Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્‍ટી-ઉબકા કરી ચોરી કરતી ‘રિક્ષાગેંગ'ને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધીઃ ૨૦ ગુના ઉકેલાયા

અઢી મહિનાના ગાળામાં તમામ ગુના આચર્યાઃ સીસીટીવીમાં આવી ન જવાય એનું ખાસ ધ્‍યાન રાખતાં: ૯ મોબાઇલ મળી ૮૯ હજારનો મુદ્દામાલ કબ્‍જે : માધાપરના જીજ્ઞેશ ઉર્ફ જીગો, બજરંગવાડીના કામરૂ મકવા, પરાપીપળીયાના સાહિલ મુખીડા અને મુળ મુળી ગામના જયદિપ ઉર્ફ જયુ પરમારને દબોચી લેવાયાઃ પકડાયા એ પૈકીનો જીગો અગાઉ હત્‍યામાં સંડોવાયો હતોઃ સાહિલ લૂંટ સહિતના ત્રણ અને કામરૂ દારૂના ગુનામાં પકડાયો હતો

 ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી.ધોળાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણની ટીમની કામગીરીઃ અમિત અગ્રાવત, પ્રદિપસિંહ જાડેજા અને કુલદિપસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૧૯: શહેરમાં ઉપાડો લઇને ઉઠેલી ‘રિક્ષાગેંગ'ને અંતે ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે. આ ગેંગના ચાર શખ્‍સોને પકડી લઇ નવ મોબાઇલ ફોન, રિક્ષા કબ્‍જે કરાયા છે. આ ટોળકીએ શહેરભરમાં છેલ્લા અઢી મહિનામાં વીસ ગુના આચરી ફફડાટ ફેલાવી દીધો હતો. જેમાં સોળ ગુનામાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્‍યું હતું એવા હતાં. ઝડપાયેલા ચાર પૈકીમાં એક શખ્‍સ અગાઉ હત્‍યામાં તથા એક શખ્‍સ લૂંટ સહિતના ત્રણ ગુનામાં અને એક દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ. જે. હુણ અને ટીમના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે અમિતભાઇ અગ્રાવત, પ્રદિપસિંહ જાડેજા અને કુલદિપસિંહ રાણાને મળેલી બાતમી આધારે ચાર શખ્‍સો જીજ્ઞેશ ઉર્ફ જીગો મયાભાઇ સિંધવ (ભરવાડ) (ઉ.૨૨-રહે. માધાપર ચોકડી, મનહરપુર-૧, દ્વારકાધીશ પંપ સામે), કામરૂ કાસમભાઇ મુખીડા (સીદી બાદશાહ) (ઉ.૨૩-રહે.બજરંગવાડી-૩, પૂજા પાનવાળી શેરી), સાહિલ મનસુખભાઇ મુખીડા (ખોજા) (રહે.  પરા પીપળીયા ગામ એકતા સોસાયટી-૬, ક્‍વાર્ટર નં. ૨૧૨) તથા જયદિપ ઉર્ફ જયુ ઉમેશભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.૨૦-રહે. ગ્રીનલેન્‍ડ ચોકડી, જંકશન પોલીસ ચોકી આસપાસ, અથવા કોઇ પૂલની નીચે, ફૂટપાથ પર, મુળ ગામ મુળી)ને રિક્ષામાં નીકળતાં પકડી લીધા હતાં.

આ શખ્‍સો પાસેથી નવ અલગ અલગ મોબાઇલ ફોન મળતાં પુછતાછ થતાં પહેલા તો પોતાના હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ આ ચારેય મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્‍ટી ઉબકાના નાટક કરી ધક્કામુક્કી કરી મોબાઇલ, રોકડ ચોરી લેતાં હોવાની પાક્કી બાતમી મળી હોઇ આકરી પુછતાછ થતાં ચારેયએ વીસ ગુનાની કબુલાત આપી હતી. જે પૈકીના ચાર ગુનામાં ફરિયાદ નોંધાઇ હતી અને સોળ ગુનામાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવવાનું ટાળ્‍યું હતું.

