Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સોલાર વોટર હીટરની પાઇપ ફાટતાં દાઝી ગયેલા બેમાંથી એક છાત્ર ૧૩ વર્ષના મીત કોટડીયાનું મોત

પડધરીના મોટા રામપરમાં શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળમાં પાંચ દિવસ પહેલા બનાવ બન્‍યો હતો : રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપના દંપતિએ એકનો એક લાડકવાયો ગુમાવ્‍યોઃ બીજો છાત્ર સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: પડધરીના મોટા રામપર ગામે આવેલી શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળ ખાતે છ દિવસ પહેલા અગાસીએ સોલાર હિટરની પાઇપ ફાટતાં બે છાત્ર દાઝી ગયા હતાં. જે પૈકીના રાજકોટના તેર વર્ષના ધોરણ-૮ના છાત્રનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં પંકજભાઇ ભગવાનજીભાઇ કોટડીયાનો પુત્ર મીત (ઉ.વ.૧૩) મોટા રામપર ગામે શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળ ખાતે રહી ત્‍યાં ધોરણ ૮માં અભ્‍યાસ કરતો હોઇ ગત ૧૪/૩ના રોજ મીત તથા અન્‍ય એક છાત્ર ઓમ દિનેશભાઇ બુસા (ઉ.વ.૧૩) ગુરૂકુળની અગાસી પર ગયા ત્‍યારે સોલાર વોટર હીટરની પાઇપ અકસ્‍માતે ફાટતાં આ બંને છાત્ર દાઝી જતાં સારવાર માટે રાજકોટ વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

સારવાર દરમિયાન આજે મીત કોટડીયાએ દમ તોડી દેતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મીત માતા અલ્‍પાબેન અને પિતા પંકજભાઇનો એકનો એક પુત્ર હતો. પિતા ચાંદીકામની મજૂરી કરી ગુજરાન ચલાવે છે. લાડકવાયાના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતાં.

(3:23 pm IST)