Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અમદાવાદ રહેતાં પ્રજાપતિ દંપતિને રાજકોટના નિલેષ કોઠારીનો વ્યાજ માટે સતત ત્રાસઃ ધમકી

અગાઉ સાધુ વાસવાણી રોડ પર રહેતા'તાઃ વ્યાજખોરીને કારણે ગામ મુકવું પડ્યું: ૪II લાખનું પેનલ્ટી સહિત દર મહિને ૪૦-૪૦ હજાર વ્યાજ ભર્યુઃ ધંધો ઠપ્પ થતાં વ્યાજ ન ભરી શકતાં પોતાની પાસેના કોરા ચેકમાં ૫-૫ લાખની રકમ ભરી કોઠારીએ વટાવવા નાંખી દીધાની ફરિયાદ

રાજકોટ તા. ૧૯: વ્યાજખોરીની વધુ એક ફરિયાદ સામે આવી છે. મુળ નડિયાદના અને હાલ અમદાવાદ રહેતાં પ્રજાપતિ મહિલાએ રાજકોટના શખ્સ સામે ફરિયાદ કરી છે.

યુનિવર્સિટી પોલીસે નડિયાદની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેણાંક ધરાવતાં અને હાલ અમદાવાદ ન્યુ રાણીપ યોગેશ્વર કુટીર બંગલા નં. ૪૫માં રહેતાં શિલ્પાબેન ધર્મેશભાઇ પ્રજાપતિ (ઉ.૪૨)ની ફરિયાદ પરથી ઢેબર રોડ મધુરમ્ હોસ્પિટલ સામે નિલરાજ ખાતે રહેતાં અને ફાયનાન્સનું કામ કરતાં નિલેષ મુળજીભાઇ કોઠારી સામે આઇપીસી ૫૦૬, મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

શિલ્પાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે  હાલમાં હું પતિ સાથે નવેક માસથી અમદાવાદમાં ભાડેથી રહુ છું. અમે પહેલા રાજકોટ સાધુ વાસવાણી રોડ પર દર્શન બંગલો સોસાયટીમાં ગોરધનભાઇ ભુતના મકાનમાં ભાડેથી રહેતાંહતાં. મારા પતિ ધર્મેશભાઇ ફુડ સપ્લીમેન્ટનો માલ બહારથીલાવી રાજકોટમાં વેંચતા હતાં. એ પહેલા તે સ્ટાર ચેમ્બરમાં ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતાં હતાં.

૨૪/૨/૧૧ના મારા પતિને પરિવાર માટે રૂપિયાની જરૂર પડતાં તેણે નિલેષ કોઠારી પાસેથી રૂ. ૬ લાખ વ્યાજે લીધા હતાં. તેની સામે અમે પ્રોમીસરી નોટ લખી આપી કોરા ચેક પણ આપ્યા હતાં. એ પછી ૭/૯/૧૧ના રોજ ફરીથી રૂ. ૫,૨૫,૦૦૦ લીધા હતાં. આમ કુલ રૂ. ૧૧,૨૫,૦૦૦ અમે લીધા હતાં. આ રૂપિયા મારા પતિ અને મારા જોઇન્ટ એકાઉન્ટમાં નિલેષ કોઠારીએ તેના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યા હતાં. આ રૂપિયાના બદલામાં મારા પતિએ ટોપલેન્ડ રેસિડેન્સીમાં આવેલા અમારા મકાનનું સાટાખત કરી આપ્યું હતું. આ મકાન અમે સપ્ટેમ્બર ૨૦૧૩માં વેંચાણ કરી નાંખ્યું છે. તે મકાનના રૂ. ૪૫ લાખ આવ્યા હતાં. તેમાંથી ૧૧,૨૫,૦૦૦ નિલેષ કોઠારીને આપી દીધા હતાં. આ રકમ ચેકથી ચુકવી હતી.

આ પછી મારા પતિએ ફુડ સપ્લીમેન્ટનો પોતાનો ધંધો શરૂ કરવા ટૂકડે-ટૂકડે રૂ. ૧૪ લાખ ફરીથી લીધા હતાં. એ વખતે અમે કુલ ત્રણ કોરા ચેક આપ્યા હતાં. જે અંગે સોગંદનામુ કર્યુ હતું. તે પૈકી રૂ. ૯II લાખ બેંક ઓફ રાજકોટના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતાં. જેથી તેના ૪II લાખ અમારી પાસે નીકળતાં હતાં. આ રકમનું પાંચ ટકા લેખે રૂ. ૨૫ હજાર વ્યાજ અમે દર મહિને ભરતાં હતાં. પણ પતિને ધંધામાં નુકસાન જતાં વ્યાજ ચુકવી ન શકતાં બીજા લોકો પાસેથી રૂપિયા લઇ કોઠારીભાઇને ચુકવતા હતાં. પણ તે મોડુ થાય તો પેનલ્ટી વસુલતા હતાં. ધંધો સાવ ઠપ્પ જેવો થઇ જતાં અમે વ્યાજ ચુકવી ન શકતાં અમદાવાદ રહેવા આવી ગયા હતાં. હવે તેણે ફોન કરીને ધમકીઓ શરૂ કરી છે કે પૈસા નહિ આપોતો કોરા ચેક છે તેમાં વધુ રકમ ભરીને બેંકમાં નાંખી દેશે. આવા પાંચ-પાંચ લાખના ત્રણ ચેક તેણે વટાવવા નાંખતા રકમ ન હોઇ રિટર્ન થતાં તેણે આ બાબતે ફરિયાદ કરી હતી. અમે વ્યાજ પેટે દર મહિને ૨૫ હજાર અને પેનલ્ટી સાથે ૪૦ હજાર ચુકવતાં હતાં. આમ છતાં વધુ વ્યાજ માંગી ધમકી અપાય છે.

ઉપરોકત ફરિયાદ પરથી પી.આઇ. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. કડછા, જે. પી. મેવાડા અને ગિરીરાજસિંહ સહિતે તપાસ શરૂ કરી છે. (૧૪.૯)

(1:17 pm IST)