Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સાંજે હોળી દહન : કાલે રંગ પર્વ ધુળેટી મનાવાશે

દૈત્ય શકિત પર દૈવી શકિતના વિજયને ઉત્સવરૂપે વધાવવા લોકોના હૈયે ઉડતા આનંદના અબીલ ગુલાલ

બુરા ન માનો હોલી હૈ : આજે ફાગણ માસની પૂનમના હોળી મનાવાશે. કાલે એકમને પડવા તરીકે હુતાસણીના સ્વરૂપમાં રંગે રમીને ઉજવવામાં આવશે.  શાળા કોલેજોમાં કાલે રજા હોય આજે પૂર્વ દિવસે રંગ પર્વ ધૂળેટી મનાવવામાં આવી હતી. શાળા કોલેજના સ્ટાફગણે વિદ્યાર્થી ભાઇ બહેનોના ગાલે કપાળે અબીલ ગુલાલ અને કુમકુમથી તિલક કરી પ્રતિકાત્મક ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહમાં રંગની છોળો ઉડાડી ભરપુર આનંદ લુંટયો હતો. જેની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦ : આજે ફાગણ સૂદ પૂનમ! એટલે કે હોળી દહનનો દિવસ! શહેરભરમાં ચોકે ચોકે છાણાના ડુંગરા ગોઠવાઇ ગયા છે. ભકત પ્રહલાદ અને હોલીકાની કથાને યાદ કરી દૈત્ય સામે દેવોના વિજયની આ ઘડીને ઉત્સવરૂપે મનાવવામાં આવે છે.

આ નિમિતે હોલીકા દહન કરવામાં આવે છે. શહેરભરમાં ચોકે ચોકે હોળી દહનના આયોજનો થયા છે. સાંજે હોળી પ્રગટાવી સૌ કોઇ પ્રદક્ષિણાનો લ્હાવો લેશે. ખજુર, ધાણી, એલચી, કપુરનો હોમ કરાશે.

જયારે કાલે રંગોનો તહેવાર ધુળેટી મનાવાશે. રંગે રમવા સૌકોઇ આતુર બન્યા છે. મંદિરોમાં પણ ફુલડોલ ઉત્સવ ઉજવવાના આયોજનો થયા છે.

શહેરભરમાં હોળી-ધૂળેટી નિમિતે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

રોકડીયા હનુમાન ચોક

ગોકુલધામ રોડ પર આવેલ રોકડીયા  ચોકમાં રોકડીયા મિત્ર મંડળ દ્વારા હોલીકા મહોત્સવ નિમિતે 'હોલીકી શામ શહીદો કે નામ' કાર્યક્રમ આજે રાત્રે યોજવામાં આવેલ છે. લોકમેળા ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયા આગવી શૈલીમાં દેશભકિતના ગીતો રજુ કરશે. હોળી દહન કરી ધાણી, ખજુર, દાળીયાનો હોમ કરશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા રોકડીયા હનુમાન મિત્ર મંડળના પ્રમુખ રઘુભાઇ બોરીયા તેમજ કાર્યકરો, ભાવિકજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

ગીતા વિદ્યાલય ટ્રસ્ટ

જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિર પરિસરમાં કાલે તા. ૨૧ ના ગુરૂવારે ધૂળેટી નિમિતે ફલડોલ ઉત્સવ ઉજવાશે. ભગવાનને નવા વસ્ત્ર અલંકારો પહેરાવી દર્શનીય શોભા કરાશે. મહિલા સત્સંગ મંડળના ભજન સત્સંગ રજુ થશે. બપોરે ૧૨ વાગ્યે નાદધ્વની આરતી થશે. શુધ્ધ ઘી માં બનેલ પ્રસાદીનું ભાવિકોને વિતરણ કરાશે. ધર્મપ્રેમીજનોએ ઉપસ્થિત રહેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

નવા થોરાળામાં તિલક હોળી

જન આરોગ્ય શિક્ષણ સંસ્થાનના ડો. પ્રકાશકુમાર ચાવડાની યાદીમાં જણાવ્યા મુજબ કાલે ગુરૂવારે નવા થોરાળામાં વિજય નગર સોસાયટી, મહાશકિત હેલ્થ સેન્ટર ખાતે તિલક હોળી ઉજવાશે. અબીલ, ગુલાલ, કેસુડો, હળદર જેવા રંગોનો ઉપયોગ કરી પ્રતિકરૂપ તિલક કરી હોળી મનાવાશે.

