Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સિનિયર સિટીઝનો ચોગ્ગા- છગ્ગાની રમઝટ બોલાવશે

સિનિયર સીટીઝન ટેનિસ ક્રિકેટ એસો.દ્વારા ઓલ ઈન્ડિયા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ : દિલ્હી,મુંબઈ, એમ.પી.સહિત ૧૬ ટીમનો ભાગ લેશેઃ ૬૦ થી ૮૩ વર્ષના વડીલો ક્રિકેટ મેચ રમશેઃ ચેમ્પિયન- રનર્સઅપ ટીમને રોકડ ઈનામોઃ ૨૨મી થી ડ્રાઈવઈન સિનેમાના મેદાનમાં જંગ ખેલાશે

રાજકોટ,તા.૧૯: સિનિયર સીટીઝન ટેનિસ ક્રિકેટ એસોશીયેશન દ્વારા ઓલ ઈન્ડિયા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું પ્રથમવાર જાજરમાન આયોજન આગામી તા.૨૨, ૨૩ તથા ૨૪ ફેબ્રુઆરી દરમ્યાન જયોતિ સી.એન.સી. જી.આઈ.ડી.સી. મેટોડા તથા ડ્રાઈવઈન સિનેમા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

જીવનના છ દસકા વટાવી જનાર વડિલોને ચાલવા માટે પણ લાકડીનો સહારો લેવો પડતો હશે, ત્યારે ૬૦ વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ યુવાન ખેલાડીઓ વચ્ચેનો કશ્મકશ ક્રિકેટ ફિવર મુકાબલો યોજાશે.

સીનીયર સીટીઝન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી મયુરધ્વજસિંહ ઝાલા (એડવોકેટ), કિશોરસિંહ રાઠોડ, ગંભીરસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા દ્વારા ટુર્નામેન્ટની માહિતી આપતા જણાવ્યું છે કે, રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી, ભુજ (કચ્છ), ભાવનગર, સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ વિગેરે વિવિધ રાજયમાંથી આવી સીનીયર સીટીઝનો પુર્વ ક્રિકેટરો કાંડાનું કૌવત બતાવશે.

આ ટુર્નામેન્ટના દાતા તરીકે જયોતિ સી.એન.સી. ઓટોમેશન લી.મેટોડા, પર્વ મેટલ ઈન્ડસ્ટ્રીઝ, બાન લેબ્સ, કનેરીયા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ તેમજ પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, એન્ડ્રોઈડ અને રામેશ્વર પેકેજીંગ, એસ.કે. જાડેજા હોટલ ગ્રુપ, નાનામવા યુવા ગ્રુપ સદ્દગુરૂ સીલેકશનનો સહયોગ મળેલ છે.

આ ટુર્નામેન્ટને આખરી ઓપ તથા સફળ બનાવવા માટે મયુરધ્વજસિંહ ઝાલા, રાહબરી હેઠળ કે.એ.રાઠોડ, જી.એચ.જાડેજા, કિશોરસિંહ જેઠવા, રોહિત બુંદેલા, આમદ ડોડીયા, પિયુષભાઈ છાયા, પ્રહલાદભાઈ દવે, રઘુરાજસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઈ જાની, ધીરૂભાઈ કાતરા, દિલીપભાઈ મકવાણા, અહેમદ ડોડીયા, પ્રકાશભાઈ સાતા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ટુર્નામેન્ટની પ્રથમ મેચો ૧૦ ઓવરની અને સેમી ફાઈનલ ૧૨ ઓવરની રહેશે. ટુર્નામેન્ટની વિજેતા ટીમને રૂ.૨૧ હજાર, રનર્સઅપ ટીમને રૂ.૧૧હજાર તથા આકર્ષક ટ્રોફીઓ તેમજ મેન ઓફ સીરીઝને રૂ.૨૫૦૦ તથા બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ વિકેટકીપર, બેસ્ટ ફિલ્ડરને રૂ.૧૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ આકર્ષક ટ્રોફીઓથી નવાજવામાં આવશે. આ ઉપરાંત રાજયકક્ષાની ટીમોને પાંચ હજાર અને રાજયની ટીમને બે હજાર ટ્રાન્સપોર્ટેશનરૂપે અપાશે.

આ તકે વિવિધ રમતોમાં કૌશલ્ય દાખવનારા સિનિયર સીટીઝનો અરવિંદભાઈ પુજારા, દાઉદભાઈ ફુલાણી, ગીરીરાજસિંહ જાડેજા, ભદ્રાબેન દેસાઈ, સરલાબેન દવે, હિમ્મતભાઈ ડાભી, રમણીકભાઈ પરમાર, કિરીટભાઈ અંતાણી, નિરંજનભાઈ પટેલ, કિશોરસિંહ રાઠોડનાઓને પુષ્પગુચ્છ, ટ્રોફી તેમજ સાલ ઓઢાડી આ પ્રસંગે સન્માનીત કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ તા.૨૨ના સવારે ૯:૩૦ કલાકે જયોતિ સી.એન.સી.- મેટોડાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. જેનું ઉદ્ઘાટન પરાક્રમસિંહ જાડેજાના હસ્તે થશે. અતિથિ વિશેષ તરીકે કિરીટસિંહ રાણા (પુર્વ વનમંત્રીશ્રી), ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ (પુર્વ ધારાસભ્યશ્રી), સહદેવસિંહ ઝાલા, મૌલેશભાઈ ઉકાણી, સુરેશભાઈ કનેરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદકુમાર સેંનજારીયા, વિરેન્દ્રસિંહ જાડેજા (ડી.એસ.ઓ.) તથા નાનામવા રાજપૂત યુવાગ્રુપ તેમજ વિવિધ સીનીયર સીટીઝન કલબોના સભ્યો ઉપસ્થિત રહેશે. આ ટુર્નામેન્ટમાં પ્રદિપસિંહ જાડેજા તથા સ્ટેટ પેનલ અમ્પાયર્સ અને કોમેન્ટેટરો સ્કોરરની સેવા લેવામાં આવશે અને રનીંગ કોમેન્ટરી પણ આપવામાં આવશે. સ્કોર ટેલીકાસ્ટ કરવામાં આવશે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:24 pm IST)