Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગુરૂવાર ર૧ માર્ચના ઓશો સંબોધી દિવસ

જીવનને પ્રેમ કરતા શીખો કારણ કે પ્રેમ જ પરમાત્મા સુધી પહોંચવાનું દ્વાર છે : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સોમવારે એક દિવસીય ધ્યાન શિબિર

આજે દેશ વિદેશમાં ભગવાન રજનીશને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન વિચાર અને તત્વચિંતકના રૂપમાં અને ઓળખવામાં આવે છે. તે આ સદીના કદાચ સર્વાધિક ચર્ચાસ્પદ દાર્શિનિક કહી શકાય પોતાનો મૌલિક ચિંતન તથા સંદતર નવીન દૃષ્ટિકોણ અને સાથોસાથ પોતાની નિર્ભીક સ્પષ્ટવાદિતાના કારણે એમનુ વ્યકિતત્વ પ્રારંભથી જ વિવાદાસ્પદ રહ્યું છે અને આ જ સાહસ કે દુઃસાહસ તેમની અપાર લોકપ્રિયતા અને ઘોર વિરોધનું સમાન કારણ કહી શકાય તેમ છે.

આજે એક તરફ ભગવાન રજનીશના પ્રશંષકોમાં વિશ્વના કેટલાક લબ્ધ પ્રતિષ્ઠિત મનીષી, પ્રસિદ્ધ વૈજ્ઞાનીક, ઉત્કૃષ્ટ કલાકાર તથા કેળવીકારો છે. આ સિવાય પૃથ્વીના ખુણે-ખૂણામાં ફેલાયેલા એમના શ્રદ્ધાળું શિષ્યોની સંખ્યા પણ લાખોમાં છે. પરંતુ બીજી તરફ એમના કટ્ટર વિરોધીઓ નિરંતર ઝેરીલા પ્રચારમાં લાગેલા છે વિચાર અને અભિવ્યકિતની સ્વતંત્રતાના આ યુગમાં કોઇની સાથ ેમતભેદ કે અસહમતિની વાતો સમજી શકાય તેમ છે. પણ આશ્ચર્યને ખેદની વાત તો એ છે કે, મોટાભાગના લોકો ભગવાન રજનીશને સાંભળ્યા વિના, વાંચ્યા, વિના અને સમજયા વગર એમના વિરોધીઓની ભીડમાં ઘેટાની જેમ ભળી જાય છે. ને એમના પર નિરાધાર અને મનઘડંત આરોપ લગાવવામાં પણ સંકોચ કરતા નથી સાચી વાત તો એ છેકે ઓશો રજનીશ આધુનિક યુગના સૌથી વધારે વિવાદાસ્પદ જ નહિ. સર્વાધિક ખોટી રીતેસમજાયેલ (MOST MISUNDERSTOOD) વ્યકિત પણ છે.

સંસારમાં જે કોઇપણ વ્યકિતે ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, કલા, સંસ્કૃતિ, સમાજ કે રાજનીતી કોઇ પણ ક્ષેત્રમાં પરંપરાના ચીલા ચાતરીને કહેવાનું કરવાનું કે ચાલવાનું સાહસ ઉઠાવ્યું છે કે ભીડથી અલગ જઇને ઉભા રહેવાનું જોખમ ઉઠાવ્યું છે, એમનો રૂઢીગ્રસ્ત સમાજ દ્વારા સદૈવ પ્રબલ વિરોધ-પ્રતિરોધ થયો છે. એમને જાનથી મારી નાખવાના કુટીલ, કુત્સિત ષડયંત્રો રચાયા છે. કોઇને પથ્થરથી ગોળીથી મારી નાખવામાં આવ્યા છે. તો કોઇને દેશ નિકાલ કરવામાં આવ્યા છે. ઇતિહાસ સાક્ષી છે. કે મહાન પુરૂષોના જીવન કાળમાંં સમકાલીનો દ્વારા  હંમેશા એમનો ઉપહાસ કરવામાં આવ્યો છે એમનું સાચુ મુલ્યાંકન તો એમના મૃત્યુ પ્રશ્ચત જ શકય બને છે.આ જ વિશ્વના મહાન વિભૂતિઓની નિયતિ રહી છે. અને ઓશો રજનીશ પણ આ ત્રાસમાંથી બચી નથી શકયા.

