Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

એટ્રોસીટી-મારમારીના કેસમાં આરોપીને આગોતરા જામીન પર છોડવા કોર્ટનો આદેશ

રાજકોટ, તા. ૧૯ :  અત્રે અભય બિજલભાઇ સવસેટા સામે અનુસુચિત જનજાતિ (અત્યાર નિવારણ) અધિનિયમ અન્વયે તેમજ ભારતીય દંડ સંહિતા હેઠળ તા. ૧૧-૦૯-રર નાં રોજ પોલીસ ફરીયાદ થતા આરોપીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી.

આ કેસની હકિકત એવી છે કે, ફરીયાદી કૌશલ નીતીનભાઇ મકવાણાએ તા. ૧૧-૯-ર૦રર ના રોજ ગાંધીગ્રામ-ર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરયાદ આપેલ હતી કે આરોપી ગયેલ ત્યારે આરોપીએ તેનું બુલેટ સર્વિસમાં લઇ જઇશ તે બાબતે પુછતા ફરીયાદીએ ના પાડેલ ત્યારબાદ આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને આરોપીને ગાળો દેવા લાગેલ તેમજ ઢીકાપાટુનો માર મારેલ તેમજ દુકાનમાંથી પ્લાસ્ટીકનો ધોકો કાઢેલ અને ડાબા હાથમાં બે ધોકા મારેલ અને ફરીયાદીને જાત પ્રત્યે હડધૂત કરવા લાગેલ જેથી આરોપી વિરૃધ્ધ ફરીયાદીએ અનુસુચિત જાતિ પ્રતિબંધિત અધિનિયમ ઇન્ડિયન પીનલ કોડ અને જી.પી. એકટ અન્વયે ધોરણસરની ફરીયાદ દાખલ કરેલ હતી.

આરોપી સામે એટ્રોસિટીની ફરીયાદ દાખલ થતા આરોપીએ તેના એડવોકટ સ્તવન મહેતા મારફત રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી. અને જે જમીન અરજીનાં કામે સરકારશ્રીને નોટીસ બજતા સરકારી વકિલ હાજર થયેલ અને પોલિસ અધિકારીએ તેનું સોગંદનામું પણ રજુ કરેલ હતું.

કોર્ટે બન્ને પક્ષકારોને વિગતવાર સાંભળેલ તેમજ રજૂ થયેલ તમામ પુરાવા તથા દસ્તાવેજોનો તલસ્પર્શી અભ્યાસ કરી સેશન્સ જજ એવા નિષ્કર્ષ પર આવેલ હતા કે પોલીસ પેપરમાં ફરીયાદી તથા તેના માતા-પિતા સિવાય બનાવ અંગે અન્ય કોઇનું સમર્થન મળતુ ન હોય અને હાલનાં ગુનાનાં કામે આરોપીની કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની જરૃરીયાત ન હોય સેશન્સ જજે આરોપીની આગોતરા જામીન અરજી શરતોને આધીન મંજુર કરેલ હતી.

આ કામે આરોપી વતી રાજકોટનાં યુવા એડવોકેટ સ્તવન મહેતા, નિકુંજ શુકલા, કુશ ગોર, જીગ્નેશ યાદવ, બ્રિજેશ ચૌહાણ, ત્રિશુલ પાનસુબિયા તથા મદદદનીશ તરીકે ભૂષણ ઠક્કર રોકાયેલ હતા.

(3:33 pm IST)