Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કોંગ્રેસના કેટલાક ખેરખાંઓ કેસરિયાના મૂડમાં

કાલે રાજકોટના રાજકારણમાં ગરમાવો સર્જાશે : પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન, પૂર્વ સમિતી ચેરમેન, પૂર્વ કોર્પોરેટરો સહિતના ત્રણથી ચાર આગેવાનો મુખ્યમંત્રીના હસ્તે કેસરિયો ખેસ પહેરી કોંગ્રેસને રામ-રામ કરશે તેવી અફવાઓનું બજાર ગરમ

રાજકોટ, તા. ૨૦ :. મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામુ હવે બે-ત્રણ દિવસમાં જ પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે ત્યારે ભાજપ-કોંગ્રેસના આંતરિક રાજકારણમાં સખળ-ડખળ શરૂ થઈ ગયાનું અને આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવનાર છે, ત્યારે તેઓની હાજરીમાં જ કોંગ્રેસના કેટલાક સ્થાનિક મોટાગજાના નેતાઓના ભાજપ પ્રવેશની અફવાઓનું બજાર ગરમ થઈ છે, ત્યારે કાલે રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો સર્જાવાના એંધાણ છે.

સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ કોંગ્રેસના પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન તેમજ ગત ટર્મના જ પૂર્વ મહિલા કોર્પોરેટર ઉપરાંત અન્ય એક પૂર્વ મહિલા કોર્પોરેટર તથા તેમના ટેકેદારો સહિત સેંકડો કોંગી કાર્યકરો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવા થનગની રહ્યા છે.

દરમિયાન ભાજપના ટોચના સૂત્રોએ પણ આ બાબતને સમર્થન આપતા જણાવેલ કે 'કોંગ્રેસના કેટલાક મોટા ગજાના નેતાઓ ભાજપ હોદેદારોના સંપર્કમાં છે અને આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આ કોંગી નેતાઓના ભાજપ પ્રવેશ માટેનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.

આમ આવતીકાલે રાજકોટના રાજકારણમાં ખળભળાટ થવાના નિર્દેશો મળી રહ્યા છે.

નોંધનીય છે કે ચૂંટણી વખતે આ પ્રકારના ફેરફારો સ્વાભાવિક છે કેમ કે પોતાના પક્ષની નીતિથી નારાજ થયેલા કાર્યકરો અન્ય પક્ષ તરફ દોટ મુકે છે. હજુ ટીકીટ ફાળવણી બાકી છે. ઉમેદવારોની પસંદગી બાદ કોંગ્રેસ અને ભાજપથી નારાજ કાર્યકરો આમ આદમી પાર્ટી જેવા ત્રીજા મોર્ચાનો હાથ પકડે તેવુ બનવાની પણ પુરી સંભાવના છે.

(3:51 pm IST)