વાસ્તવમાં જો ધ્યાન પૂર્વક વિચારવામાં આવે તો ઓશો રજનીશ કોઇ એક વ્યકિતનું નામ નથી પરંતુ એ જીવનદૃષ્ટિ, એક પ્રગતિશીલ આંદોલન એક ક્રાંતિકારી અભિયાન છે. ધર્મ અને સમાજની અસ્તવ્યસ્ત સમસ્ત રૂઢિયોની વિરૂદ્ધ ખુલ્લો વિદ્રોહ છે. રજનીશનો અર્થ છે. માનવતાને જાગૃત કરવાનો મનુષ્યને રૂપાંતરીત કરવાનો એક અતુટ સંકલ્પ, રજનીશ દરેક પ્રકારના પાખંડ અને ગુલામીની મનોવૃત્તિને લલકારનો એક નિર્ભીક પડકાર છે. રજનીશ પરંપરાનો ખંડિયરો ઉપર ખડો થયેલો નવા યુગનો સુત્રધાર છે તે માનવતાનો મૂકિતદાના છે મસીહા છે ે કોઇ ઉપરવાળાનું અવતરણ નથીકે નથીકોઇ પીર પયગંબર એ તો આ ધરતીમાંથી જ ઉદ્દભવેલું મનુષ્ય ચેતનાના ઉધ્વીકરણનું  સર્વોત્તમ શિખર છે.

આજે પર્વનું સ્વરૂપ ઘણુ વિકૃત થઇ ચુકયું છે શાસ્ત્રોકત વિધિવિધાન અને  આચાર સંહિતાઓને જ ધર્મનું લક્ષણ માની લેવામાં આવ્યું છે. ધર્મ આજે સંપ્રદાયની સંકીર્ણ સીમામાં સંકોરાઇ ગયો છે. એક અનંત પારાવાર હવે ગંધાતા સડેલા પડતર પાણીનું ખાબોચીયુ બની ગયો છે. આજ કેળવ કર્મકાંડ અને બાહ્માચારાથી જ ધર્મની ઓળખાણ છે. વ્રત-ઉપવાસ રાખવા, બ્રાહ્મણોને મોટા દાન દક્ષિણા દઇ યજ્ઞ-અનુષ્ઠાનનો કરાવવા, ધર્મગ્રંર્થોના અખંડ પાઠ તથા કિર્તન મંડળીઓને ભાડેથી બોલાવી વિશાળ જાગરણોના આયોજનો કરવા દેવ મંદિરો, ધર્મશાળાઓનું નિર્માણ, ગંગા સ્નાન અને તીર્થયાત્રાઓ આ બધુ આજ કાલ મનુષ્યને ધર્માત્મા બનાવવાનો અધિકાર આપે છે. આખો દિવસ ચોર બજારી કરવાવાળો, ગરીબોનું લોહી ચૂસવાવાળો સાંજે મંદિરે જઇ ભકિતનો ઢોંગ રચશે. આજે ધર્મના નામ પર હુલ્લડો થાય છે. નૃશંષ હત્યાઓ થાય છે. એક બીજાના ધર્મસ્થાનોનો નાશ કરવામાં આવે છે. આગ લગાવવામાં આવે છે. પંડિત હોય કે મૌલવી, પાદરી હોય ગ્રંથી, બધાયે ભેગા મળીને ઇશ્વરને વહેંચી લીધો છે, સૌએ પોતપોતાની હાટડી નાખી દીધી છે. દરેક પેઢી પોતાના ગ્રાહકોની ભીડ ભેગી કરવામાં લાગી ગઇ છે. ધર્મ આજે એક વ્યવસાય, એક શો, એક લીલામ, એક પ્રદર્શન બની ગયો છે.

