Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

બાબરીયા કોલોની ક્‍વાર્ટરમાંમાં ‘ટિકીટ' તરીકે ઓળખાતા નામીચીન ત્રણ ભાઇઓનો હુમલોઃ ત્રણ ઘાયલ થયા

સૂરજ ખાંટ, તેના માતા રેખાબેન ખાંટ અને મામા પપ્‍પુભાઇને તલવાર-છરીથી ઘાયલ કરાયાઃ સૂરજ બાવકા સાથે વાત કરતો હતો ત્‍યારે તેને દિનેશે તું કેમ મારા ભાઇ બાવકાની કેમ ચઢામણી કરે છે? કહી ઝઘડો કર્યો

રાજકોટ તા. ૧૯: બાબરીયા કોલોની ત્રણ માળીયા ક્‍વાર્ટરમાં નામચીનની છાપ ધરાવતાં નાની ટિકીટ તરીકે ઓળખાતા શખ્‍સ સાથે ક્‍વાર્ટરમાં જ રહેતો ખાંટ યુવાન વાતો કરી રહ્યો હતો ત્‍યારે નાની ટિકીટના ભાઇએ આવી જઇ ‘તું મારા ભાઇની ચઢામણી કરે છે' કહી ખાંટ યુવાનને લાફા મારી દેતાં અને તેના માતા અને મામા બચાવવા આવતાં મામાને બેઠક પર છરી ઝીંકી દઇ તેમજ મા-દિકરાને તલવારથી ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ બાબરીયા કોલોની ત્રણ માળીયા ક્‍વાર્ટરમાં રહેતો સુરજ ખાંટ (ઉ.૨૪) અને તેના માતા રેખાબેન ખાંટ (ઉ.૪૦) તથા સૂરજના મામા બાબરીયા કોલોની-૫માં રહેતાં પપ્‍પુભાઇ કાળુભાળ ભાલીયા (ઉ.૨૫) મોડી રાતે ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. પપ્‍પુને બેઠક અને પગમાં છરીના ઘા ઝીંકાયા હોઇ તેમજ તેના ભાણેજ અને બહેનને મુંઢ માર મરાયો હોઇ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી. જીજ્ઞેશ ઉર્ફ બાવકો ઉર્ફ ટિકીટ, દિનેશ ઉર્ફ બચુડો ઉર્ફ ટિકીટ તથા કાનો ઉર્ફ નાની ટિકીટે હુમલો કર્યાનું જણાવાયું હતું.

એએસઆઇ હંસાબેન, ભરતભાઇ સહિતે પપ્‍પુભાઇની ફરિયાદ નોંધી હતી. પપ્‍પુભાઇએ કહ્યું હતું કે મારો ભાણેજ સૂરજ ક્‍વાર્ટર નીચે બાવકો ઉર્ફ ટિકીટ સાથે વાત કરી રહ્યો હતો ત્‍યારે બાવકાનો ભાઇ દિનેશ ટિકીટ આવ્‍યો હતો અને તું કેમ મારા ભાઇ બાવકાને ચઢાવે છે? તેમ કહી સૂરજને લાફા મારી દીધા હતાં. મારા બહેન રેખાબેન અને હું સૂરજને છોડાવવા જતાં અમારા પર પણ છરી અને તલવારથી હુમલો થયો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(3:39 pm IST)