Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વડોદરાની ઘટનાનો રાજકોટમાં ઘેરો પડઘોઃ કોર્ટોની કામગીરી ઠપ્પ

રાજકોટના વકીલોએ ઉગ્ર દેખાવો કરતાં ડીસ્ટ્રીકટ કોર્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયોઃ ભારે સુત્રોચ્ચાર કરીને વકીલોએ રામધુન બોલાવીઃ વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર

રાજકોટ :વડોદરાના વકીલો ઉપર પોલીસ દમનના વિરોધમાં આજે રાજકોટના વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહીને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રસ્તુત તસ્વીરમાં બાર એસો.ના ઉપપ્રમુખ બકુલભાઇ રાજાણી, એડવોકેટ નિરવ પંડયા, જીતેન્દ્ર ગોસ્વામી, શ્યામલ સોનપાલ, અશોકસિંહ વાઘેલા, જીજ્ઞેશ જોષી, હેમલ ગોહેલ, વિગેરે દર્શાય છે. નીચેની તસ્વીરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વકીલો દર્શાય છે. (તસ્વીર :સંદીપ બગથરીયા)

 

રાજકોટ તા. ર૦ ઃ.. વડોદરાના વકીલો ઉપર થયેલા પોલીસ દમનના રાજકોટમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે. આજે રાજકોટ બાર એસો. દ્વારા વકીલોને કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહેવા થયેલા ઠરાવનાં અનુસંધાને વકીલોએ ભારે સુત્રોચ્ચાર કરી આ ઘટનાનો વિરોધ કરીને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને કોર્ટોની કામગીરી થંભાવી દીધી હતી.

દરમ્યાન રાજકોટ બાર એસો.ના હોદેદારો દ્વારા કોર્ટોની કામગીરી ચાલુ હોય બાર એસો.નો ડીસ્ટ્રીકટ જજ ને ઠરાવ આપવા ડીસ્ટ્રીકટ જજ દ્વારા બાર એસો.નો ઠરાવ તેઓને માન્ય નહિ હોવાનું જણાવતાં વકીલોમાં આ મુદ્ે ભારે વિરોધ પ્રદર્શિત કરી સુત્રોચ્ચાર કરીને રામધુન બોલાવી હતી.

દરમ્યાન કોર્ટ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓનો કાફલો સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટમાં આવી પહોંચ્યો હતો. અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ લખાય છે. ત્યારે પણ આ તનાવભરી સ્થિતિ ચાલુ હોય પોલીસ બંદોબસ્ત વચ્ચે વકીલો દ્વારા વકીલ એકતા ઝીંદાબાદ સહિતના સુત્રો પોકારીને રામધુન બોલાવી હતી. કોર્ટ દ્વારા વકીલોને એવુ કહેવાય હતું કે, રાજકોટ બાર એસો.નો ઠરાવ અમોને બંધન કર્તા નથી બાર એસો.નો ઠરાવ વકીલોને લાગુ પડે છે.

વડોદરામાં વકીલો ઉપર પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જના વિરોધમાં આજે રાજકોટ બાર એસો.એ વડોદરાના વકીલોના ટેકામાં ઠરાવ કરીને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતાં.

વડોદરા કોર્ટ સંકુલમાં વકીલો અને ડીસ્ટ્રીકટ જજ વચ્ચે બેઠક વ્યવસ્થાના મુદ્ે મનદુઃખ થયા બાદ તનાવ વધતાં પોલીસે  વિરોધ કરી રહેલા વકીલો ઉપર લાઠીચાર્જ કર્યો હતો.

આ બનાવનો સમગ્ર ગુજરાતભરના વકીલોમાં ઘેરો પ્રત્યાઘાત પડયો છે. આ ઘટનાના વિરોધમાં રાજકોટ બાર એસો. એ એક ઠરાવ કરીને બનાવને વખોડી કાઢયો હતો. અને તેના સમર્થનમાં આજે રાજકોટના વકીલોએ વિરોધ પ્રદર્શિત કરીને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલ હોય બાર એસો.ના ઠરાવ મુજબ રાજકોટના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતાં.

આ બનાવ અંગે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોમાં પણ વિરોધ થઇ રહ્યાનું જાણવા મળે છે. રાજકોટમાં વકીલોએ સુત્રોચ્ચાર કરીને આ બનાવનો ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

બરોડા (વડોદરા) શહેરમાં બનેલ નવા કોર્ટ સંકુલમાં ત્યાંના વકીલો ડીસ્ટ્રીકટ જજશ્રીને નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા અંગે રજૂઆત કરવા ગયેલા ત્યારે ડીસ્ટ્રીકટ જજ શ્રી તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ મળેલ નહી અને વકીલો રજૂઆત કરતા હતા ત્યારે પોલીસ બોલાવેલ અને વકીલો ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલ અને તેમાં ઘણા વકીલોને ઇજાઓ થયેલ હોય ઉપરોકત બનાવને રાજકોટ બાર એસોસીએશનની કારોબારી  કમીટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે વકીલો ઉપર થયેલ અમાનુશી લાઠીચાર્જની ઘટનાને દુઃખદ ગણાવેલ છે.

ઉપરોકત ઠરાવને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અનિલભાઇ આર. દેસાઇ, ઉપપ્રમુખ બકુલભાઇ રાજાણી, સેક્રેટરી દીલીપભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્વિનભાઇ ગોસાઇ, લાયબ્રેરી સેક્રેટરી જતીનભાઇ ઠક્કર તથા કારોબારી સભ્ય સર્વે સંદીપભાઇ  વેકરીયા, અજયભાઇ પીપળીયા, નીશાંતભાઇ જોશી, રોહીતભાઇ ઘીઆ, સંજયભાઇ જોશી, કૌશીકભાઇ વ્યાસ, ગૌરાંગભાઇ માંકડ, નીરવભાઇ પંડયા, એન્જલ  સરધારા, મીનાક્ષીબેન ત્રિવેદી એ સમર્થન આપેલ છે. આ ઠરાવની નકલ બરોડા બારના પ્રમુખ, સેક્રેટરીને મોકલવાનું ઠરાવવામાં આવે છે. (પ-૧૯)

(4:13 pm IST)