Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વધુ હસો... ઈર્ષા ન કરો...

૨૦ માર્ચ આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે

શું તમારે જીવનમાં સુખી થવું છે ? આનંદમાં સતત રહેતા શીખવું છે ? આનંદી માણસની તંદુરસ્તી સારી રહે છે. એટલા માટે જ યુનાઈટેડ નેશને (યુએન) છેલ્લા પાંચ વર્ષથી ૨૦મી માર્ચને આંતરરાષ્ટ્રીય હેપીનેસ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.

આજે આપણે જીવનમાં ખુશ (હેપી) કઈ રીતે રહી શકાય તેની વાત કરીએ. ઘણા લોકો પૈસા અને સફળતા મળશે તો સુખી થઈ જશે તેમ માને છે, પણ પ્રસન્નતાને ભોગે મળતી સફળતા લાંબો સમય ખુશી નથી આપી શકતી. રેટ રેસમાં આપણે દોડતા જઈએ છીએ અને આપણને કઈ વસ્તુ કે પરિસ્થિતિમાં ખુશી મળે છે. તે ભુલીને ફકત મહત્વકાંક્ષા પાછળ દોડતા રહીએ છીએ. તો ખરેખર સુખી થવા, ખુશી મેળવવા શું કરવું જોઈએ ? તે આપણે જોઈએ.

- નાની નાની વાતોમાંથી પણ ખુશી મેળવો જેમ કે કોઈને સરપ્રાઈઝ પાર્ટી આપી તેને થતો આનંદ જોઈને આપણને ખૂબ ખુશી મળે છે. નાના બાળક સાથે થોડુ રમો કે ગમ્મત કરો, ગલીના ગલુડીયાને બિસ્કીટ આપીને કે કબુતરને ચણ નાખીને પણ અનેરો આનંદ મળે છે. જેને અંગ્રેજીમાં 'જોય ઓફ ગીવીંગ' કહે છે.

- તમે જેની સાથે રહો છો તેને સુધારવાને બદલે તેની સાથે અનુકુલન સાધો.. જેવા છે તેવા સ્વીકારી લો, તો તમે ખુશ રહી શકશો.

- હંમેશા વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભૂલો અને વર્તમાનની ચિંતા ન કરો, વર્તમાનમાં રહેવા માટે અને આપણા વિચારોને કંટ્રોલ કરવા ખાનપાન મેડીટેશન ખૂબ ઉપયોગી છે.

- તમારા શ્વાસ અને ઉચ્છશ્વાસને જોવાની પ્રેકટીશ કરો, દર કલાકે ફકત ત્રણથી ચાર મીનીટ આ પ્રેકટીશ કરો.

- દિવસમાં ૧ કલાક તમારા શોખને માણો, તમારી જાત માટે કશુંક કરો.. ડાન્સ, મ્યુઝીક, ડ્રોઈંગ, ગીતો, વાંચન વિગેરે શોખ હોય તો તેને સમય આપો.

- શમતા ભાવ કેળવો - પરિસ્થિતિને કે કોઈ માણસને તમારી ખુશી કે દુઃખનો રીમોટ કંટ્રોલ ન આપો. કોઈ વખાણ કરે ને ખુશ ખુશ થઈ જઈએ અને જરાક નિંદા કરે તો દિવસો સુધી દુઃખી રહીએ તે મનોવૃતિમાંથી બહાર આવો. વિપસ્યના મેડીટેશન શમતા ભાવ કેળવવામાં ખુબ મદદરૂપ સાબિત થઈ છે. તેનાથી ગુસ્સા ઉપર પણ ખૂબ કંટ્રોલ આવે છે.

- જીવનમાં બીજા માટે સતત કંઈક કરતા રહો, જે મળ્યુ છે તેના માટે ઈશ્વરનો આભાર માનતા રહો, કહેવાય છે કે 'Gratitude is the best Attitude'

- જીવનની દરેક ક્ષણ આનંદમાં પસાર કરવી છે તે સ્વીકારો. કંઈક રચનાત્મક કાર્ય રોજ કરતા રહો. તમને કઈ વસ્તુ કે માણસ સાથે આનંદ મળે છે તે જુઓ અને તે માટે પ્રયત્ન કરો, ખુશીઓને વહેંચતા શીખો.

