Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

એઇમ્સના કામમાં ઝડપ લાવો : મનસુખભાઇની કલેકટરને ટકોર

એરપોર્ટ ઉપર જ કલેકટર અરૂણ મહેશબાબુએ બની રહેલ બિલ્ડીંગોના ફોટા-નવા બનનારા રસ્તા અંગે વિગતો આપી... : પોતે આવતા મહિને એઇમ્સની મુલાકાતે આવશે તેવો આરોગ્ય મંત્રીએ નિર્દેશ આપી દીધોઃ કલેકટરે ઝડપી કામગીરી અંગે ખાત્રી આપી

રાજકોટ તા. ૧૯: કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે, તેઓ અનેક મહત્વના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ આજે એરપોર્ટ ખાતે આવી પહોંચતા કલેકટર તથા અન્ય અધીકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

દરમિયાન મનસુખભાઇએ રાજકોટ એઇમ્સ જે બની રહી છે, તેની વિગતો કલેકટર પાસે માંગતા, કલેકટરે બની રહેલા ૪ થી પ નવા રસ્તા-પુલ, સીકસ લેઇન રોડ, જમીનો, તથા એઇમ્સમાં બની ગયેલ બિલ્ડીંગો અને બની રહેલ વિવિધ બિલ્ડીંગોના ફોટા, ગાર્ડન, હોસ્ટેલ સહિતના લે આઉટ પ્લાન રજૂ કર્યા હતા, આ તમામ વિગતો જાણ્યા બાદ કેન્દ્રીય મંત્રીશ્રીએ કલેકટરને ટકોર કરી હતી કે, એઇમ્સનું કામ ઝડપી પુરૃં કરો, કામમાં ઝડપ લાવો... અને પોતે આવતા મહિને એઇમ્સ-રાજકોટની જાતે મુલાકાતે આવનાર હોવાનો નિર્દેશ પણ આપ્યો હતો, કલેકટરે પોતાના અધીકારીઓ પાસેથી વિગતો મેળવી ઝડપી કામગીરી અંગે મંત્રીશ્રીને એરપોર્ટ પર જ ખાત્રી આપી હતી.

(3:06 pm IST)