આ ચારેય પાસેથી મોબાઇલ ફોન, પચાસ હજારની રિક્ષા મળી રૂા. ૧,૦૯,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.  આ ચારમાં જીજ્ઞેશ ઉર્ફ જીગો, કામરૂ અને સાહિલ રિક્ષા ડ્રાઇવીંગ કરે છે. આ ઉપરાંત સાહિલ કરિયાણાની દૂકાનમાં પણ કામ કરે છે. જ્‍યારે જયદિપ ઉર્ફ જયુ ભીખ માંગી ગુજરાન ચલાવે છે. ચારેય રિક્ષા લઇ અલગ અલગ રસ્‍તા પર નીકળી મુસાફરોને વચ્‍ચે બેસાડી ધક્કા મુકી કરી ઉલ્‍ટી ઉબકાનું કે થુંકવાનું નાટક કરી મુસાફરનું ધ્‍યાન ભંગ કરી પર્સ, મોબાઇલ કે બીજી ચીજવસ્‍તુ ચોરી લઇ રિક્ષા થોડે આગળ જઇ ઉભી રાખી મુસાફરને ઉતારી મુકતાં હતાં. ઘણીવાર તો મુસાફરને જ્‍યાં જવાનું હોય ત્‍યાં પહોંચાડી દેતાં અને મુસાફર ઉતરે ત્‍યારે તેને ચોરી થઇ ગયાની ખબર પડતી હતી.

આ ચારેયએ ૨૦ ગુનાની કબુલાત આપી છે. આ તમામ ગુના છેલ્લા અઢી મહિનામાં આચર્યા છે. બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્‍ચે મુસાફરનો મોબાઇલ ફોન, રાજકોટ અમદાવાદ હાઇવે કોઠારીયા  રીંગ રો ડવચ્‍ચે મોબાઇલ, પીઠડ ગામથી રાજકોટ યાર્ડ સુધીના રસ્‍તા પર મુસાફરના ખિસ્‍સામાંથી રૂા. ૪૪૫૦૦, રૈયા ટેલિફોન એક્ષચેન્‍જથી ઇન્‍દિરા સર્કલ સુધીમાં એક મુસાફરનો રીયલ મી ફોન, ૧૫૦ રીંગ રોડ નાના મવા સર્કલથી ગોડલ રોડ ચોકડી સુધીમાં રૂા. ૪૫૦૦, ભુતખાના ચોકથી ત્રિકોણબાગ સુધીમાં રૂા. ૪૫૦૦, આ રૂટ પર જ અન્‍ય મુસાફરના રૂા. ૧૫૦૦, રેલનગર રોડ પર રૂા. ૧૦૦૦, જન્‍માષ્‍ટમીના તહેવાર પર અટીકા ફાટકથી ગોંડલ ચોકડી સુધીમાં ૧૦૦૦, હોસ્‍પિટલ ચોકથી કેસરી પુલ સુધીમાં ૧૧૦૦, ત્રિકોણ બાગથી જ્‍યુબીલી ગાર્ડન સુધીમાં રૂા. ૮૦૦, ગ્રીનલેન્‍ડ ચોકડીથી મોરબી રોડ સુધીમાં રૂા. ૨૫૦૦, સાત હનુમાનથી ગ્રીનલેન્‍ડ સુધીમાં એક મુસાફરના ૩૦૦૦, કેકેવી ચોકથી કોટેચા ચોક, ત્રિકોણબાગથી યાજ્ઞિક રોડ, કુવાડવા રોડથી બેટી ગામ સુધીમાં, ગોંડલ રોડ ચોકડીથી એસટી વર્કશોપ સુધીમાં, મોરબીથી વાંકાનેર સુધીના માર્ગ પર તેમજ કાલાવડ રોડથી મેટોડા ગેઇટ સુધી અને ગોંડલ રોડ ચોકડીથી શાપર સુધીમાં મુસાફરોના ખિસ્‍સામાંથી ૪૫૦થી માંડી આઠ હજાર સુધીની રોકડ સેરવી લીધી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ ઘનશ્‍યામભાઇ મેણીયા, હેડકોન્‍સ. અમિતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, કોન્‍સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, કુલદિપસિંહ રાણા, પ્રદિપસિંહ  જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(3:41 pm IST)