Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

લગ્ન અંગે ઠગાઈ-વિશ્વાસઘાત કરવા અંગેના ગુનામાં મહિલા આરોપી જામીન પર

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ જંકશન પ્લોટમાં રહેતા ફરીયાદી સુમિત ઉમેશભાઈ વાઢેરએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપીંડીની ફરીયાદ કરતા જે ફરીયાદ અંગે આરોપી બાઈ અનુબેન હરેશભાઈ મકવાણા રહે. નાગપુરવાળાની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવેલ. તેણીએ જામીન અરજી કરતા ચીફ જ્યુડી. મેજી. કોર્ટે આરોપી બાઈને જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદી જંકશન પ્લોટમાં રહે છે. ફરીયાદીને પોતાની જ્ઞાતિમાં લગ્ન થતા ન હોય જેથી તા. ૩-૧૨-૨૦૧૯ના રોજ નાગપુર (મહારાષ્ટ્ર) છોકરી જોવા ગયેલા અને ત્યાં નાગપુરમાં છોકરીઓ ચાર-પાંચ જોયેલ જેમાં આરોપણ બાઈએ છોકરી બતાવતા છોકરી પસંદ પડતા આરોપણ બાઈએ ફરીયાદી પાસે રૂ. ૧,૩૦,૦૦૦ માંગેલ અને રોકડ રકમ આપતા લગ્ન કરાવી આપીશું તેવી બાંહેધરી વિશ્વાસ આપતા, ફરીયાદી તા. ૧૨-૧૨-૨૦૧૯ના રોજ રોકડ રકમનો બંદોબસ્ત કરી નાગપુર ગયેલા ત્યાં પાયલ નામની છોકરી બતાવેલ અને નાગપુરની કોર્ટમાં નોટરી સમક્ષ લગ્નના કાગળો બનાવેલ અને રાજકોટ મુકામે લઈ આવેલ અને ફરીયાદી તથા પાયલ પતિ-પત્નિ તરીકે રહેતા. પાયલે પત્નિ તરીકેનો વિશ્વાસ, સંપાદન કરતા ફરીયાદીના ઘરમાં રહેલ રોકડ રૂ. ૯૦,૦૦૦ તથા સોનાના દાગીનાઓ ઘરમાંથી ઉચાપત કરી પાયલ ઘરમાંથી ચાલી ગયેલ.

આ અંગેની ફરીયાદ કરતા પોલીસે જીણવટભરી તપાસ કરતા આરોપણ બાઈની ધરપકડ કરેલ અને કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરેલ. બાદ જામીન અરજી કરતા જામીન અરજીની દલીલ દરમ્યાન એવી રજૂઆત કરેલ કે આરોપણ બાઈએ કોઈ રકમ મળવેલ નથી કે લીધેલ નથી. જે રકમ મેળવેલ છે તે પાયલના પિતાએ મેળવેલ છે અને પાયલ ઘરમાંથી રોકડ રકમ દાગીના લઈ ગયેલ છે. આ અંગે કોઈ કાવતરૂ આચરેલ નથી. આડકતરી કે સીધી રીતે કોઈ મદદગારી કરેલ નથી. જામીન પર છોડવા રજુઆત કરતા ચીફ જ્યુડી. મેજી.શ્રીએ જામીન પર છોડવા હુકમ કરેલ છે.

આ કામમાં આરોપણ બાઈ તરફે સૌરાષ્ટ્ર ધારાશાસ્ત્રી શ્રી રોહિતભાઈ બી. ઘીઆ, દિવ્યેશ મહેતા, કિરીટસિંહ જાડેજા, ગોપાલભાઈ મકવાણા રોકાયેલ હતા.

(3:08 pm IST)