સોમનાથ સોસાયટી-ર

૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જવાળી શેરી, સોમનાથ-ર ખાતે  આજે બુધવારે રાત્રે હોલીકા દહનનું આયોજન કરાયુ છે. રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા સતત ૨૧ માં વર્ષે ઉત્સવી કાર્યક્રમો રાખેલ છે. ડી.જે. લાઇવ ઓરકેસ્ટ્રાના સથવારે સૌ હોળી ઉત્સવ મનાવશે. તેમ મુન્નાભાઇ ધોળકીયા, નિરવભાઇ શુકલ, હરેશભાઇ પારવાણી, ભરતભાઇ ધોળકીયાની યાદીમાં જણાવાયુ છે.

શાળાઓમાં પૂર્વ દિને ધુળેટીની ઉજવણી

શહેરની વિવિધ શાળા કોલેજોમાં કાલે ધૂળેટીની રજા હોય આજે પૂર્વે દિવસે રંગે રમવાનો આનંદ મેળવ્યો હતો.

રંગો કા ત્યોહાર આયા હૈ, અપને સાથ ખુશીયા લાયા હૈ...

૬-ગાયકવાડીમાં ૧૧૦૦૦ છાણાની બેનમૂન હોળીઃ શહીદોને શ્રધ્ધાંજલી

રાજકોટ, તા. ૨૦ :. શ્રી રામ ગ્રુપ દ્વારા જંકશન પ્લોટ પાસેની ગાયકવાડી શેરી નં. ૬ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય હોળીનું આયોજન કરવામાં આવેલ છે. ૧૧ હજાર છાણા ઉપરાંત રંગબેરંગી રોશની અને સુશોભનથી સમગ્ર માહોલ ઉત્સવમય થઈ જશે. હોળી ઉત્સવમાં આ વખતે દેશભકિત આધારિત વિષય વસ્તુ છે. હોળી સ્થળે દેશપ્રેમના પ્રતીક સમાન ઝંડો રાખવામાં આવ્યો છે. ઉપરાંત સૈનિકના ચિત્રવાળી રંગોળી બનાવવામાં આવી છે. શહીદોને શ્રધ્ધાંજલી અપાશે. દેશભકિત અને હોળીને લગતા ગીતો વગાડવા અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. હોળી પ્રાગટય આજે રાત્રે ૧૦ વાગ્યે થશે. હોળી દર્શનનો સૌને લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે.

મનને રંગીએ દરરોજ પ્રભુ પ્રેમથી, જીવનને રંગી દઇએ દિવ્ય ગુણોથી

હો...ળી... અર્થાત જે વીતી ગયું તે વીતી ગયું...

ભારતમાં વિભિન્ન તહેવારોની કેવી આશ્ચર્યજનક રસમો છે? વિદેશીઓ વિચારે છે કે આ ભારતના લોકોની તહેવાર ઉજવવાની... ખુશી મનાવવાની રીત જ નિરાલી હોય છે. પરંતુ તેમને કયાં ખબર છે કે ભારત પરમાત્મ જન્મભૂમિ તેમજ કર્મભૂમિ છે. અહીં દરેક પર્વ પરમાત્માના કર્તવ્યની યાદમાં મનાવવામાં આવે છે.