- સારા શ્રોતા બનો, સજાગ થઈને દૈનિક ક્રિયા કરો (માઈન્ડકુલનેસ), જમતા હોય તો ખોરાકનો સ્વાદ, સુગંધ, જીભ સાથેનો સ્પર્શ વિગેરે અનુભવો, આનાથી રીલેક્ષ રહી શકાય છે તેની વારંવાર પ્રેકટીશ કરો.

-  તમારા સુખ અને દુઃખ માટે તમે પોતેજ જવાબદાર છો તે સ્વીકારો આપણે પ્રતિક્રિયા ન કરીએ તો માણસ કે પરિસ્થિતી આપણું કશુ જ બગાડી શકતી નથી અને આપણે આનંદમાં રહી શકીએ છીએ. પ્રતિક્રિયા ન આપવાની પ્રેકટીશ કરો, કોઇ આપણા પર આરોપ મુકે કે ગુસ્સે થાય સામે તમે પણ પ્રતિક્રિયા કરતા રહેશો તો ગુસ્સો જ વધશે. આપણે સાચા હોય તો શાંતિપુર્વક, દ્રઢતા સાથે આપણા પોઇન્ટ, દલીલ રજુકરી શકાય, ગુસ્સો સોૈથી પહેલા આપણનેજ નુકશાન કરે છે.

 વધુ હસો, ઇર્ષા ન કરો, બીજા સાથે સરખામણી ન કરો, પૌષ્ટિક ખોરાક, પુરી ઉંઘ,  ધ્યાન (મેડીટેશન) અને કસરતને તમારા જીવનમાં યોગ્ય સ્થાન આપો. ચિંતા, રોગ અમેરીકાના મેન્ટલ હેલ્થ બજેટ નાં ૧/૩ ભાગ લઇ જાય છે ૪૨ બીલીયન્ટ ડોલર યુએસમાં ચિંતા રોગ ની આશરે કિંમત માનવામાં આવે છે. દરવર્ષે પ્રગટ થતા આંકડા  પ્રમાણે હેપીનેસ ઇન્ડેક્ષમાં ભારતનો ક્રમ ૧૩૩ મો છે, ૧૫૬ દેશમાં ટ્રીનલેન્ડ, નોર્વે, સ્વીઝરલેન્ડ,ડેનમાર્ક, વિગેરે ૧ થી ૧૦ ના ક્રમમાં આવે છે. ગયા વર્ષે ભારતનો ક્રમ ૧૨ હતો જયારે આ વર્ષે ૧૩૩ મો છે. ભોૈતિક સુખ વિકાસ કદાચ થયેલ હશે, પણ લોકોમાં રહેલ સુખ કે ખુશીનું પ્રમાણ ઘટેલ છે.

આવો આજે આપણે સંકલ્પ કરીએ કે હું મારી જાતને તથા મારી આજુબાજુના લોકોને સુખી કરવા પ્રયત્ન કરીશ, આ માટે યોગ્ય અનુકરણ, સ્વીકાર, ઇર્ષાવૃતી છોડવી, ક્ષમાભાવ, કરૂણા, નિયમીત કસરત ધ્યાન (મેડિટેશન) ગુસ્સાનો કંટ્રોલ, ઉદારતા, થોડુ જતુ કરવાની વૃતિ, વિગેરે આપણે કેળવવા પડશે, અને આનાથી સોૈથી વધુ ફાયદો આપણને જ થશે. આપણા માટે જ આ કરવાનું છે કોઇ પર ઉપકાર કરવા નથી કરવાનું.

આપણે ઇચ્છીએ કે  ૨૦મી માર્ચનો આ '' હેપીનેસ ડે'' આપણા જીવનમાં પણ ખુશીઓ થોડી વધારવામાં નિમીત બને...

- ડો. પરેશ શાહ (મનોચિકિત્સક)

ફોનઃ ૦૨૮૧-૨૨૨૨૫૨૨-રાજકોટ

(3:36 pm IST)