Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

આવતા રવિ- સોમ- મંગળ ગરમીનો પારો ૪૦ને વટાવશે

આ સપ્તાહના પાછલા દિવસોમાં તાપમાનમાં વધારો થશે :અશોકભાઈ પટેલઃ બુધથી શુક્ર છુટાછવાયા સ્થળોએ ઝાકળવર્ષા, ૨૪મીએ પશ્ચિમના સિમિત વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળશેઃ તા.૨૦ થી ૨૩ સુધી ૩૪ થી ૩૭ ડિગ્રી (નોર્મલ આસપાસ) અને તા.૨૫ થી ૨૭ સુધી પારો ૩૮ થી ૪૧ ડિગ્રીએ પહોંચી જશે

રાજકોટ, તા. ૨૦ :સૌરાષ્ટ્ર - કચ્છ ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ આસપાસ જોવા મળે છે ત્યારે આ સપ્તાહના અંત અને આગામી સપ્તાહના પ્રારંભમાં ગરમીનો પારો આ સીઝનમાં સૌપ્રથમ વખત ૪૦ ડિગ્રીને પાર કરી જશે. બુધથી શુક્ર છૂટાછવાયા સ્થળોએ ઝાકળવર્ષા તેમજ ૨૪મીએ પશ્ચિમના સિમિત વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળશે. તા.૨૦ થી ૨૭ (મંગળથી મંગળ) દરમિયાન વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલની આગાહી દરમિયાન તા.૨૦ થી ૨૩ (મંગળથી શુક્ર) મહત્તમ તાપમાન ૩૪ થી ૩૭ ડિગ્રી અને તા.૨૫ થી ૨૭ (રવિથી મંગળ) દરમિયાન ગરમીનો પારો ૩૮ થી ૪૧ ડિગ્રીએ પહોંચી જશે તેમ જણાવ્યુ હતું.

 

તેઓએ જણાવેલ કે ગત સપ્તાહે આપેલી આગાહી મુજબ મહત્તમ તાપમાન ૩૫ થી ૩૮ ડિગ્રી આસપાસ રહેશે તેમ જણાવેલ. ગઈકાલે તાપમાન નોર્મલથી ૧-૨ ડિગ્રી નીચુ જોવા મળેલ. જેમ કે અમદાવાદમાં ૩૪.૩ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ), અમરેલી ૩૬.૪ (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ), ભુજ ૩.૬ (નોર્મલ), રાજકોટ ૩૫ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ), સુરત-૩૪.૮ (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ) આમ હાલમાં નોર્મલ તાપમાન ૩૬ થી ૩૭ ડિગ્રી ગણાય. તેઓએ વધુમાં જણાવેલ કે તા.૧૭-૧૮-૧૯ દરમિયાન છૂટાછવાયા વાદળો જોવા મળશે તે મુજબ વાદળો થયા પણ ગુજરાતમાં કયાંક છૂટાછવાયા સ્થળોએ છાંટાછૂટી અને ઝાપટા પણ પડેલ. આજે સવારે રાજકોટ શહેરમાં ઝાકળવર્ષા જોવા મળી હતી.

અશોકભાઈ આગાહી અંગે જણાવે છે કે તા.૨૧ થી ૨૩ (બુધથી શુક્ર) દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ઝાકળવર્ષા ચાલુ રહેશે. તા.૨૪ના સૌરાષ્ટ્રના સિમિત વિસ્તાર એટલે કે પશ્ચિમી ભાગોમાં ઝાકળ જોવા મળશે.

જયારે તા.૨૦ થી ૨૩ દરમિયાન મહત્તમ તાપમાન ૩૪ થી ૩૭ ડિગ્રીની રેન્જમાં રહેશે. જે નોર્મલ અથવા નોર્મલથી નીચુ ગણાય. તા.૨૪ના તાપમાન નોર્મલને વટાવી જશે. ૩૭ થી ૩૯ ડિગ્રી વચ્ચે જોવા મળશે અને તા.૨૫ થી ૨૭ વચ્ચે તાપમાનની રેન્જ ૩૮ થી ૪૧ ડિગ્રી વચ્ચે પહોંચી જશે. જે નોર્મલથી ૨ થી ૫ ડિગ્રી ગણાશે.

 

(3:57 pm IST)