પ્રત્યેક વર્ષની જેમ હોળીનો તહેવાર મનાવીશું પરંતુ અલૌકિક રીતે... હોળીના દિવસે સાંજે કે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે રંગેથી એકબીજાને રંગવુ... મિલન મનાવવુ તેમજ મીઠાઇ ખવડાવવામાં આવે છે. તમે જાણો છો કે આ તહેવાર ભારતીય વર્ષના ફાગણ માસની અંતિમતિથિ પૂર્ણિમાના રોજ મનાવવામાં આવે છે. આ બધા પાછળ કયું રહસ્ય છે? તેના પર અહીં સંક્ષિપ્તમાં પ્રકાશ પાડેલ છે.

પરમાત્મા શિવ આ ધરા પર કલ્પના અંતમાં એટલે કે કળિયુગના અંતે આવે છે, આ કલ્પ ચાર યુગોના ચક્રને કહેવામાં આવે છે. તેઓ આવીને મનુષ્યને રાજયોગ શીખવાડીને તેમના પાપોને યોગ અગ્નિમાં ભસ્મ કરાવે છે અને દિવ્યગુણોને ધારણ કરવા માટે જ્ઞાન આપે છે. તેની જ યાદમાં હોળી પ્રગટાવવામાં આવે છે. જે મનુષ્યાત્માઓ પરમાત્મ સંગમાં આવે છે તેના જીવનને તેઓ દિવ્યગુણોના રંગથી રંગે છે. ત્યારપછી આવે છે- નવયુગ - સતયુગ અર્થાત નવુ વર્ષ. બસ આ ગુહ્ય રહસ્યની યાદમાં પ્રતિ વર્ષ આ તહેવારને મનાવવામાં આવે છે.

આપણે આ વર્ષે ફકત હોળીના મનાવતાં સાચા અર્થમાં પાપકર્મોથી મુકત થવાનો સંકલ્પ કરીએ. સ્વયંનુ ચેકિંગ કરીએ કે મારા કર્મ પાપકર્મ બને છે? બીજાને દુઃખ આપવું તે સૌથી મોટુ પાપ છે. આનાથી બચીએ.... સત્ય તો એ છે કે કળિયુગના અંતિમ ચરણમાં દરેક મનુષ્ય આત્માની બેટરી લો થઇ જાય છે, ચારેય બાજુ દુઃખ, અશાંતિ, પાપાચાર વધી જાય છે. યથાર્થ જ્ઞાનથી અંજાન જાણે-અજાણે આ પાપની દુનિયામાં બધાં જ પાપ કર્મ કરે છે. કોઇ ઓછું તો કોઇ વધારે... ખોટુ બોલવું, પરચિંતન કરવું, કુદ્રષ્ટિ રાખવી, નકારાત્મક ભાવના રાખવી... વગેરે. તો આવો આ હોળી પર આવા પાપ કર્મની હોળી પ્રગટાવીએ અર્થાત પ્રતિજ્ઞા કરીએ કે આજથી હું કોઇ પાપ કર્મ નહી કરુ, પરંતુ પ્રતિદિન ઓછામાં ઓછા બે સત્તકર્મ કરીશ.

એક દિવસ ખુશી મનાવવાના બદલે... સંકલ્પ કરીએ- પ્રતિદિન મારે ખુશ જ રહેવુ છે. કોઇપણ વાત મારી ખુશીને નષ્ટ કરી શકે નહી. ખુશી મારી પર્સનલ પ્રોપર્ટી છે. આ સંપતિ પર મારો અધિકાર છે. કંઇ પણ થાય તો પણ ખુશી ગુમ ન થાય... સમસ્યા તો આવશે અને જશે, પરંતુ મારી ખુશી ન જાય.

કપડા રંગીએ દરરોજ પ્રભુ પ્રેમથી...

જીવનને રંગી દઇએ દિવ્ય ગુણોથી...

પરસ્પર પ્રેમ, સરળતા અને મધુરતારૂપી દિવ્યગુણોની પીચકારી એકબીજા પર છાંટીને અર્થયુકત હોળી મનાવીએ.

