Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વાવડીની જમીનોના કિમતી રેકર્ડ ગૂમ થવાના મામલે ચોરીનો ગુનો દાખલઃ એકાદ મહિનાના ફૂટેજ ચેક કરાશે

મામલતદાર કમલેશભાઇ કરમટાએ તાલુકા પોલીસમાં અજાણ્‍યા સામે ગુનો દાખલ કરાયો

રાજકોટ તા. ૨૦: શહેરના વાવડી ગામમાં આવેલી વાવડીની વોર્ડ ઓફિસમાંથી કોઇ વાવડી ગામના ગામ નમુના નં. ૬ના વર્ષ ૨૦૦૪ પહેલાના હક્ક પત્રક નોંધના મહત્‍વના સાધનિક કાગળો કિમતી જમીનના દસ્‍તાવેજો ચોરી જતાં આ મામલે પ્રાંરભે ગુમ થયાની નોંધ તાલુકા પોલીસમાં કરાવવામાં આવ્‍યા બાદ હવે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવતાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવશે.

વાવડી ગામનો ૨૦૧૫ની સાલમાં રાજકોટ શહેરમાં એટલે કે મ્‍યુ. કોર્પોરેશનમાં સમાવેશ થઇ ગયો હતો. ત્‍યારથી વાવડી ગ્રામ પંચાયતની કચેરી વોર્ડ ઓફિસમાં બદલાવી દેવામાં આવી છે. કચેરીમાં પહેલા માળે રેવન્‍યુ રેકર્ડ રાખવામાં આવ્‍યું હતું. જેમાં વાવડી ગામના ગામ નમુના નં. ૬ના વર્ષ ૨૦૦૪ પહેલાના હક્ક પત્ર નોંધના સાધીનક કાગળો પણ સામેલ છે. તા. ૭/૩/૨૩ના રોજ આ સાધનિક કાગળો વોર્ડ ઓફિસમાં જ્‍યાં રખાયા હતાં ત્‍યાંથી ગાયબ થઇ ગયા હતાં. આ કારણે દોડધામ મચી ગઇ હતી. આ અંગે કલેક્‍ટરને જાણ કરવામાં આવતાં તાલુકા પોલીસમાં ગૂમ થયાની નોંધ કરાવાઇ હતી.

દરમિયાન હવે વાવડી ગામના મામલતદાર કમલેશભાઇ કાળાભાઇ કરમટા (રહે. સરકારી વસાહત બહુમાળી ભવન)ની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્‍યા સામે ચોરીનો ગુનો નોંધ્‍યો છે. તેમણે જણાવ્‍યું છે કે તા. ૧/૧/૨૨થી વાવડી ગામનો મહેસુલી તલાટીનો ચાર્જ મનિષભાઇ ગીધવાણી પાસે છે. તેઓ ગામના ઇન્‍ચાર્જ રેવન્‍યુ તલાટી તરીકે ફરજ બજાવે છે. વાવડીનો સમાવેશ રાજકોટ શહેરમાં થઇ ગયા બાદ ગામના નમુના નં. ૬ના વર્ષ ૨૦૦૪ પહેલાની હક્ક પત્રક નોંધના સાધનીક કાગળો આ વોર્ડ ઓફિસમાં રખાયા હતાં. તા. ૭/૩ના રોજ આ સ્‍થળે તપાસ કરતાં કબાટમાં નોંધના કાગળોને બદલે કબાટની સામે ઢગલા સ્‍વરૂપે અગાઉ પડેલ રદ્દી રેકોર્ડ કબાટમાં ભરાઇ ગયેલ હોઇ મુળ હક્ક પત્રકની નોંધના સાધનીક કાગળોના રેકોર્ડ કબાટમાં ન મળતાં કોર્પોરેશનના કર્મચારી નરેન્‍દ્રભાઇ કે જેમની પાસે આ રૂમની ચાવી રહેતી હોઇ તેને પુછતાં તેણે કહેલું કે હાલ આ જગ્‍યા પર ડ્રેનેજ શાખા બેસે છે.

આ પછી ડ્રેનેજ શાખાના આ વોર્ડના એસએસઆઇ ચાવડા અને હાજર કર્મચારીને પુછતાં તેમના તરફથી કોઇ રેકોર્ડ ફેરવાયા હોવાની માહિતી ન મળતાં ડ્રેનેજ શાખાનો કોન્‍ટ્રાક્‍ટ જેની પાસે છે તે તા. ૧/૮/૨૨થી છે. ૩૧/૭/૨૨ પહેલા જેની પાસે કોન્‍ટ્રાકટ હતો તે વ્‍યક્‍તિ યુનુસભાઇ જનર તથા અન્‍ય કર્મચારી ઇકબાલભાઇ નજરને પુછતાં તેણે પણ રેકોર્ડ વિશે પોતાની પાસે કોઇ માહિતી નહિ હોવાનું કહ્યું હતું.

તલાટી મનિષભાઇ ગીધવાણીના અહેવાલની વિગતો મુજબ વાવડી ગામનું આ જમીનો અંગેનું રેકર્ડ (રેવન્‍યુ રેકર્ડ) ખુબ જ મહત્‍વાનું હોઇ ગંભીરતાને ધ્‍યાને લઇ ફરિયાદ કરવામાં આવી છે. તેમ વધુમાં ફરિયાદી તરફથી જણાવાતાં પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એચ. વી. સોમૈયાએ ગુનો દાખલ કરાવતાં આગળની તપાસ શરૂ થઇ છે. પોલીસ છેલ્લા એકાદ મહિનાની સીસીટીવી ફૂટેજ ચેક કરવાની શરૂઆત કરશે. ઉલ્લેખનિય છે કે અગાઉ દસ્‍તાવેજોના પોટલા પરના સફેદ કપડા વોંકળા કાંઠેથી મળી આવ્‍યા હતાં.

(3:50 pm IST)