Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભકિતનગર પોલીસનું નવતર અભિયાનઃ રાત્રે હેન્ડલ લોક વગર રખાયેલા વાહનો શોધી માલિકોને સમજાવ્યા

ચોરી-લૂંટ સહિતના બનાવોમાં મોટે ભાગે હેન્ડલ લોક વગરના વાહનો ચોરી તેનો ઉપયોગ થતો હોય છે : પોકેટ કોપ એપથી સર્ચ કરી વાહન માલિકને રૂબરૂ બોલાવી હવે પછી આ રીતે વાહનો બહાર ન રાખવા અથવા સગવડ હોય તો ઘરની ડેલીમાં રાખવા સમજ આપી

શહેરના પ્રજાજનો પોતાના વાહનો પોતાના ઘરની બહાર હેન્ડલ લોક માર્યા વગર રાખતા હોઇ જેથી આવા વાહનો ચોરી તેમજ લુંટના ગુન્હાને અંજામ આપવા ઉપયોગ થતો હોય છે.  આવા બનાવોમાં મોટાભાગે હેન્ડલ લોક કર્યા વગરના ચોરાઉ મોટર સાયકલોનો તેમજ નંબર પ્લેટ વગરના મોટર સાયકલોનો ઉપયોગ થતો હોવાનુ અગાઉ પકડાયેલા આરોપીઓની પુછપરછમાં બહાર આવ્યું છે. આવા બનાવો અટકાવવા ભકિતનગર પોલીસે કમર કસી છે. રાત્રીના સમયે ચાર પીએસઆઇની ટીમોએ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં પેટ્રોલીંગ કરી ઘર બહાર શેરીઓમાં જાહેરમાં પાર્ક કરાયેલા વાહનોના હેન્ડલ લોક ચેક કર્યા હતાં. આવા જેટલા વાહનો મળ્યા તેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતાં. એ પછી પોકેટકોપ એપમાં વાહન માલિકના નામ સરનામા સર્ચ કરી તેમને રૂબરૂ બોલાવી હવે પછી વાહનોને ફરજીયાત હેન્ડલ લોક કરીને રાખવા અથવા સગવડ હોય તો ઘરની ડેલી અંદર રાખવા સુચના અને સમજ અપાઇ હતી. ૧૭-૧૮ની રાતે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને પીઆઇ જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.પટેલ, આર. જે. કામળીયા, એસ.એન.જાડેજા ,આર.એન.હાથલીયા તથા ભકિતનગર પોલીસ સ્ટાફના કર્મચારીઓએ આ કામગીરી કરી હતી.

(2:58 pm IST)