ઓશો રજનીશ એવા ધર્મનું સમર્થન નથી કરતા કે જીવન વિરોધી હોય, સમાજ પ્રત્યે જવાબદારી છોડી મનુષ્ય પલાયનવાદી બની જાય તે એમને મંજૂર નથી. સાચો ધર્મ જીવન અને જગતનો નિષેધ નથી કરતો, જીવન પરમાત્માનું વરદાન છે અદભુત ઉપહાર છે. તેઓ કહે છે.

'જીવનને સમગ્રતાથી પુરી પ્રમાણીકતા અને તીવ્રતાથી જીવો, જીવનનો ભરપૂર આનંદ લો. જીવન અને જગતમાં જે કંઇ સત્ય, શિવ અને સુંદર છે તેનું સ્વાગત કરો, આસ્વાદન લો. જીવનને પ્રેમ કરતા શીખો કારણ કે પ્રેમ જ પરમાત્મા સુધી પહોંચવાનું દ્વાર છે.'

ઓશો રજનીશ પોથી નૈતિકતાને માત્ર દંભ માને છે, એમનું જીવન દર્શન ભૌતિકતાથી આધ્યાત્મિકતા તરફ, શરીરથી આત્મા તરફ અને સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા છે. તેઓ સંયમના વિરોધી નથી, પરંતુ તે સંયમ ઉપરથી બળપૂર્વક લદાયેલો ન હોવો જોઇએ. સમય સ્વતઃ સહજ હોય તો જ વરૈણ્ય છે. ધર્મ શાસ્ત્રો દ્વારા ઉપરથી લાદેલો સંયમ ઘણો ખતરનાક હોય છે. મનોવૈજ્ઞાનિક કહે છે, કામ, ક્રોધ, ધૃણા, હિંસા આદિ લાગણીઓને જેટલી દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તેમનામાં એટલી જ ઉંડી ઉતરતી જવાની છે. આ પરિસ્થિતીમાં બહારથી શાંત અને સંત દેખાતો માનવી ભીતર ધૃણા ક્રોધ અને કામ વાસનામાં સળગી રહ્યો છે. એટલે  ઇન્દ્રીયદમનથી લાભ નહીં હાની વધુ થવાની છે.

ઓશોની વ્યાખ્યા મુજબ ધર્મ એ જીવન અને જગતથી પલાયનનો માર્ગ નથી પણ ધર્મ તો અનુષ્યને પરિવર્તન અને રૂપાંતરણનો માર્ગ પ્રશસ્ત કરે છે. ધર્મ સંસારને દુઃખનું ઘર કે જીવનને નર્કનું દ્વાર માનીને એનો ત્યાગ કરવાનું કહેતો નથી. કારણ કેજો મન નહીં બદલાય તો માણસ દુર જંગલમાં કે પહાડમાં પણ જાય તો ત્યાં સંન્યાસી નહીં પણ સંસારી જ રહેવાનો છે. કેવળ વસ્ત્ર બદલવાથી વ્યકિત નથી બદલાતો. ધર્મ વાસ્તવમાં મનુષ્યને રૂપાંતરીત કરવાની કળા છે. સમ્યક જીવન જીવવાની  કળા છે. સંબોધિ દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ૧ દિવસીય ઓશો ધ્યાન શિબીરનું આયોજન કરેલ છે. સમય સવારે ૬ થી રાત્રીના ૮II.

 સ્વામિ સત્ય પ્રકાશના

પ્રેમ પૂર્ણ પ્રણામ

૯૪ર૭ર પ૪ર૭૬

(4:02 pm IST)