જમીન પોતાના નામે કરી લીધી હતી.

દરમિયાન જમીનના સાચા માલીક રજનીકાન્‍ત શાન્‍તીલાલની અટક સંઘવી હોવા છતા કૌભાંડીયા તત્‍વોએ મહેતા અટક દર્શાવી હોવાનું અને કરોડોની કિંમતી આ જમીન રાજકોટના બજરંગવાડી વિસ્‍તારમાં પવન પાર્કમાં રહેતા સુચીતભાઇ રમેશભાઇ જોષીને ૩ કરોડથી વધુ રકમનો દસ્‍તાવેજ કરી આપી આ જમીન વેચી નાખી વાંકાનેર માલતદાર કચેરીમાં નોંધ કરાવ્‍યાનું સામે આવતા મુંબઇના વયોવૃધ્‍ધ રજનીકાન્‍ત શાન્‍તીલાલ સંઘવીએ આ જબરા જમીન કૌભાંડમાં રાજકોટના સુચીતભાઇ રમેશભાઇ જોષી, અમદાવાદની મોનાબેન રજનીકાન્‍ત મહેતા વા/ઓ રાજેશભાઇ મહેતા, કુસુમબેન રજનીકાન્‍ત મહેતા વા/ો રમેશકુમાર દતાણી, દસ્‍તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર રાજકોટ ગોંડલ રોડ જકાતનાકા પાસે રહેતા રમેશભાઇ ડાયાભાઇ વડોદરીયા અને માધાપર ચોકડી રાજકોટ ખાતે રાધાપાર્કમાં રહેતા સાક્ષી જયંતીભાઇ ધીરૂભાઇ સાકરીયા તેમજ પોલીસ તપાસમાં જેમના નામ ખુલે તે તમામ વિરૂધ્‍ધ આઇપીસી કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧,  અને ૧ર૦ બી મુજબ ફરીયાદ નોંધાવી હતી.

દરમિયાન આ જમીન કૌભાંડમાં સંડોવાયેલ રાજકોટના બજરંગવાડીમાં રહેતા સુચીત રમેશભાઇ જોષીને વાંકાનેરના પીઆઇ કે.એમ.છાંસીયા તથા ટીમે ઝડપી લઇ ધરપકડ કરી હતી. પકડાયેલ સુચીત જોષીને રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ર૪ મી માર્ચ સુધીના રીમાન્‍ડ મંજુર કર્યા છે. કૌભાંડમાં સામેલ અન્‍યોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(3:55 pm IST)