Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

બુધ્ધએ ઇતિહાસ છે, પુરાણ નથી : તથાગત બુધ્ધ સમગ્ર માનવજાતના આરાધ્ય છે

હિન્દી ભાષાના મહાન કવિ સુમિત્રાનંદન પંત એક વાર ઓશોને પૂછે છે કે, 'ભારતીય સાંસ્કૃતિક જગતના એવા  કયાં બાર જયોતિર્ધરો છે કે જેના વિના આ સાંસ્કૃતિક વિશ્વનું કલેવર પૂર્ણ ન થાય ?'  રજનીશજીએ આ મુજબ બાર નામ આપ્યા : કૃષ્ણ, પતંજલિ, બુદ્ઘ, મહાવીર, નાગાર્જુન, શંકર, ગોરખ, કબીર, નાનક, મીરાં, રામકૃષ્ણ અને કૃષ્ણમૂર્તિ.  પંતજીએ ઓશોને એ સૂચિમાંથી કોઇપણ ચાર નામ ઘટાડી દેવાનું સુચન કર્યું.  પંતજીએ ફરી એકવારઆ આઠ નામમાંથી પણ ચાર નામ દૂર કરીને માત્ર સાંસ્કૃતિક વિશ્વના પાયારૂપ ગણાય એવા ચાર નામ તારવવા કહ્યું. અત્યંત વિચારપૂર્વક ઓશોએ સૂચવેલા એ નામ હતા : કૃષ્ણ, પતંજલિ, બુદ્ઘ અને ગોરખ.   અહીં રામ અને મહાવીર જેવા વ્યકિતત્વો હોવા છતાં ઓશો બુદ્ઘને પ્રાધાન્ય આપ્યું છે. અને બુધ્ધને ઓશોએ અત્યંત  મૌલિક દાર્શનિક કહયા છે. 

આજે વૈશાખીપૂર્ણિમા એટલે કે બુદ્ઘપૂર્ણિમા છે. બુદ્ઘનો જન્મ, બુદ્ઘત્વ  અને મહાપરિનિર્વાણએ ત્રણેય ઘટનાઓ આજના દિવસે જ બની હોઇ આ દિવસનું વિશેષ મહત્વ  છે.

 બુદ્ઘ ભારતમાં  જન્મ્યા, પરંતુ ભારત તેમને સાચવી ન શકયું. આપણા પોતાના આ ઇતિહાસપુરુષને ભારતીય પરંપરાએ જાણ્યે-અજાણ્યે ભારે અન્યાય કર્યો છે.  બુદ્ઘે વૈદિક પરંપરાથી અસંતુષ્ટ થઈને પોતાનો આગવો- માર્ગ કંડાર્યો હતો. એટલે તત્કાલિન વૈદિક પરંપરાએ એમનો સ્વીકાર ન કર્યો. એમના દર્શનને નાસ્તિક દર્શન કહી ઉલેખ્યું. પરંતુ હકીકતે તો એ જ વાસ્તવિકદર્શન હતું.  બ્રાહ્મણ પરંપરાએ તેમને હિન્દૂ વિરોધી ગણીને   ઉલેખ્યાં. પરંતુ બુદ્ઘ તો બુદ્ઘ  જ હતા. જેમ  તેમની અવગણના થતી ગઈ તેમ તેમ તેમનો વધુને વધુ સ્વીકાર થતો ગયો.  તેમણે હિન્દૂ રૂઢિઓ, કર્મકાંડ, અંધશ્રદ્ઘા, ગુરૂપરંપરાની દીવાલો, બાહ્ય દેખાવો વગેરેનો વિરોધ કર્યો ટુંકમાં બુધ્ધે ધર્મના નામે ચાલતા ધતિંગ સામે જબરદસ્ત  પોકાર કર્યો. એ અવાજ એટલો બુલંદ હતો કે બ્રાહ્મણ ધર્મ સ્વરક્ષણમાં આવીમાં પડી ગયો.

બુદ્ઘનો અવાજ એટલા માટે બુલંદ હતો કારણ કે એ અનુભૂતિનો અવાજ હતો. બ્રાહ્મણ ધર્મએ પીછેહઠ કરવી પડી જે ભારતવર્ષના ધાર્મિક ઇતિહાસનું એક જવલંત પ્રકરણ છે.  એક જ વ્યકિતએ સૈકાઓ જુની પ્રબળ ધર્મપરંપરાને પડકારી એના પાયા હચમચાવી નાખ્યા હતા. અને એટલે જ હિન્દૂ(બ્રાહ્મણ) પરંપરાએ બુદ્ઘને વિષ્ણુના દશાવતારમાં નવમો અવતાર ગણાવ્યો. કારણ કે બુદ્ઘનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ જ ન હતું.