૧: પ્રેમઃ પ્રેમના સાગર પરમાત્માની આપણે સૌ બાળકો છીએ... આપસી વેરઝેર, નફરત, બદલાની ભાવનાને સમાપ્ત કરીએ... આત્મિક સ્નેહ, નિસ્વાર્થ સ્નેહ રાખીએ. સર્વ પ્રતિ શુભભાવના- શુભકામના રાખીએ. જયાં પ્રેમ છે ત્યાં એકતા છે. ત્યાં વાતાવરણમાં સૌહાર્દ અને અપનાપન છે.

૨: સરળતાઃ જેટલા સ્વભાવમાં સરળતા તેટલી જ દરેક કાર્યમાં સફળતા. જેટલી સરળતા એટલી સંબંધોમાં પણ સુસંવાદિતતા, દેહભાન- દેહ અભિમાન આપણને અકડુ બનાવે છે. જેનાથી સમસ્યા સર્જાય છે. મનમાંથી છલકપટને વિદાય આપીએ. સરળ સ્વભાવ જ એકબીજાને જોડી રાખે છે, તે બધાં સાથે હળીમળી જાય છે, તેને જીવન પ્રતિ કોઇ ફરીયાદ રહેતી નથી. જેમના વિચારોમાં સકારાત્મકતા છે તેઓ જ સરળ જીવન-ઉચ્ચ જીવન જીવી શકે છે.

૩: મધુરતાઃ સંબંધો ટકાવી રાખવા માટે બોલમાં મધુરતા જરૂરી છે. મધુરતા અર્થાત મીઠુ બોલવુ, સાચુ બોલવુ, મધુરભાષી વ્યકિત સર્વના પ્રિય બને છે. ગમે તેવા અઘરાં કાર્યને પણ મધુર વ્યવહારથી સંપન્ન બનાવી શકે છે. વાણીની શકિતને યથાર્થ ઉપયોગમાં લેવા- આ સ્લોગન યાદી રાખીએ.. કમ બોલો, ધીરે બોલો, મીઠા બોલો, સોચ સમજકર બોલો.

હોળીનો સહજ અર્થ છે- હો...ળી... અર્થાત જે વીતી ગયુ તે વીતી ગયુ... તેને ભુલી જાવ. આજના સમયની મુખ્ય માનસીક બીમારી છે- ઓવર થિંકિંગ. ભુતકાળની વાતોને ભુલી શકતા નથી. જુની વાતોને મનમાં પકડી રાખવાથી... મન ભારેપણાનો અનુભવ કરવા લાગે છે. જીવન અશાંત બને છે. વર્તમાનમાં જીવનનો આનંદ લઇ શકતા નથી. માટે વીતેલી વાતો કે ઘટનાઓને ભુલતા જઇએ. પકડવુ હોય તો સારી વાતોને પકડો. પરમાત્મા કહે છે કે - પ૦૦૦ વર્ષના સૃષ્ટિ નાટકમાં જે વીતી ગયુ તે ફરી ૫૦૦૦ વર્ષ પછી જ સામે આવશે. તો પછી તેને વારંવાર યાદ કરીને દુઃખી થવુ તે જ્ઞાની તુ આત્માની નિશાની નથી. આવો, આ વર્ષે હોળી પર જુની પુરાની વાતોની હોળી કરીએ... ખુદાદોસ્તની દિલની વાત સંભળાવીને હલ્કા થઇ જઇએ... તો સાથે સાથે ૬૩ જન્મના પાપ કર્મોને યોગ અગ્નિમાં ભસ્મ કરીને પવિત્ર આત્મા બની સાચા અર્થમાં હોળી મનાવીએ

- બ્રહ્મકુમારી ભારતીદીદી, રાજકોટ ફોન (૦૨૮૧) ૨૩૭૫૪૮૮

(3:58 pm IST)