Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાજકોટ મેરેથોન - સાઈકલોફનને બહોળો પ્રતિસાદ

રોટરી કલબ મીડટાઉન દ્વારા આયોજિત : ૧૫ ડિસેમ્બરે સાઈકલોફન અને ૨૯ ડિસેમ્બરે મેરેથોનનું શાનદાર આયોજન : મોટેરાઓની સાથે વિદ્યાર્થીઓ પણ દોડ લગાવવા અને સાઈકલ ચલાવવા આતૂરઃ ઉમદા આયોજન સાથે જોડાવવા સામાજિક સંસ્થાઓને અપીલ

રાજકોટ,તા.૧૮: રાજકોટને ફિટ એન્ડ ફાઈન રાખવા તથા શહેરને એક તાંતણે બાંધવાની ઉમદા ભાવના સાથે રોટરી કલબ મીડટાઉન દ્વારા આગામી તા.૧૫ ડિસેમ્બરે સવન સાઈકલોફન અને ૨૯ ડિસેમ્બરે સવન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેને શહેરીજનોનો બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ બન્ને ઈવેન્ટમાં ભાગ લેવા માટે લોકોનો રજિસ્ટ્રેશન કરાવવા માટે ધસારો થઈ રહ્યો છે. આ ઈવેન્ટને યાદગાર બનાવી શહેરને તંદુરસ્ત અને ચોખ્ખું ચણાંક રાખવા માટે મોટેરાઓ સાથે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ પણ અદ્દભુત પ્રતિસાદ આપી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

મેરેથોનઃ રોટરી કલબ મીડટાઉન દ્વારા આગામી ૨૯ ડિસેમ્બરે સવન રાજકોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેને અત્યારથી જ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મેરેથોનમાં ભાગ લેવા માટે ૨૦ નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવનાર દરેક સ્પર્ધક માટે ૫ કિલોમીટરની દોડના રૂ.૨૦૦, જયારે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તેના માટે આ દોડના રૂ.૧૦૦ (૧૦ કિ.મી.)ના રૂ.૪૯૦ અને હાફ મેરેથોનની રૂ.૮૦૦ ફી રાખવામાં આવી છે. આ પછી ૨૧ નવેમ્બર પછી રજિસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધક માટે ૫ કિ.મી.ના રૂ. ૨૫૦, ૧૦ કિ.મી.ના રૂ.૬૦૦ અને હાફ મેરેથોનની રૂ.૯૦૦ ફી લેવામાં આવશે. મેરેથોનમાં રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તા.૭ ડિસેમ્બર રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને લાખો રૂપિયાના ઈનામોથી પ્રોત્સાહિત કરવામાં આવશે. નિર્ધારિત સમયમાં ૧૦ અને ૨૧ કિલોમીટરની સ્પર્ધા પૂર્ણ કરનારને ઈનામની સાથે સાથે મેડલ અને સટિર્ફિકેટ પણ આપવામાં આવશે. મેરેથોનમાં ૨૧ કીમીની દોડમાં ૧૮ વર્ષથી ઉપરના દોડવીરો અને ૧૦ કિમીની દોડમાં ૧૨ વર્ષથી ઉપરના દોડવીરો ભાગ લઈ શકશે. સ્પર્ધાનું રજિસ્ટ્રેશન ૭ ડિસેમ્બર સુધી WWW. rajkotmarathon.in ઉપર કરી શકાશે. મેરેથોનમાં રેસ ડાયરેકટર તરીકે અમદાવાદના રાહુલ શર્મા જહેમત ઉઠાવશે.સાઈકલોફનઃ ૧૫ ડિસેમ્બરે યોજાનારી સવન સાઈકલોફન ઈવેન્ટની વાત કરવામાં આવે તો આ સાઈકલ રેલી ૨૫ અને ૫૦ કિલોમીટરની હશે. ૨૫ કિ.મી.ની રેલી પૂર્ણ કરવા માટે ૧.૫ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તેમાં ભાગ લેવા માટેની ફી રૂ.૨૫૦ રાખવામાં આવી છે. આ ઉપરાંત ૫૦ કિ.મી.ની રેલી માટે ત્રણ કલાકની સમયમર્યાદા નક્કી કરાઈ છે અને તેમાં ભાગ લેવા માટે રૂ.૪૦૦ની ફી રાખવામાં આવી છે. આ માટે અમુક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે જે અનુસાર ૧૬ થી ૧૮ વર્ષના સાઈકલપ્રેમી સાથે તેના વાલી હોવા ફરજિયાત છે. આ ઉપરાંત આ કોઈ રેસ નહી બલ્કે ફન ઈન રાઈડ જ છે છતાં સમયમર્યાદામાં તેને પૂર્ણ કરનારને મેડલ અને લક્કી ડ્રો તથા ગીફટ આપવામાં આવશે. જયારે આ રેલીમાં ભાગ લેવા માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે અને તેની વ્યવસ્થા સાઈકલપ્રેમીએ કરવાની રહેશે. ભાગ લેનારા દરેક વ્યિકતને ટી-શર્ટ આપવામાં આવશે. આ રેલી રેસકોર્સ ગ્રાઉન્ડ પરથી શરૂ થશે. રેલીનું રજિસ્ટ્રેશન ૩૦ નવેમ્બર સુધી WWW. rajkotmarathon.in ઉપર કરાવી શકાશે. આયોજનમાં સવન બિલ્ડર્સ, રોલેકસ બેરીંગ રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેકટર, શહેર પોલીસ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી  સહયોગ આપી રહ્યા છે. જયારે આયોજનને સફળ બનાવવા માટે રોટરી કલબ મીડટાઉન પ્રેસિડેન્ટ જીજ્ઞેશ અમૃતિયા, પ્રોજેકટ ચેરમેન દિવ્યેશ અદ્યેરા, કો-ચેરમેન દિપક મહેતા, સેક્રેટરી વિશાલ અંબાસણા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ રાજકોટ સાયકલ કલબ, રાજકોટ રનર્સ  કલબ, રોટરી કલબ રાજકોટ મિડટાઉનના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

મેરેથોન માટે વિનામૂલ્યે બૂટકેમ્પ

રાજકોટઃ રોટરી કલબ મીડટાઉન દ્વારા મેરેથોનમાં ભાગ લેનારા સ્પર્ધકો માટે વિનામૂલ્યે બૂટકેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. આ કેમ્પમાં ગત વર્ષે યોજાયેલી મેરેથોનમાં ભાગ લેનારા સ્પર્ધકો ઉપરાંત આ વર્ષે ભાગ લેનારા લોકો પણ જોડાઈ શકશે. બૂટ કેમ્પમાં મેરેથોન દરમિયાન કેવી રીતે દોડવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ તકલીફ થાય તો શું કરવું તે સહિતની વિગતો અને માર્ગદર્શન આપવામાં આવશે.

(11:46 am IST)