Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ત્રણ તલાટીને કોરોનાઃ એક મહિલા તલાટી અંજુબેનનું કરૂણ મોત

તળાજાના ગોડાઉન મેનેજર મનુભાને કોરોના ભરખી ગયો : ૫ અધિકારીઓ, ગ્રેડર, ઓપરેટર સહિત ૧૯ને પોઝીટીવથી હાહાકારઃ ધ્રાંગધ્રા ગોડાઉન મેનેજર પણ ભોગ બન્યાઃ યાર્ડમાં ઘઉંની કામગીરી સાથે સંકળાયેલા અનેકને કોરોનાઃ ઘઉં-ચણાની ખરીદી બંધ કરાઈ

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ શહેર-જીલ્લામાં પૂરવઠા નિગમ દ્વારા ઘઉં, ચણાની ખરીદી ચાલુ હતી પરંતુ અનેકને કોરોના વળગતા આખરે આ કામગીરી તા. ૩૦ સુધી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. વિગતો મુજબ ત્રણ જેટલા કલાસ-૩ ઓફિસર, ગ્રેડર ઓપરેટર, મજુર, ટ્રક ડ્રાઈવરો ઝપટે ચડી ગયા છે. તળાજાના ગોડાઉન મેનેજર મનુભા ગોહીલનું કોરોનાને કારણે અવસાન થતા અરેરાટી ફેલાય છે. આ ઉપરાંત રાજકોટમાં ઘઉંની ખરીદીમાં મુકાયેલા તલાટીઓ જાનીભાઈ - પંડયાભાઈને કોરોના વળગ્યો છે, તો તલાટી કમ મંત્રી અંજુબેન શર્માનું કોરોનાને કારણે કરૂણ મૃત્યુ નિપજતા ઘેરો શોક છવાયો હતો.

આ ઉપરાંત ગ્રેડર, સારીયા જગદીશભાઈ, ઓપરેટર માજરીયા ભયલુભાઈ, કલાસ-૩ ઓફિસર વલ્લભભાઈ પાનસુરીયા સહિત ૧૯ને પોઝીટીવ જાહેર થતા હોમ આઈસોલેશન કરાયા છે. જ્યારે જામકંડોરણા યાર્ડના પરેશભાઈ ભૂવા, ગીરીશ બાલધા, જીવરાજ કોયાણી, ભૂરભાઈ, લકીરાજા જાડેજા, મોહીલ અમીપરા, મનસુખભાઈ ચાવડાને પણ કોરોના વળગ્યો છે. અન્ય એક દુઃખદ ઘટનામાં ધ્રાંગધ્રા પુરવઠા ગોડાઉનના મેનેજર જયેશ પાટડીયાનું નાની ઉંમરે કોરોનાને કારણે કરૂણ મોત નિપજ્યુ હતું.

(3:09 pm IST)