Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રૂખડીયાપરામાં મધરાતે ૧૬ વર્ષની મુસ્લિમ બાળાને મોઢે મુંગો દઇ ઉઠાવી જવાનો પ્રયાસ

ભરઉંઘમાં રહેલા ભાઇના પગને બહેનનો હાથ અડી જતાં જાગી જતાં ઉઠાવગીર ભાગ્યોઃ ભગવતીપરાનો સિકંદર ઉર્ફ સિકલો હોવાનું ખુલતાં શોધખોળ

રાજકોટ તા. ૧૯: રૂખડીયાપરામાં માતા અને નાની બહેન સાથે રહેતાં ૧૮ વર્ષના મુસ્લિમ યુવાનની ૧૬ વર્ષની બહેનને ગત મોડી રાત્રે ત્રણેક વાગ્યે ઘરમાં ઘુસી એક મુસ્લિમ શખ્સે મોઢે મુંગો દઇ ઉઠાવી જવાનો પ્રયાસ કરતાં પોલીસે અપહરણના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે રૂખડીયાપરા જેલ પાછળ મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં અને કલરકામ કરી ગુજરાન ચલાવતાં મોહસીન અશરફભાઇ  દલ (ઉ.૧૮)ની ફરિયાદ પરથી ભગવતીપરાના સિકંદર ઉર્ફ સિકલા સામે આઇપીસી ૩૬૩, ૪૫૬, ૫૧૧ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદની વિગત મુજબ મોહસીન તેના માતા હસીનાબેન અને ૧૬ વર્ષની બહેન રોઝીના સાથે રહે છે. તેના પિતા આઠેક વર્ષથી મોરબી અલગ રહે છે. મા-દિકરી લોહાણાપરામાં છરી બનાવવાના કારખાનામાં કામમે જાય છે. સોમવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે ડેલી બંધ કરી મોહસીન તેના માતા અને બહેન સુઇ ગયા હતાં. જેમાં મોહસીન સેટી પર અને માતા-બહેન નીચે પથારી કરીને સુતા હતાં. રાત્રીના ત્રણેક વાગ્યે બધા ગાઢ નિંદ્રામાં હતાં ત્યારે એક શખ્સ ગુપ્ત રીતે ડેલીનો દરવાજો ખોલી અંદર આવ્યો હતો અને મોહસીનની નાની બહેનને મોઢે મુંગો દઇ ઉપાડીને રૂમ બહાર લઇ જવાનો પ્રયાસ કર્યો હતો.એ વખતે બહેનનો હાથ મોહસીનના પગને અડી જતાં તે નિંદરમાંથી જાગી જતાં વીસ-બાવીસ વર્ષના શખ્સને જોયો હતો. તે સાથે જ એ શખ્સ તેની બહેનને મુકીને ભાગ્યો હતો. દેકારો થતાં માતા હસીનાબેન પણ જાગી ગયા હતાં અને પાછળ દોટ મુકી હતી. આ શખ્સ ભગવતીપરાનો સિકંદર ઉર્ફ સિકલો હોવાની ખબર પડી હતી. એ રાત્રે મા-દિકરો-બહેન ખુબ જ ગભરાઇ ગયા હોઇ ફરિયાદ કરી નહોતી. ગઇકાલે હિમત આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરતાં પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સિકંદર ઉર્ફ સિકલો અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ગયાનું ચર્ચાય છે. જો આ બાળાના ભાઇની ઉંઘ ન ઉડી હોત તો શું થયું હોત તે વિચાર થથરાવી મુકે તેવો છે. (૧૪.૮)

(1:17 pm IST)