Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સોમવારે વર્ષનો સૌથી લાંબો દિવસ : બાદમાં ક્રમશઃ ઘટાડો

ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તની અસર : હવે સૂર્ય દક્ષિણ તરફ આગળ વધશે : ખગોળી ઘટના માણવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૧૮ : સુર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદની બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોને તા. ૨૧ ના સોમવારે આ અનુભવ થશે. જેમાં લાંબામાં લાંબા દિવસની અનુભુતિ થશે. બાદમાં ક્રમશઃ દિવસ ટુંકો થતો જશે અને રાત્રી લંબાતી જશે.

સોમવારે સર્જાનાર આ ખગોળીય ઘટનાનું રસ ધરાવતા સૌ કોઇએ અવલોકન કરવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અનુરોધ કરાયો છે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ આ વિષે માહીતી વર્ણવતા જણાવ્યુ છે કે સોમવારથી સૂર્ય દક્ષિણ દિશા તરફ ખસતો જશે. પરિણામે રાત્રી લંબાતી જશે અને દિવસનો ભાગ ટુંકો થતો જશે.

રજકોટમાં સોમવારે ૧૩ કલાક અને ૨૮ મિનિટનો દિવસ અને રાત્રી ૧૦ કલાક ૨૯ મિનિટની હશે. જયારે અમદાવાદમાં ૧૩ કલાક ૩૦ મિનિટનો દિવસ અને રાત્રી ૧૦ કલાક ૩૦ મિનિટની હશે. એજ રીતે મુંબઇમાં ૧૩ કલાક ૧૩ મિનિટનો દિવસ અને રાત્રી ૧૦ કલાક ૪૭ મિનિટની હશે. આમ ભારતમાં સુર્યોદય - સુર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ-મિનિટના તફાવતથી દિવસ-રાત્રીના ફેરફારો જોવા મળશે.

આ ખગોળીય ઘટનાની વિશેષ માહીતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જાથાના કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયુ છે.

(3:07 pm IST)