  બુદ્ઘે સંસારની અનિત્યતાનો ઉપદેશ આપ્યો અને એમાંથી સન્યાસ એ આધ્યાત્મિક જીવનનું ધ્યેય બન્યું.  ભગવાન બુદ્ઘે દુઃખ અને સંતાપમાંથી મુકિત પામવા મધ્યમ માર્ગ બતાવ્યો.   મધ્યમ માર્ગનો અનુભવ થઈ શકે  મધ્યમ માર્ગને મનુષ્યનું મન સમજી શકતું નથી. મન તો દરેક વસ્તુની વ્યાખ્યા કરીને જ સમજી શકે.  વ્યાખ્યા એટલે દ્વન્દ્વના ચોગઠમાં કોઈપણ વસ્તુ મૂકવી. મધ્યમ માર્ગ એ દ્વન્દ્વના ચોગઠમાં સમજી શકાય એવો નથી. એ મનની સમજણની બહાર છે. જયારે મનનો વ્યાપાર બંધ થાય- એક ક્ષણ માટે પણ- ત્યારે મધ્યમ માર્ગની પ્રતીતિ થાય છે. શાંત મન જ મધ્યમ માર્ગની અનુભૂતિ પ્રાપ્ત કરી શકે છે.   બુદ્ઘનો માર્ગ મનના મૌનનો માર્ગ છે. મૌનમાં થયેલું દર્શન એ જ મધ્યમ માર્ગ. મધ્યમ માર્ગમાં અતિશયતાનો નિષેધ છે.

 બુદ્ઘ માટે આપણે 'કરૂણામૂર્તિ' શબ્દ વાપરીએ છીએ. બુદ્ઘ જીવદયાનું સમર્થન કરે પશુહિંસાનો વિરોધ કરે એ સંદર્ભમાં તો  કરુણામૂર્તિ ખરા જ. પરંતુ તેમની ખરી કરુણા એમના મહાભિનિષ્ક્રમણમાં સમાયેલી છે. પ્રથમ મહાભિનિષ્ક્રમણમાં તેમણે રાજમહેલ છોડી ગૃહત્યાગ કર્યો. પણ બીજા મહાભિનિષ્ક્રમણમાં તો  તેમણે નિર્વાણ સુખને છોડ્યું. અને તે પણ નિર્વાણના ઉંબર  પર ઊભા રહીને. એમણે કહ્યું : 'હું નિર્વાણ સુખમાં પ્રવેશ નહીં કરું, જયાં સુધી એક પણ વ્યકિત દુઃખથી પીડિત હશે.' આના કરતાં વધારે ચડિયાતી કરુણા માનવ ઇતિહાસમાં કયાંય નથી

વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે કે, 'આજની વૈજ્ઞાનિક જરૂરિયાતોને પહોંચી વળે એવો કોઈ ધર્મ હોય તો તે બૌદ્ઘ ધર્મ છે.'   આવો વાસ્તવીક અને વૈજ્ઞાનિક  ધર્મ     મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા...એવા ચાર પાયા ઉપર ઊભો છે.

પશ્ચિમને બૌધ્ધધર્મ અને તથાગત બુધ્ધનો પરીચય વીસમી સદીના આરંભે જ થયો છે. ૧૮૭૯માં એડવીન આર્નોલ્ડ નામના લેખકે ‘Light of Asia’ નામનો એક કાવ્યગંથ્ર પ્રસિધ્ધ કરીને પશ્ચિમને બુધ્ધનો પરીચય આપ્યો.

ભારતમાં શંકરાચાર્યના આગમન પછી બૌધ્ધધર્મ આ દેશમાંથી દેશવટો લે છે હજારો-બૌધ્ધ ભિક્ષુઓની કત્લે આમ નાલંદા વિદ્યાપીઠનો નાશ વગેરે ઇતિહાસ જાણીતો છે જેથી બૌધ્ધ ભિખ્ખુઓ ધર્મગંથ્રો સાથે ચીન, તિબેટ, બર્મા, શ્રીલંકા વગેરે સ્થળોએ જતા રહયા.

ભારતમાં બૌધ્ધધર્મની પુનઃ સ્થાપનાના બૌધિસત્વ બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરે કરી પોતાના પાંચ લાખ અનુયાયીઓને દિક્ષા આપી તેમણે બાવીસ પ્રતિજ્ઞાઓ પણ લેવડાવી.

 સંસારમાં દુઃખ છે. દુઃખનું કારણ છે. તેનું નિવારણ છે અને એ નિવારણ માટેનો માર્ગ છે...એ ચાર આર્યસત્યો દ્વારા બુદ્ઘે આપણને સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમયક વાચા, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ  ઉપરાંત ચોરી, પ્રાણીહિંસા, વ્યભિચાર, સમ્યક, અને અસત્યનું આચરણ ન કરવા એટલે કે પંચશીલનું પાલન કરવા અને મૈત્રી, ઉપેક્ષા, દાન, શીલ, નિકર્મ, અધિષ્ઠાન, સત્ય, ક્ષાન્તી, વીર્ય, પ્રજ્ઞા એમ દશ પારમિતાનું પાલન કરવાથી મનુષ્ય દુઃખી નથી થતો એ સંદેશ  બુધ્ધ ધર્મ આપણને આપે છે. અપ્પ દિપો ભવઃ એટલે  કે 'તુ જ તારો દિવો થા' એ સંદેશ દ્વારા આધી, વ્યાધી અને ઉપાધીમાં ભટકતા માનવને ભગવાન બુધ્ધ મંગલ બોધિ- પથ બતાવી સમગ્ર માનવ જીતના ઉત્થાનની કામના કરેે છે.

બુદ્ઘ સાસ્વત છે સનાતન છે કારણ કે  બુધ્ધ સત્ય છે... અને સત્ય કદી મરતું નથી. તેથી જ કહુ છું બુધ્ધ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી... સંઘમ શરણમ ગચ્છામી...

 આલેખન  -ડો.સુનીલ જાદવ

(૯૪૨૮૭ ૨૪૮૭૧) રાજકોટ

(3:40 pm IST)