Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જૈન વિઝનના ગરબામાં સમગ્ર સમાજ એકસૂત્રથી જોડાય : શ્રેષ્‍ઠીઓની હાકલ

નવરાત્રી મહોત્‍સવ તો સોનમ ગરબામાં જ ઉજવવાની નેમઃ જૈન પરંપરાઓનું અનુસરણ અને જૈન ફૂડસ્‍ટોલ એ મુખ્‍ય વિશેષતા

રાજકોટઃ નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્‍સાહ વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારીને લીધે બે વર્ષ કોઈ ખેલૈયાઓ મેદાનમાં ગરબા રમી શકયા ન હતા પણ આ વખતે મેદાનમાં ગરબા રમવા માટે બધા સજ્જ થઈ ગયા છે. સામાજિક સંસ્‍થા જૈન વિઝન દ્વારા ખેલૈયાઓની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને સોનમ ગરબાનું આયોજન કર્યું છે અને રાજકોટના જૈન સમાજના શ્રેષ્‍ઠીઓએ એક જાહેર નિવેદનમાં સમગ્ર જૈન સમાજને આ બિન વ્‍યવસાયિક નવરાત્રી મહોત્‍સવમાં  જોડવા અનુરોધ કર્યો છે.
જૈન વિઝન દ્વારા આ વખતે ૧૫૦ ફૂટ રોડ ઉપર શીતલ પાર્ક ચોકડી પાસે જનીશભાઈ અજમેરાના ગ્રાઉન્‍ડમાં વિશાળપાયે આયોજન કરવામાં આવ્‍યુ છે.
રાજકોટના જૈન સમાજના શ્રેષ્ઠીઓ સર્વ શ્રી જ્‍યોતિન્‍દ્ર મેહતા અમિનેષ રૂપાણી અનિલભાઈ દેસાઈએ વગેરેએ એક નિવેદનમાં રાજકોટના જૈન સમાજના સૌ ભાઈ-બહેનોને આ સોનમ ગરબા નવરાત્રિ મહોત્‍સવનો હિસ્‍સો બનવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જૈન વિઝન હમેશા જૈન સમાજ માટે કાર્યક્રમો કરતી સંસ્‍થા છે અને આજે માતાજીની આરધનાના પર્વ નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કર્યું હોય ત્‍યારે તેમની સાથે જોડાઈ જવાની અને આ પર્વ ઉજવવાની આપણી ફરજ છે.
આ આગેવાનોએ કહ્યું હતું કે, આ સોનમ ગરબામાં બહેનો તદ્દન વિનામુલ્‍યે નવે નવ દિવસ રાસ ગરબા રમી શકશે અને ભાઈઓ માટે પણ ટોકન ફી રાખવામા આવી છે. જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં ખેલૈયાઓને જે સુવિધા મળે છે તે જ સાબિત કરે છે કે, આ આયોજન સંપૂર્ણપણે બિનવ્‍યવસાયિક છે.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી (મો.૯૮૨૪૨ ૯૪૫૩૧)એ સતત પાંચમા વરસે જૈન વિઝનના સોનમ ગરબામાં વિશ્વાસ દાખવવા બદલ સમગ્ર  જૈન સમાજનો આભાર માન્‍યો છે. તેમણે કહ્યું છે કે, જૈન વિઝનનું આયોજન ફક્‍ત અને ફક્‍ત જૈન સમાજ માટે જ થાય છે અને દર વરસે તેને બહોળો પ્રતિસાદ મળે છે. આ વખતે પણ અલગ અલગ જગ્‍યાએથી ફોર્મનું વિતરણ પૂરજોશમાં થઈ રહ્યું છે અને ખાસ કરીને જૈન સમાજનું યુવા ધન આ સોનમ ગરબામાં ઝૂમી ઉઠવા માટે થનગની રહયુ છે.

 

(3:47 pm IST)